(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં જી-૨૦ પ્રેસિડન્સીનો ત્રણ દિવસનો કાર્યક્રમ સંપન્ન થવાની સાથે જ ફરી એક વખત મુંબઈના રસ્તાઓ પર ઠેર ઠેર ફેરિયાઓ આવી ગયા છે.
મુંબઈમાં ત્રણ દિવસ માટે જી-૨૦ સમિત યોજાઈ હતી. વિશ્ર્વના ૨૦ દેશોના પ્રતિનિધિઓએ હાજરી પુરાવી હતી. જી-૨૦ સમિટ માટે મુંબઈ મહાનગરપાલિકાએ જબરદસ્ત તૈયારીઓ કરી હતી, જે હેઠળ મુંબઈના સૌંદર્યીકરણનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. લગભગ ૨૫ કરોડ રૂપિયાનો ખર્ચ કરીને મુંબઈના જુદા જુદા વોર્ડમાં સૌંદર્યીકરણ કરવામાં આવ્યું હતું.
હવે જોકે જી-સમિટના સમાપનની સાથે જ મુંબઈના રસ્તાઓ પર ફેરિયાઓ પાછા આવી ગયા છે. અનેક વિસ્તારમાં રસ્તા ધોવામાં આવી રહ્યા હતા, તે કરવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. જોકે રસ્તા પર ડિવાઈડર પર કરવામાં આવેલું રંગકામ અને ઝેબ્રા ક્રોસિંગ અને રસ્તા પર અનેક ઠેકાણે બેસાડવામાં આવેલ સાઈનબોર્ડ હજી પણ દેખાઈ રહ્યાં છે. તો મરીન ડ્રાઈવ પર કરવામાં આવેલી લાઈટિંગ વર્ષના અંત સુધીમાં રાખી મૂકવાની પાલિકાની યોજના છે.
બાંદરાના ભૂતપૂર્વ નગરસેવકના કહેવા મુજબ ગયા અઠવાડિયામાં જયારે જી-૨૦ સમિટ યોજાઈ હતી ત્યારે બાંદરા (પશ્ર્ચિમ)માં અનેક રસ્તાઓ પરથી ફેરિયાઓને હટાવી દેવામાં આવ્યા હતા. અમુક જંક્શનો અને ઝાડ પર લાઈટિંગ કરવામાં આવી હતી, તેને હટાવી દેવામાં આવી છે.
મુંબઈના રસ્તાઓ પર ફરી ફેરિયાઓનું અતિક્રમણ
RELATED ARTICLES