દુકાળમાં જીવવાની આદત હોય એને ઝાપટું પણ અતિવૃષ્ટિ લાગે

મેટિની

અરવિંદ વેકરિયા

‘તિરાડ’ નાટકની સફળતાએ મને ‘જીવન-ચોપાટ’ની નિષ્ફળતા ધીરે-ધીરે ભુલાવી દીધી. તિરાડ નાટકની સફળતાનો મને આનંદ હતો સાથે કલાકારોનો સાથ પણ હતો અને સફળતાનો આનંદ તેઓ બધા પણ માણી રહ્યા હતા. આનંદ કરવા કરતા અઘરું છે આનંદ કરતા જોવું. અહીં સૌ સહિયારો આનંદ માણી રહ્યા હતા એનો મને અનહદ આનંદ હતો. નવા નાટક વિશેની વાત તો માત્ર મારા અને રાજેન્દ્ર સુધી સીમિત હતી. હવે.નવા નિર્માતા, અભય ગોલેચ્છા, જે અનિતા આર્ટસના નેજા હેઠળ આ નવું નાટક કરવા માગતા હતાં. એમને મેં હૈયાધારણ આપી હતી કે નાટકનું લેખન-કાર્ય ચાલુ છે, જેવું પૂરું થશે એટલે આપણે મળીશું. આ રસિક નિર્માતા એ છતાં અઠવાડિયામાં એક-બે વાર તો ફોન કરી ક્યા સુધી પ્રગતિ થઇ? એ જાણી લેતા. આ એમનો નાટક પ્રત્યેનો રસ હું ગણું છું. બાકી ઘણાં તો પોતે જાણે આખી રંગભૂમિ પચાવી ગયા હોય એવો દેખાડો કરતા હોય છે. આવા નિર્માતાઓને વાસ્તવિકતાનો અરીસો બતાવી દેવો જોઈએ. એક જોક યાદ આવી જાય છે. એક પત્નીએ પતિને કહ્યું કે વહાલા, તમે મારે માટે ચાંદ લાવી શકો? પતિ રૂમમાં ગયો અને એક વસ્તુ હાથમાં લઇ પાછળ સંતાડી બહાર આવ્યો. એણે પત્નીને કહ્યું કે જરા આંખ બંધ કર જોઈએ..પત્નીએ કુતૂહલ સાથે પોતાની આંખો બંધ કરી. પતિએ લાવેલી વસ્તુ પત્નીના હાથમાં મૂકી દીધી. પત્નીએ આંખો ખોલી જોયું, તો અરીસો હતો. પત્ની આનંદવિભોર થઇ ગઈ અને શરમાતા શરમાતા કહ્યું કે શું હું ચાંદ જેવી લાગુ છું? પતિએ કહ્યું કે ના વહાલી, ફક્ત તને સમજાવવા માગુ છું કે જે મોઢેથી તું ચાંદ માગી રહી છે, એ તારું મોઢું ક્યારે’ય અરીસામાં જોયું છે? પોતાને એક પણ નાટકના નિર્માણનો અનુભવ ન હોવા છતાં પોતાને નાટકના તીસમારખા’ સમજતા નિર્માતાને આવો અરીસો બતાવી દેવો જોઈએ…
તિરાડ નાટકના બપોરના એક પ્રાયોજિત પ્રયોગ પછી હું અને રાજેન્દ્ર મળ્યા. રાજેન્દ્ર પોતાની સાથે સ્ક્રિપ્ટ લઈને આવેલો. અમે બિરલા ક્રીડા કેન્દ્રના ઓટલે એ વાંચવા બેઠાં. ખરેખર, રાજેન્દ્રએ સરસ લખ્યું હતું. ગ્રીપ સાથે રમૂજ પણ સારી હતી. હા, થોડા ગલગલીયાભર્યા સંવાદો આવતા રહેતા હતા. રાજેન્દ્ર મને સમજાવતો કે આ રૂચીભંગ કે હાનીકારક કે પછી તારી ઈમેજને બગાડે એવા તો નથી જ. મને કહે કે તું હવે તારા