‘સ્વાસ્થ્ય સૌથી મોટી સંપત્તિ છે, સંતોષ સૌથી મોટો ખજાનો છે, આત્મવિશ્ર્વાસ સૌથી મોટો મિત્ર છે’

ઇન્ટરવલ

આનન-ફાનન-પાર્થ દવે

જ્યારે લાઓત્સેએ ચીની અધિકારીને પોતાની ‘જકાત’ ચૂકવી…

‘હજારો માઈલની યાત્રા એક પગલા સાથે શરૂ થાય છે’, ‘મારી પાસે શીખવવા માટે માત્ર ત્રણ બાબતો છે: સાદગી, ધૈર્ય અને દયા. આ ત્રણેય બાબતો તમારા માટે સૌથી મોટો ખજાનો છે’, ‘મૌન મહાન શક્તિનો સ્રોત છે.’
ઉપરોક્ત ત્રણેય વાક્યો ચીની બાવાના છે. દુનિયા તેમને મહાન દાર્શનિક, તત્ત્વજ્ઞાની અને સંત તરીકે ઓળખે છે. નામ: લાઓત્સે. ઈસવી સન પૂર્વે ૬૦૪માં ચીનમાં તેમનો જન્મ. અઢી હજાર ઉપર વર્ષો થયાં, તેમ છતાં આજે પણ તેમણે આપેલાં સૂત્રો યથાર્થ છે. આજના જમાનાને અનુરૂપ છે. ‘તાઓ-તેહ-કિંગ’ના નામે તેમનાં સૂત્રોનો સંગ્રહ થયો છે. એ સંગ્રહમાં ‘થ્રી ટ્રેઝર્સ’ વિશે તેમણે વાત કરી છે. આ નાનકડું પુસ્તક કઈ રીતે લખાયું તેની વાત પણ રસપ્રદ છે. લાઓત્સેએ ચાલીસેક વર્ષની ઉંમર સુધી ખાસ કંઈ સર્જન કર્યું નહોતું. ચાલીસ વર્ષ પછી તેઓ એક સરકારી લાઇબ્રેરીમાં ઈતિહાસ-લેખક તથા ગ્રંથપાલ તરીકે જોડાયા. ખરેખર હોશિયાર વ્યક્તિની સાચી હોશિયારી લાંબા સમય સુધી છાની ન રહે. તેમની સ્માર્ટનેસ અન્યો સુધી પહોંચે જ. શરૂઆતમાં લોકો ન સ્વીકારે, પછી વિરોધ કરે અને અંતે સ્વીકારી લે. લાઓત્સેની ખ્યાતિ પણ ધીમે ધીમે ગ્રંથાલયની બહાર ફેલાવા લાગી. તેમની ચિંતન અને જ્ઞાનસભર વાતો સાંભળવા તેમના ચાહકો આવવા લાગ્યા. ચાહકોની સંખ્યા વધવા લાગી.
લાઓત્સે સરકારી ફરજ નિષ્ઠાપૂર્વક બજાવતા. એવામાં એમના કેટલાક શિષ્યો તથા ચીનના સમ્રાટે એવો આગ્રહ રાખ્યો કે લાઓત્સેએ પોતાના જીવનમાંથી જે મેળવ્યું છે તે જ્ઞાન લિપિબદ્ધ કરી સૌ માટે એવેલેબલ કરાવવું જોઈએ. લાઓત્સેનો મત જુદો હતો. ખરેખર તો તેમની તાસીર જ જુદી હતી. તેમણે લખવાનું ટાળ્યું, પણ સમ્રાટનું દબાણ સખત વધવા માંડ્યું એટલે તેમણે ચીનની સરહદ છોડી હિમાલય તરફ પ્રયાણ કર્યું. સરહદના ગૂંચી નાકા પર તેમને અટકાવવામાં આવ્યા. સરહદ પર ફરજ બજાવતો અધિકારી પણ લાઓત્સેનો ચાહક હતો! તેણે લાઓત્સેને ન જવા માટે વિનંતી કરી. લાઓત્સે જેવા મહામાનવ બીજે જતા રહે એ વાસ્તવિકતા તેના માટે પચાવવી મુશ્કેલ હતી, પણ લાઓત્સે રાજા ચાઓનું રાજ્ય છોડી દેવાનો મક્કમ નિશ્ર્ચય કરી ચૂક્યા હતા.
