લીનાનાં પબ્લિસિટી માટે હવાતિયાંને અવગણવા જોઈએ

એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

કેનેડામાં રહેતાં ફિલ્મસર્જક લીના મણિમેકલાઈની ‘કાલી’ના પોસ્ટરનો વિવાદ શમ્યો નથી ત્યાં લીના ફરી વરતાયાં છે. લીનાએ ૨ જુલાઈએ ‘કાલી’ ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું તેમાં હિંદુઓ માટે શ્રદ્ધેય મહાકાળી માતાના ગેટઅપમાં એક્ટ્રેસને સિગારેટ પીતાં બતાવાયાં હતાં. ‘મા કાલી’ના રૂપમાં રજૂ કરાયેલી આ એક્ટ્રેસના એક હાથમાં ત્રિશૂળ તથા બીજા હાથમાં સજાતિય સંબંધો ધરાવતા સમુદાયના લોકોના પ્રતીક સમાન ઝંડો છે.
લીનાએ હવે બીજું એવું જ પિક્ચર ટ્વિટર પર મૂકીને નવો વિવાદ ઊભો કર્યો છે. આ ફોટામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની ભૂમિકા ભજવી રહેલા કલાકારો રસ્તા પર જતાં જતાં સિગારેટ પી રહ્યાં છે. ભગવાન શિવ બનેલા કલાકાર મોંમાંથી ધુમાડો કાઢી રહ્યા છે ને પાછળ ચાલી રહ્યાં છે જ્યારે માતા પાર્વતી બનેલાં કલાકાર બીડી પીતાં પીતાં આગળ ચાલી રહ્યાં છે. લીના મણિમેકલાઈએ આ ફોટામા ટાઈટલ લખ્યું છે કે, સમવ્હેર એલ્સ એટલે કે ‘ક્યાંક બીજે’.
આ ટ્વીટ બાદ લીના મણિમેકલાઈના માથે સોશિયલ મીડિયા પર માછલાં ધોવાવા માંડ્યાં. લીનાએ ગુરુવારે સવારે ૭.૧૫ કલાકે મૂકેલી આ પોસ્ટ સામે લોકોએ આક્રોશ ઠાલવીને તેની ધરપકડ કરવાની માગણી કરી નાંખી. લીના માત્ર નફરત ફેલાવે છે એવી ટીકાઓનો મારો થયો ને ભાજપના નેતા પણ તેમાં જોડાઈ ગયા. ભાજપ સાંસદ રવિ કિશને તો સલાહ પણ આપી કે, લીનાજી તમે માનસિક રીતે બીમાર થઈ ચૂક્યા છો તેથી તમારે સારવાર કરાવવાની જરૂર છે.
બંગાળના આસનસોલનાં ભાજપનાં ધારાસભ્ય અગ્નિમિત્રા પોલે પણ લીનાને ચીમકી આપી કે, અમારી ધીરજની પરીક્ષા ના લો અને અમારી સહનશીલતાને નબળાઈ ના સમજો. આ બંગાળની એક કળા છે કે જે ભજવનારાંને બહુરૂપી કહેવામાં આવે છે. આ કળાની તસવીર શેર કરીને તમે ધાર્મિક લાગણી ભડકાવી રહ્યાં છો એ યોગ્ય નથી.
લોકોના આ આક્રોશથી ડર્યા વિના લીનાએ સામું ઘૂરકિયું કરીને અઢી કલાક પછી વધુ એક પોસ્ટ મૂકી. ગુરુવારે સવારે ૯.૪૧ કલાકે મૂકેલી પોસ્ટમાં કહ્યું કે, ભારત દેશ સૌથી મોટી ડેમોક્રેસીમાંથી હેટ મશીન બની ગયો છે. લોકો મને સેન્સર કરવા ઈચ્છે છે અને અત્યારે હું સુરક્ષિત હોઉં એવું લાગતું નથી.
લીના કેનેડામાં બેઠાં બેઠાં ભારતમાં ડેમોક્રેસી છે કે નહીં એ વિશે જ્ઞાન પિરસે છે એ જોઈને હસવું આવે છે. ભારતમાં ડેમોક્રેસી છે એટલે જ લીના ગમે તે પોસ્ટ મૂકી શકે છે, ગમે તે બોલી શકે છે, ગમે તેના વિશે મનફાવે એમ લવારો કરી શકે છે. બાકી બીજા દેશોમાં આ રીતે કોઈની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડો તો શું થાય એ સૌ જાણે છે.
હિંદુઓ સહિષ્ણુ છે તેથી હિંદુઓનાં દેવી-દેવતા વિશે પણ લીના ગમે તે પોસ્ટ મૂકી શકે છે. બાકી બીજા ધર્મનાં શ્રદ્ધેય લોકો વિશે આવી જ પોસ્ટ મૂકી હોત તો લોકશાહી કોને કહેવાય ને સુરક્ષા કોને કહેવાય તેનું જ્ઞાન પણ મળી ગયું હોત. લીનાએ સલમાન રશદી કે તસલીમા નસરીન જેવાં લોકોનો સંપર્ક કરીને પૂછવું જોઈએ ને એ પછી પણ વિશ્ર્વાસ ના આવતો હોય તો એવી પોસ્ટ મૂકીને જાતઅનુભવ કરી લેવો જોઈએ. લોકશાહી ને સુરક્ષાની બધી વાતો હવા થઈ જશે, ફરી એ વાતો કરવા જેવી હાલત જ નહીં રહે.
