ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપે પ્રચંડ બહુમતી મળ્યા બાદ સરકાર બનાવી હતી. ચૂંટણી પરિણામના ત્રણ મહિના બાદ ભાવનગર પશ્ચિમના વિધાનસભ્ય જીતુ વાઘાણીની જીતને હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે સોમવારે રાજ્યના ભૂતપૂર્વ શિક્ષણ પ્રધાન અને ભાવનગર પશ્ચિમના વિધાન સભ્ય જીતુ વાઘાણીને સમન્સ જારી કર્યા હતા.
AAPના ઉમેદવાર રાજેનભાઈ સોલંકી ઉર્ફે રાજુ સોલંકીએ આરોપ લગાવ્યો છે કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના જીતુ વાઘાણીએ ચૂંટણી પ્રચાર દરમિયાન ગેરરીતી આચરી હતી. જીતું વાઘાણી અને તેમના સમર્થકોએ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા રાજેશભાઈ સોલાણી ઉર્ફે રાજુ સોલંકીના નામની ઓળખનો ઉપયોગ કરીને મતદારોને ગેરમાર્ગે દોર્યા હતા.
AAP ઉમેદવાર રાજેનભાઈ સોલંકીના વકીલ પુનિત જુનેજાએ HC સમક્ષ રજૂઆત કરી હતી કે ચૂંટણીના એક દિવસ પહેલા જીતુ વાઘાણી અને તેમના સમર્થકોએ રાજુ સોલંકીના નામે પેમ્ફલેટ્સ છાપીને વહેંચ્યા હતા. જેમાં જણાવ્યું હતું કે રજુ સોલંકી વાઘાણીને સમર્થન આપી રહ્યા છે. પેમ્ફલેટમાં હાઇલાઇટ કરેલા ફોર્મેટમાં ‘આપ નો રાજુ સોલંકી’ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જે દર્શાવે છે કે ભાજપના ઉમેદવાર જીતુભાઈ વાઘાણી દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પેમ્ફલેટમાં સાવચેતી પૂર્વક ‘Sr No 14’નો નાના અક્ષરોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ ‘આપ નો રાજુ સોલંકી’ મોટા ફોન્ટમાં હાઇલાઇટ કરવામાં આવ્યું હતું.
વકીલે રજૂઆત કરી હતી કે લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 123(4)મુજબ આ ગુનો બને છે. આ પેમ્ફલેટથી મતદારોને એવી છાપ ઉભી થાય છે કે AAP ઉમેદવારે ભાજપના ઉમેદવારને તેમનું સમર્થન આપ્યું હતું.
ચૂંટણી દરમિયાન કથિત ગેરરીતીને ટાંકીને લઈને AAP ઉમેદવારે HCને ભાવનગર (પશ્ચિમ) મતવિસ્તારના ચૂંટણી પરિણામને રદ કરવા અને વાઘાણીને ચૂંટણી લડવા માટે ગેરલાયક જાહેર કરવા વિનંતી કરી હતી. પ્રારંભિક સુનાવણી બાદ, ન્યાયમૂર્તિ આર એમ સરીને જીતુ વાઘાણીને સમન્સ જારી કર્યા હતા. 21 એપ્રિલના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.