તે અધિકારીની બહુ બધી વિનવણી પછી પણ લાઓત્સે પોતાનો નિર્ણય બદલવા તૈયાર ન થયા એટલે આખરે એ અધિકારીએ તેમને કહ્યું કે ‘તો પછી તમે જકાત ચૂકવતા જાઓ! તો જ તમે આ દેશ છોડીને જઈ શકશો!’ એ વખતે થોડો સમય રોકાઈને લાઓત્સેએ જકાતરૂપી જે જ્ઞાન લખ્યું ને આપ્યું તે ‘તાઓ-તેહ-કિંગ’. ‘ધ બુક ઑફ તાઓ’!
માત્ર ૨૫-૩૦ પાનાંમાં સમાઈ શકે એ રીતે સૂત્રાત્મક શૈલીમાં આ અદ્ભુત જ્ઞાન લખાયું છે. લાઓત્સેએ એક જગ્યાએ લખ્યું છે કે ‘રહેવામાં (જીવવામાં) મૂળિયાંની નજીક રહો. વિચારવામાં સહજ-સરળ રહો. ઝઘડામાં નિષ્પક્ષ રહો. શાસનમાં નિયંત્રણ રાખવાની કોશિશ ન કરો. કામમાં એ કરો જે આનંદ આવે અને પરિવારમાં સંપૂર્ણ રીતે હાજર રહો!’ તેમનાં વાક્યોના અનુવાદ આમ વાંચવામાં એકદમ સરળ લાગે, પણ શાંતિથી વિચારતાં ઘા કરી જાય! જેમ કે આ વાક્ય જુઓ: ‘જે જાણે છે, તે બોલતો નથી. જે બોલે છે, તે જાણતો નથી.’
વિચારો શાંતિથી. ‘જે માણસ જાણી ગયો છે’ (પામી ગયો છે) તે દરેક વખતે બોલ બોલ નથી કરતો. મૌન રહે છે. (મૌન પરનું સૂત્ર આપણે સૌથી પહેલાં જ જોયું!) અને જે નથી જાણતો તે નકરી જીભાજોડી કર્યા કરે છે! અન્ય એક જગ્યાએ લાઓત્સેએ કહ્યું છે કે ‘આત્માનું સંગીત બ્રહ્માંડ દ્વારા સાંભળી શકાય છે.’ ‘સ્વાસ્થ્ય સૌથી મોટી સંપત્તિ છે, સંતોષ સૌથી મોટો ખજાનો છે, આત્મવિશ્ર્વાસ સૌથી મોટો મિત્ર છે.’ ‘બીજાને જાણવું તે જ્ઞાન છે, પોતાને જાણવું તે આત્મજ્ઞાન છે.’ ‘બીજા પર કાબૂ કરવો તે તાકાત છે, પણ પોતાના પર કાબૂ કરવો તે અસલી તાકાત છે.’ ‘જીવન અને મૃત્યુ એક જ દોરા પર છે. માત્ર તેને અલગ અલગ બાજુએથી જોવામાં આવે છે!’ આ છેલ્લા વાક્યને સાચું ઠેરવવા માટે જ ઘટ્યો હોય એવો એક પ્રસંગ ચીનના જ ફિલોસોફર ચુઆંગ ત્સેનો છે.