વિચારોમાં થોડો બદલાવ લાવ. આજના ‘ટોપ’નાં ડિરેકટરો અને કલાકારો પણ આધુનિકતાના રંગે રંગાઈ રહ્યા છે, ત્યારે તું હજી એ જ જૂના વિચારોમાં ગળાડૂબ છે ! તમે મંદિર બદલો કે ભગવાન, પણ સારી રજૂઆત માટે જ્યાં સુધી એકવાર તમારા વિચારો નહિ બદલો ત્યાં સુધી બધું નકામું. મને એની આ વાત ગમી. મારે મારી સંકુચિતતા સાથે મારા છૂપા ડરને પણ ખંખેરી નાખવો પડશે. દુકાળમાં જીવવાની આદત હોય એને ઝાપટું પણ અતિવૃષ્ટિ લાગે, આ નાટક માટે મારું આવું જ હતું. રાજેન્દ્ર મને બ્રેઈન-વોશ કરતો રહ્યો. મને પણ લાગ્યું કે મારી મમત છોડી વર્તમાનના પગરખામાં પગ નાખવો જોઈએ, નવા-નવા થોડા કઠશે, પછી કદાચ ફાવી પણ જાય ! ક્યારેક હારવું જરૂરી હોય છે, તેનાથી અભિમાન નિયંત્રણમાં રહે છે, અહીં હારવાની વાત નહોતી, અભિગમ બદલવાની વાત હતી.
નવા નાટકમાં પાત્રો તો ઘણાં હતાં. ‘બજેટ-નાટક’માં કેમ પહોંચાય? પાત્રોની વાત હવે અગ્રતા માગી લેતી હતી. પહેલો વિચાર એ કરવાનો હતો કે ચાલતા નાટક ‘તિરાડ’ માંથી કોને કાસ્ટ કરવા? રાજેન્દ્રનો એક જ સુર હતો કે આપણે દેવેન્દ્ર પંડિતને તો લેવા જ. બાકી ‘તિરાડ’ના કોઈ કલાકાર નહિ. બાકી રહેતા પાત્રો માટે અવેલેબલ માંથી સારા પરફોર્મરને શોધી લઈશું.
અમે વિચારતા રહ્યા. રાજેન્દ્ર નાટક આગળ લખતો રહ્યો. નવા નિર્માતાના ફોન સમયાંતરે આવતા રહેતા. અભય ગોલેચ્છા ક્યારેક ‘તિરાડ’ નાટકના શૉમાં પણ મળવા આવી જતા. નિર્માતા હતા મારવાડી, માર્કેટમાં કાપડનો મોટો બિઝનેસ હતો, એમને ગુજરાતી નાટક બનાવવાનું ભૂત સવાર હતું. તેઓ પોતાના મારવાડી સમાજ માટે બિરલા માતુશ્રી સભાગૃહમાં પ્રસંગોપાત કાર્યક્રમ કરતા રહેતા જેમાં એક નાટક તો હોય હોય ને હોય જ. કલાકારો આપણા તખ્તાના પણ હોય. ભૈરવી શાહ, સત્યેન કપ્પુ, શેખર પુરોહિત. વગેરે..વગેરે… ભૈરવીબેનને કારણે મેં પણ એ જોયેલા. પોતાના સમાજના આવા કાર્યક્રમોમાં ખૂબ ખર્ચ કરનાર આ નિર્માતાએ નાટક માટે કેમ ઓછા બજેટ માટે કહ્યું હશે? એ વિચાર ક્યારેક આવી જતો. રાજેન્દ્ર આ નિર્માતાને જવા દેવા માંગતો નહોતો. હું જયારે-જ્યારે તિરાડ’ની રેકોર્ડ વગાડતો ત્યારે મને કહેતો, દાદુ, ‘તિરાડ’ નાટક તારું છે એમ એ મારું પણ છે. સારું ચાલે છે. લોકોએ વખાણ્યું એટલે પૂર્ણવિરામ નથી આવી જતું, વખાણ હોય કે વહાણ ભાર વધી જાય એટલે ડુબાડે, સમજ્યો?.
