ઘણા લોકો લોન પર ઘર, ગાડી વગેરે તો ખરીદી લે છે, પણ એના હપ્તા ચૂકવવામાં લોચા પડે છે. પરંતુ પટણા હાઈ કોર્ટે આ બાબતે એક મોટો ચુકાદો આપતા જણાવ્યું છે કે લોન ન ચૂકવી શકનાર લોકોની ગાડી ફાઈનાન્સ કંપનીઓ છીનવીને ન લઈ જઈ શકે.
ઘણા લોકો એવા હોય છે જે બેન્કો પાસેથી લોન લઈને પોતાની કાર કે બાઈક ખરીદે છે અને પછી કોઈ કારણસર તેઓ લોનના હપ્તા ભરપાઈ નથી કરી શકતા. આવા સંજોગોમાં બેન્ક તેના એજન્ટોને મોકલીને લોનની રકમ વસૂલ કરે છે અને ગ્રાહક પાસેથી તેણે ખરીદેલું વાહન જપ્ત કરી લે છે. આવા જ એક કેસમાં પટના હાઈ કોર્ટનો ચુકાદો આપતા જણાવ્યું હતું કે બળજબરીથી ગાડી ઉપાડી જવી માનવીય મૌલિક અધિકારોનું ઉલ્લંઘન છે અને બેન્ક આવું ના કરી શકે.
પટના હાઈ કોર્ટે પોતાના ચૂકાદામાં એવું પણ જણાવ્યું હતું કે લોન ભરપાઈ ન કરનારા વાહન માલિકો પાસેથી બળજબરીથી વાહનો જપ્ત કરવા ગેરકાયદેસર છે. આ બંધારણના જીવન અને આજીવિકાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે. આવી ધમકીભર્યા પગલાં સામે એફઆઈઆર નોંધાવવી જોઈએ. આ ઉપરાંત પટના હાઈકોર્ટે એવું પણ કહ્યું હતું કે, સિક્યોરિટાઈઝેશનની જોગવાઈઓનું પાલન કરીને કાર લોનની વસૂલી કરવી જોઈએ.
જસ્ટિસ રાજીવ રંજન પ્રસાદની સિંગલ બેન્ચે રિટ પિટિશનની એક બેચનો નિકાલ કરતી વખતે બેન્કો અને ફાઇનાન્સ કંપનીઓ પર બળજબરીથી ગિરવે મૂકેલા વાહનો (બંદૂકની અણીએ પણ) જપ્ત કરવા બદલ ઝાટકણી કાઢી હતી. કોર્ટે બિહારના તમામ પોલીસ અધિક્ષકોને નિર્દેશ આપ્યો છે કે તેઓ સુનિશ્ચિત કરે કે કોઈ પણ ગેરવસૂલી એજન્ટ દ્વારા કોઈ પણ વાહનને બળજબરીથી કબજે કરી શકશે નહીં.
કોર્ટે 19મી મેના રોજ વસૂલી એજન્ટો દ્વારા બળજબરીથી વાહનો જપ્ત કરવાના પાંચ કેસોની સુનાવણી દરમિયાન આ ચુકાદો સંભળાવ્યો હતો. દરેક ભૂલ કરનાર બેંકો/નાણાકીય કંપનીઓને 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. 50 પાનાના ચુકાદામાં જસ્ટિસ રંજને સુપ્રીમ કોર્ટના 25 વધુ ચુકાદાઓનો ઉલ્લેખ પણ કર્યો હતો અને તેમાં દક્ષિણ આફ્રિકાના એક નિર્ણયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.