(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સતત બે સત્ર સુધી સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહ્યા બાદ આજે મુખ્યત્વે ઈન્ડેક્સ હેવી વેઈટ ગણાતા એચડીએફસી ટ્વિન્સ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શૅરોમાં વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં ૧.૩૮થી ૨.૨૧ ટકાનો ઘટાડો થતાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૪૧૩.૨૪ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો અને ફરી ૬૨,૦૦૦ની સપાટીની અંદર ઊતરી ગયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો ૫૦ શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી ૧૧૨.૩૫ પૉઈન્ટ ઘટીને ૧૮,૩૦૦ની સપાટીની અંદર સરકી ગયો હતો. જોકે, ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૧૪૦૬.૮૬ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાનું એક્સચેન્જે પ્રાથમિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.
વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં લેવાલીને ટેકે છેલ્લાં અમુક સત્રમાં સુધારાતરફી વલણ જોવા મળ્યા બાદ અમેરિકાની દેવાની ટોચ મર્યાદાની અવઢવ ઉપરાંત વૈશ્ર્વિક આર્થિક વૃદ્ધિની ચિંતા અને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાની અનિશ્ર્ચિતતા સાથે આજે સ્થાનિકમાં ખાસ કરીને ઈન્ડેક્સ હેવી વેઈટ ગણાતા શૅરોમાં નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં બૅન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી દબાણ હેઠળ આવ્યા હોવાનું કોટક સિક્યોરિટીઝનાં ઈક્વિટી રિસર્ચ વિભાગના હેડ શ્રીકાંત ચૌહાણે જણાવ્યું હતું.
તે જ પ્રમાણે જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે આજે હેવી વેઈટ સ્ટોકમાં વેચવાલીનું દબાણ જોવા મળતાં બૅન્ચમાર્ક વિક્રમ સપાટીએથી પાછા ફર્યા હોવા છતાં ગત જાન્યુઆરીથી માર્ચ સુધીના ત્રિમાસિકગાળામાં યુરોઝોનના અર્થતંત્રમાં વર્ષાનુવર્ષ ધોરણે ૦.૧ ટકાનો વિકાસદર જોવા મળ્યો હોવાથી સ્મોલકેપ અને મિડકેપ ઈન્ડેક્સમાં અનુક્રમે ૦.૧૨ ટકા અને ૦.૧૮ ટકાનો સુધારો જોવા મળ્યો હતો. જોકે, અમેરિકી બજારમાં દેવાની ટોચ મર્યાદા અંગેની બેઠક પૂર્વે સાવચેતીનો અભિગમ જોવા મળ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
દરમિયાન આજે સ્થાનિકમાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૬૨,૩૪૫.૭૧ના બંધ સામે સુધારાના ટોને ૬૨,૪૭૪.૧૧ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૬૧,૮૪૭.૪૧ અને ઉપરમાં ૬૨,૪૭૫.૯૫ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ૦.૬૬ ટકા અથવા તો ૪૧૩.૨૪ પૉઈન્ટ ઘટીને ૬૧,૯૩૨.૪૭ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો ૫૦ શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૧૮,૩૯૮.૮૫ના બંધ સામે ૧૮,૪૩૨.૩૫ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ૧૮,૨૬૪.૩૫થી ૧૮૪૩૨.૩૫ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ૦.૬૧ ટકા અથવા તો ૧૧૨.૩૫ પૉઈન્ટના ઘટાડા સાથે ૧૮,૨૮૬.૫૦ના મથાળે બંધ રહ્યો હતો.
આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી ૧૪ શૅરના ભાવ વધીને અને ૧૬ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા, જેમાં મુખ્ય વધનાર શૅરોમાં સૌથી વધુ ૧.૧૮ ટકાનો સુધારો બજાજ ફાઈનાન્સમાં જોવા મળ્યો હતો, ત્યાર બાદ અનુક્રમે એનટીપીસીમાં ૦.૮૨ ટકાનો, સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયામાં ૦.૭૪ ટકાનો, હિન્દુસ્તાન યુનીલિવરમાં ૦.૫૨ ટકાનો, બજાજ ફિનસર્વમાં ૦.૫૦ ટકાનો અને ઈન્ફોસિસમાં ૦.૪૩ ટકાનો સુધારો આવ્યો હતો. જોકે, તેની સામે આજે મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ ૨.૨૧ ટકાનો ઘટાડો એચડીએફસીમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે ટાટા મોટર્સમાં ૧.૮૪ ટકાનો, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં ૧.૮૨ ટકાનો, એચડીએફસી બૅન્કમાં ૧.૭૬ ટકાનો, કોટક મહિન્દ્રા બૅન્ક અને મારુતિ સુઝુકીમાં ૧.૪૩ ટકાનો અને રિલાયન્સમાં ૧.૩૮ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. વધુમાં આજે નિફ્ટી અંતર્ગતના ૫૦ શૅર પૈકી ૧૭ શૅરના ભાવ વધીને અને ૩૩ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા.
વધુમાં આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડાઈસીસમાં મુખ્યત્વે બેઝિક મટિરિયલ ઈન્ડેક્સમાં ૩.૦૫ ટકાનો, ક્ધઝ્યુમર ડિસ્ક્રેશનરી ગૂડ્સ ઍન્ડ સર્વિસીસ ઈન્ડેક્સમાં ૨.૪૦ ટકાનો, ફાઈનાન્સ ઈન્ડેક્સમાં ૧.૫૫ ટકાનો, ઑટો ઈન્ડેક્સમાં ૦.૯૭ ટકાનો, હૅલ્થકૅર ઈન્ડેક્સમાં ૦.૪૫ ટકાનો અને બૅન્કેક્સમાં ૦.૩૬ ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે સીપીએસઈ ઈન્ડેક્સમાં ૦.૬૪ ટકાનો, પીએસયુ ઈન્ડેક્સમાં ૦.૬૨ ટકાનો, ઈન્ડસ્ટ્રીયલ ઈન્ડેક્સમાં ૦.૩૪ ટકાનો, પાવર ઈન્ડેક્સમાં ૦.૨૦ ટકાનો, કેપિટલ ગૂડ્સ ઈન્ડેક્સમાં ૦.૧૯ ટકાનો આઈટી ઈન્ડેક્સમાં ૦.૧૮ ટકાનો સુધારો આવ્યો હતો.
આજે એશિયન બજારોમાં સિઉલ, ટોકિયો અને હૉંગકૉંગની બજાર સુધારાના ટોને બંધ રહી હતી, જ્યારે શાંઘાઈની બજારમાં નરમાઈનું વલણ રહ્યું હતું.
——————
ભારતી એરટેલના નફામાં ૪૯.૨ ટકાની વૃદ્ધિ
નવી દિલ્હી: ગત માર્ચના અંતે પૂરા થયેલા નાણાકીય વર્ષ ૨૦૨૩ના અંતિમ ત્રિમાસિકગાળામાં ટેલિકોમ ક્ષેત્રની અગ્રણી ભારતી એરટેલનો કોન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખો નફો ગત સાલના સમાનગાળાના ૨૦૦૭.૮ કરોડ સામે ૪૯.૨ ટકા વધીને રૂ. ૩૦૦૫.૬ કરોડની સપાટીએ રહ્યો હોવાનું તેમ જ કંપનીના બોર્ડે રૂ. પાંચની મૂળ કિંમતના એક શૅર પર શૅરદીઠ રૂ. ચારના અંતિમ ડિવિડન્ડની ભલામણ કરી હોવાનું બૉમ્બે સ્ટોક એક્સચેન્જને એક યાદીમાં
જણાવ્યું છે.
વધુમાં સમીક્ષા હેઠળના સમયગાળામાં કંપનીની કોન્સોલિડેટેડ ધોરણે આવક ૧૪.૩૧ ટકા વધીને રૂ. ૩૬,૦૦૯ કરોડ (રૂ. ૩૧,૫૦૦.૩ કરડ)ની સપાટીએ રહી છે. તેમ જ ગત ૩૧મી માર્ચ, ૨૦૨૩ના વર્ષાન્તે કંપનીનો ચોખ્ખો નફો આગલા વર્ષના રૂ. ૪૨૫૫ કરોડ સામે બમણો થઈને રૂ. ૮૩૪૬ કરોડના સ્તરે રહ્યો હોવાનું યાદીમાં ઉમેર્યું હતું.