ચુઆંગ ત્સેની પત્નીને પુત્રજન્મ થયો. લોકો ખુશીથી વધામણી આપી રહ્યા હતા ત્યારે જન્મેલા પુત્રના પિતા બધાને મીઠાઈ વહેંચવાને બદલે ખૂણામાં બેસીને મોટા અવાજે રડતા હતા. લોકો મૂંઝવણમાં પડી ગયા. રડવાનું કારણ પૂછ્યું તો ચુઆંગ ત્સે બોલ્યા કે ‘મારા પુત્રના જન્મ સાથે જ એનું મૃત્યુ ક્યારે થશે એ જાણીને રડું છું!’ લોકો પાછા જતા રહ્યા!
થોડાં વર્ષો બાદ ચુઆંગ ત્સેની પત્નીનું અવસાન થયું. એ જ લોકો ખરખરો કરવા આવ્યા. દિલાસો આપી રહ્યા હતા ત્યારે ચુઆંગ ત્સે ઘરની બહાર જાહેરમાં ઓટલે બેસીને બીન વગાડી રહ્યા હતા. લોકોએ કહ્યું કે ‘પત્ની મૃત્યુ પામી છે અને તમે દુ:ખી થવાના બદલે વાંજિત્ર વગાડી રહ્યા છો, ગાઈ રહ્યા છો? આ તમારું વિચિત્ર વર્તન સમજાતું નથી.’ ચુઆંગ ત્સેએ કહ્યું કે ‘તમે સૌ પણ આનંદ મનાવો. હું પામી ગયો છું કે એ છૂટી ગઈ, જનમ-મરણના ફેરામાંથી મુક્ત
થઈ ગઈ.’
કેટલી ગૂઢ વાત. મોરારિબાપુના ભાઈ જાનકીદાસબાપુ હરિયાણી, જેમને સૌ ‘ટીકા કાકા’ના નામે ઓળખતા, તેમનું મૃત્યુ થયું તે દરમ્યાનની વાત છે. મોરારિબાપુ કથા પૂરી કરીને આવ્યા હતા. ચિત્રકુટધામ તલગાજરડા ખાતે તેમને સમાધિ અપાઈ હતી. એમના ‘સમાધિ ઉત્સવ’ વખતે મોરારિબાપુએ કહેલી વાત અત્યારે યાદ આવે છે. એ તો કહી શકાય કે લાઓત્સેનાં સૂત્રો કરતાં પણ સરળ શબ્દો હતા. તેમણે વાતની શરૂઆત કરતાં જ કહ્યું કે ‘મારી આંખ કદાચ થોડી નમ થાય તો એ પીડાથી નથી થતી. આપ સૌ આવ્યા એની પ્રશંસાથી થાય છે. મૈં ખુશ હૂં, મેરે આંસુઓં પે ન જાના. મેં તો દિવાના દિવાના દિવાના. તમે એને કોઈ બીજા અર્થમાં ન લેતા.’ ‘સમાધિ ઉત્સવ’માં અન્ય સાધુઓ બોલ્યા. ત્યાર બાદ બાપુએ કહ્યું કે ‘મારે આમ તો બધાને બોલાવવા હતા, પરંતુ ‘સમાધિ વંદના’ને લીધે આદર વ્યક્ત કરે અને એમાં ને એમાં પછી તેનાં અતિશય વખાણ શરૂ થાય એ ખોટું. માણસ જાય પછી તેનાં જેટલાં વખાણ થાય એનાથી અડધાં વખાણ એ જીવતો હોય ત્યારે કરી લીધાં હોયને તો એ જીવી જાય!’ બાપુએ આગળ કહેલું: ‘સાધુઓમાં શોકસભા કે શ્રદ્ધાંજલિ કે ઉઠણું કે બેસણું નથી હોતું.’
‘સમાધિ ઉત્સવ’ દરમ્યાનની મોરારિબાપુની આખી સ્પીચ ખાસ સાંભળવા જેવી છે. જીવન અને મૃત્યુને લઈને ઘણી કણિકાઓ તેમાં વેરાઈ છે.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.