(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે મુંબઈમાં રહેલા ફેરિયાઓના મત હાંસિલ કરવા માટે હવે ‘પ્રાઈમ મિનિસ્ટર સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધી સ્કીમ’ને અમલમાં મૂકવા પર ભાર આપી રહી છે. ભાજપ આ યોજના હેઠળ એક લાખ લોકો સુધી પાલિકાના માધ્યમથી લોન પહોંચાડવા માગે છે. તેની સામે પાલિકા અત્યાર સુધી માત્ર ૬૦,૦૦૦ લોકો સુધી પહોંચી શકી છે. આગામી દસ દિવસમાં પાલિકાને એક લાખનો લક્ષ્યાંક પૂરો કરવાનો છે.
કેન્દ્રની હાઉસિંગ એન્ડ અર્બન અફેર મિનિસ્ટ્રીએ ૨૦૨૦ની સાલમાં ‘પીએમ સ્વનિધિ’ યોજના શરૂ કરી હતી. આ યોજનાનો હેતુ શહેરી અને અર્ધશહેરી વિસ્તારમાં રહેલા ૫૦ લાખ ફેરિયાઓને ઈન્ટરેસ્ટ વગર લોન આપવાની હતી, જેથી કરીને ફેરિયાઓ આ રકમથી પોતાનો વ્યવસાય ચાલુ કરી શકે. આ યોજના હેઠળ ફેરિયાઓને ૧૦,૦૦૦ રૂપિયા સુધીની રકમ આપવામાં આવે છે, જે તેમણે વર્ષની અંદર હપ્તામાં ભરવાની હોય છે.
સ્ટેટ ફોર ફાઈનાન્સના યુનિયન મિસ્ટિર ડૉ. ભાગવત કરાડે સોમવારે મુંબઈ મહાનગરપાલિકા અને બેંકના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ત્યાર બાદ તેમણે કહ્યું હતું કે કોરોના મહામારી દરમિયાન પોતાનો વ્યવસાય ગુમાવી બેસેલા ફેરિયાઓે ફરી પગભર થાય તે માટે તેમને આર્થિક મદદ કરવા માટે આ યોજના ચાલુ કરવામાં આવી છે. જો લોન છ મહિનામાં પાછી આપી દેવામાં આવશે તો ફેરિયો આગામી વર્ષ માટે ૨૦,૦૦૦ રૂપિયાની લોન લેવા માટે પાત્ર બને છે. આ રકમ ૫૦,૦૦૦ સુધી જઈ શકે છે.
મુંબઈ મહાનગરપાલિકાની હદમાં આવતા ૨૪ વોર્ડમાં પાલિકાએ ૩૫૦થી વધુ કેમ્પ ફેરિયાઓ માટે રાખ્યા હતા. ફેરિયાઓ પાસેથી આવેલી એપ્લિકેશન બાદ પાલિકાએ તેમને લોન આપવા ભલામણ કરતો પત્ર આપ્યો હતો. આ પત્રની મદદથી ફેરિયાઓને બેંકમાંથી લોન મળે છે.
મુંબઈમાં જોકે આ યોજનાને નબળો પ્રતિસાદ મળ્યો છે ત્યારે ભાજપ આ યોજનાને ફેરિયાઓ સુધી પહોંચાડવા માટે સક્રિય થઈ ગઈ છે. આગામી સમયમાં મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી છે, તેથી તેને ધ્યાનમાં રાખીને ભાજપ વધુ ને વધુ લોકો સુધી આ યોજના પહોંચાડવા માગે છે.