લીના સામે હિંદુઓ આક્રોશ ઠાલવે તેમાં કશું ખોટું નથી કેમ કે પોતાની ધાર્મિક લાગણીઓ દુભાવનાર સામે બોલવું જ જોઈએ પણ હવે આ મુદ્દે હવે ખમૈયા કરવાની જરૂર છે કેમ કે આ આક્રોશના કારણે વાસ્તવમાં લીના જેવાં લોકોને વધારે ચાનક ચડે છે. પોતાને મળી રહેલા મહત્ત્વથી એ લોકો વધારે પોરસાય છે ને હિંદુઓએ લીનાને હવે એવી વધારે તક આપવા જેવી નથી.
હિંદુઓના દેવ-દેવીઓને ભાંડનારાં કે તેમની મજાક ઉડાવનારાં મોટા ભાગનાં લોકોની માનસિકતા એકસરખી હોય છે. તેમને કોઈ પણ ભોગે પ્રસિદ્ધિ જોઈએ છે, ચર્ચામાં રહેવાય એવું જોઈએ છે ને લીનાની માનસિકતા પણ એવી જ છે. લીનાની અત્યાર લગીની હરકતો જોશો તો આ વાત સમજાશે.
લીનાનો જન્મ મદુરાઈ પાસેના મહરાજાપુરમમાં થયો છે. તેના પિતા કૉલેજમાં પ્રોફેસર હતા. લીના બાળપણમાં જ ચેન્નઈ ભાગી ગઈ હતી અને તમિળ મેગેઝિન વિકટનમાં કામ કરવાની અરજી કરી હતી. લીના નાની હતી તેથી મેગેઝિને ઘરનું એડ્રેસ મેળવીને તેને પાછી ઘરે મોકલી દીધી હતી. લીનાએ પછી એન્જિનિયરિંગમાં એડમિશન લીધું હતું. એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં ભણતી હતી ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું. લીનાએ પિતાના મૃત્યુ વખતે જ પોતે બાયોસેક્સ્યુઅલ હોવાની વાત કહીને સૌને ચોંકાવી દીધા હતા.
લીનાના પિતા તમિળ ફિલ્મસર્જક ભારતી રાજા પર પીએચડી કરતાં હતાં તેથી લીના પિતાનું થીસિસનું પુસ્તક પ્રકાશિત કરવાનું નક્કી કરીને ચેન્નઈ આવી અને ભારતી રાજાને મળી હતી. પહેલી મુલાકાતમાં જ લીના અને ભારતી રાજા પ્રેમમાં પડ્યાં અને બંને વચ્ચે સંબંધો બંધાયા હતા. રાજા લીનાથી ૪૦ વર્ષ મોટા હતા. દીકરીના સંબંધોની જાણ થતાં લીનાની માતાએ ખાવા-પીવાનું છોડી દેતાં લીના ભારતી રાજાને છોડીને ઘરે પાછી આવી ગયેલી.
લીનાની પહેલી ફિલ્મ ‘મથમ્મા’ ૨૦૦૩માં રિલીઝ થઈ હતી. ૨૦૧૧માં પહેલી ફીચર ફિલ્મ ’સેંગડલ’ બનાવી હતી. આ ફિલ્મમાં ભારત તથા શ્રીલંકન સરકાર પર અપમાનજનક તથા રાજકીય કમેન્ટ કરાઈ હોવાથી સેન્સરબોર્ડે સર્ટિફિકેટ નહોતું આપ્યું. ૨૦૧૩માં આવેલી ’વ્હાઇટ વેન સ્ટોરીઝ’ પણ વિવાદમાં આવી હતી. લીનાએ ૨૦૧૮માં ભારતમાં હેશટેગમીટુ મૂવમેન્ટ વખતે ડિરેક્ટર નામ સુસી ગણેશન પર જાતીય સતામણીનો આરોપ મૂકીને હલચલ મચાવેલી પણ કોઈ કેસ નહોતો કર્યો. લીનાનો દાવો હતો કે, ૨૦૦૫માં ગણેશને તેને ઘરે મૂકી જવાની ઑફર કરી હતી અને પછી કારમાં ગંદી હરકતો કરી હતી.
આ તો થોડાંક ઉદાહરણ આપ્યાં પણ તેના કારણે લીનાની માનસિકતા સ્પષ્ટ થાય છે. દરેકને પોતાની રીતે અંગત જિંદગી જીવવાનો હક છે પણ તેનો ઉપયોગ પબ્લિસિટી માટે કરાય ત્યારે સમજવું કે ગરબડ છે.
લીના મણિમેકલાઈ પણ એ જ કરી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.