મની લોન્ડરિંગ કેસમાં સજા ભોગવી રહેલા મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખને મોટી રાહત થઇ છે. તેમને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા છે. મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની જામીન અરજી ઉપર બોમ્બે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી બાદ કોર્ટે અનિલ દેશમુખને જમીન આપ્યા છે. અનિલ દેશમુખ વિરુદ્ધ ભ્રસ્ટાચાર અને પદના દુરુપયોગ સમ્બન્ધિત તપાસ ચાલી રહી છે.
EDએ મની લોન્ડરિંગના આરોપમાં ગયા વર્ષે 2 નવેમ્બરે અનિલ દેશમુખની ધરપકડ કરી હતી. 73 વર્ષીય NCP નેતાને બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ એનજે જમાદારની બેન્ચે 1 લાખ રૂપિયાની જામીન આપવાનો આદેશ આપ્યો છે. 1 લાખના જામીન રજૂ કર્યા બાદ તેમને જામીન આપવામાં આવ્યા છે. જો કે જામીન બાદ પણ અનિલ દેશમુખ જેલમાંથી બહાર આવી શકશે નહીં. તેનું કારણ એ છે કે સીબીઆઈએ તેની સામે કેસ પણ નોંધ્યો છે અને તે કેસમાં તેમને જામીન મળ્યા નથી. આવી સ્થિતિમાં તેઓ હજુ પણ જેલમાં જ રહેશે. પરંતુ આ કેસમાં જામીન બાદ તેમની જેલમાંથી બહાર આવવાની આશા વધી ગઈ છે.
સીબીઆઈએ એપ્રિલ 2021માં અનિલ દેશમુખ સામે કેસ નોંધ્યો હતો. તેના આધારે EDએ એફઆઇઆર દાખલ કરી હતી. ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે અનિલ દેશમુખ પર આરોપ લગાવ્યો હતો કે તેઓ શહેરના બાર માલિકો પાસેથી પોલીસકર્મીઓ દ્વારા પૈસા પડાવે છે, જેમાં બરતરફ કરાયેલા અધિકારી સચિન વાઝે પણ સામેલ છે.
એન્ટીલિયાની બહાર વિસ્ફોટકો રાખવાના મામલે એનઆઈએ દ્વારા સચિન વાઝે વિરુદ્ધ તપાસ કરવામાં આવી રહી છે. આ વિસ્ફોટક ધરાવનાર મનસુખ હિરેનનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. સચિન વાઝે આ સમગ્ર કેસનો માસ્ટર માઇન્ડ હોવાનું માનવામાં આવે છે. પરમબીર સિંહે તત્કાલિન સીએમ ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે અનિલ દેશમુખે પોલીસ અધિકારીઓ દ્વારા દર મહિને 100 કરોડ રૂપિયાની વસૂલાતનો ટાર્ગેટ આપ્યો હતો. આ પછી, EDએ તેની તપાસ બાદ દાવો કર્યો હતો કે સચિન વાઝેએ મુંબઇના બાર માલિકોની બેઠક બોલાવી હતી. ડિસેમ્બર 2020 થી ફેબ્રુઆરી 2021 દરમિયાન, તેમણે કેટલીક વખત બાર માલિકો પાસેથી 4.70 કરોડ રૂપિયા વસૂલ કર્યા હતા. EDએ એમ પણ કહ્યું હતું કે વસૂલ કરાયેલી રકમ અનિલ દેશમુખને તેમના અંગત સહાયક કુંદન શિંદે દ્વારા બે હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખને મળ્યા જામીન, પણ હજુ રહેશે જેલમાં
RELATED ARTICLES