ગુજરાત હાઈર્કોર્ટે શિક્ષણ ખાતાને નોટિસ મોકલી હતી અને મેડિકલ કોલેજોમાં જોવા મળતી રેગિંગની ઘટનાઓને રોકવા સરકારે શું શું પગલાં લીધા છે, તેની માહિતી માગી હતી. વાઘોડિયા અને અમદાવાદની મેડિકલ કોલેજમાં ઘટેલી રેગિંગની બે ઘટના બાદ કોર્ટે સુઓમોટો પિટિશન ફાઈલ કરી હતી.
આ બંને ઘટનાના અખબારી અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે સરકારે 2021માં સ્ટેટ લો કમિશન દ્વારા કરવામાં આવેલી ભલામણોને પણ ધ્યાનમાં લીધી નથી. કોર્ટે જણાવ્યું હતું કે સંબધિત સરકારી એજન્સીઓએ શું પગલાં લીધાં છે, તે અંગે માહિતી મેળવવી જરૂરી છે. કોર્ટે શિક્ષણ અને આરોગ્ય ખાતાના ઉચ્ચ અધિકારીઓને 30મી જાન્યુઆરી સુધીમાં આ અંગે અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે.
થોડા જ દિવસો પહેલા અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં ત્રણ સિનિયર દ્વારા જૂનિયરની રેગિંગની ઘટના ઘટી હતી. અખબારમાં અહેવાલો પ્રકાશિત થયા બાદ કોલેજની કમિટીએ પગલાં લીધા હતા.
જોકે મેડિકલ કોલેજોમાં રેગિંગની ઘટનાઓ વધારે બનતી રહે છે અને આ સાથે સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જૂનિયરની પજવણીની પણ ઘણી ઘટનાઓ બને છે. આ માત્ર ગુજરાત નહીં, દેશભરની મેડિકલ કોલેજોમાં જોવા મળતું હોવાનું વિદ્યાર્થીઓ કહે છે, પરંતુ આનો ઉકેલ સરકાર કે કોલેજો લાવતી નથી.