આ ફિલસૂફીનો મારી પાસે જવાબ નહોતો. મારે મારી ‘રંગભૂમિ-કૂચ’ ચાલુ રાખવી હતી. રંગદેવતાને રીઝવવાનું કામ ચાલુ રાખવાનું હતું. કામ જ એવો આદર્શ બને જે ક્યારેય દગો ન આપે ..અને ધ્યેર્ય એવો કડવો છોડ છે જેના પર હંમેશાં મીઠા ફળ જ મળે. હું હવે બધી રીતે નવું નાટક કરવા જાણે તૈયાર થઇ ગયો હતો. રાજેન્દ્રએ સાચું કહ્યું હતું કે ‘તિરાડ’ જેમ દિગ્દર્શક તરીકે મારું નાટક છે તો લેખક તરીકે એનું પણ નામ જોડાયું છે. આ ‘જોડિયા-પાવા’ વાગ્યા એ તમારી મહેનત અને તમારું નસીબ જ. ફૂંક મારવાની તાકાત ઓછી થતા બેસુરા બનતા વાર થોડી લાગવાની? રાજેન્દ્ર સ્પષ્ટ હતો પોતાના વિચારોમાં. એના આગ્રહમાં કોઈ દુરાગ્રહ નહોતો. એ એટલો ક્લીયર હતો કે, એણે કહેલું કે સંબંધો થોડો સમય રાખવા હોય તો મીઠા બનો પણ લાંબો સમય રાખવા હોય તો સ્પષ્ટ બનો. હું જે કહું છું એ મોઢામોઢ. આપણે તો કોલેજકાળથી.. રાજેન્દ્રને જ્યારે લખવાનો શોખ જાગ્યો ત્યારે નરહરિ જાની, જેને પ્રેમથી ‘ભાભો’ કહેતા, એને માટે સ્ક્રિપ્ટ લખીને, ખાસ એનું પાત્ર લખી, તૈયાર કરી વર્ષો સુધી ફર્યો. જાનીને એ વખતે સમયનો અભાવ. એ સ્ક્રિપ્ટ એણે મને ક્યારે આપી એ વાત આગળ આવશે. મેં ભલે મારું પહેલું નાટક હું છોકરી છાકમછોળ હરીશ નાગ્રેચા લિખિત કર્યું પણ બીજું નાટક ‘તિરાડ’ રાજેન્દ્ર સાથે જ શરૂ કર્યું. મિત્રતા વધુ ગાઢ બની. મને ખબર હોત કે રાજેન્દ્ર લખે છે તો શક્ય છે કે મારું પહેલું નાટક કદાચ ‘તિરાડ’ હોત.
લોકો શું કહેશે? વારંવાર પજવતો એ સવાલ મારે હવે અભેરાઈ પર ચઢાવી દેવો પડશે. હવે એક જ લક્ષ-નાટક બનાવતા રહેવું. લોકો તો સારું કરશો તો પણ બોલવાના જ. કોઈના પહેરાવેલા ચશ્માંથી ઈશ્ર્વર ન દેખાય એ તો અંતરના મોતિયા કઢાવવા પડે તો જ ઈશ્વર દેખાય.
આ વિચાર મનમાં બાંધી લઇ મેં અને રાજેન્દ્રએ બજેટ-નાટક માટે બીજા અંક સાથે મળવાનું નક્કી કર્યું ત્યારે કાસ્ટિંગ પણ નક્કી કરી લેશું, એ પણ નિશ્ર્ચિત કરી લીધું.
નડે વજન મનના, ઘટાડીએ છીએ શરીરના,
નડે આપણા કર્મ, દોષ કાઢીએ ગ્રહોના!
——————-
ડબ્બલ રીચાર્જ
મા સાથે પત્નીની પણ કદર કરવાનું રાખો…
મા એ રાત્રે ચાંદામામા બતાવ્યા, તો…
પત્નીએ દિવસે તારા બતાવ્યા જ છે ને ?

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.