એક સૂટકેસમાં તમારા જીવનનો સામાન આવી જાય?

ઇન્ટરવલ

માની લો કે તમને બહાર જવાની ઉતાવળ છે અને તમારે એક જ બેગ લઈ જવાની સગવડ છે. તમે તેમાં શું શું ભરશો?

આનન-ફાનન -પાર્થ દવે

એક એવરેજથી થોડી વધુ હોશિયાર વ્યક્તિ હતી. પ્રોફેશનલ જિંદગીમાં તેનું સારું પરફોર્મન્સ હતું. અંગત જીવનમાં પણ તે એકદંરે સફળ હતી. તેનો એક પ્રોબ્લેમ હતો. જે હજુ સુધી, જોકે તેને પ્રોબ્લેમ નહોતો લાગ્યો. તે એ કે તેને દરેક વસ્તુ સંગ્રહ કરવાની ટેવ હતી. કપડાં નવાં ખરીદે, પણ કબાટમાં જૂનાં પડ્યાં જ હોય. જે પેન્ટ અને શર્ટનો કદાપિ ઉપયોગ નથી થવાનો તે પણ પડ્યાં હોય. તે જ રીતે, અઢળક જૂની વસ્તુઓ. અમુક વસ્તુઓ એવી હોય જેની સાથે યાદો જોડાયેલી હોય. પપ્પાનાં કપડાં કે તેમને ગમતી હોય તેવી કોઈ ચીજ. દાદીમા જે કળશિયામાં વહેલી સવારે નિયમિત પાણી પીતા તે કે દાદાનો ડંગોરો. મિત્ર કે સ્વજને આપેલી કોઈ કીમતી ગિફ્ટ. આ પ્રકારની ચીજવસ્તુઓ ‘સાચવવા’ને સંગ્રહખોરી ન કહેવાય, પણ વ્યર્થ વસ્તુઓ ઘરમાં ઠાંસી ઠાંસીને ભરવી, જેનો કોઈ જ ઉપયોગ કે મતલબ નથી તેને સાચવવાની ટેવ વિચારવાલાયક છે.
તે વ્યક્તિને આ વસ્તુઓ ઉપરાંત મોબાઇલ-લેપટોપમાં જૂના ફોટોઝ સાચવી રાખવાની ટેવ. એક ને એક જેવા ચાર ફોટા હોય તો બાકીના ત્રણ ડિલિટ કરવાનું તેનું મન ન ચાલે. ફાઇલ્સ કે ડોક્યુમેન્ટ્સ ઉપયોગ વિનાનાં હોય તો પણ તેને રફેદફે ન કરી શકે. તેના કારણે થાય એવું કે ક્યારેક જરૂરી ફોટા કે ફાઇલ્સ જોઈતાં હોય તો તે ન મળે. મોબાઇલ કે લેપટોપમાં તો ખરું જ, ફિઝિકલી – ઘરમાં પણ આ પ્રશ્ર્ન થાય. ક્યારેક કોઈ પ્રસંગે બહાર જવાનું હોય ત્યારે ઢગલો કપડાંમાંથી કયાં પહેરવાં તેનું ક્ધફ્યુઝન થાય! હવે તે વ્યક્તિને આ ટેવ પ્રોબ્લેમ લાગી રહી હતી, કારણ કે તેના કારણે તેનાં ઘણાં મહત્ત્વનાં કામમાં મોડું થયું હતું. ઘણાં ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ ઑન ટાઇમ હાથ નહોતાં લાગ્યાં.
મને ખબર છે તમે શું વિચારી રહ્યા છો, કેમ કે હું જાણું છું કે આ વ્યક્તિ તમે કે હું, કોઈ પણ હોઈ શકે છે. દરેક બાબતના ‘ઓવર’ જમાનામાં વસ્તુઓ-બાબતો-વિચારો-મુદ્દાઓ બધાનો ખડકલો થઈ રહ્યો છે. અગાઉ માહિતી માટે જે-તે શહેરની લાઇબ્રેરીમાં જઈને સંબંધિત સંદર્ભ ગ્રંથો ઉથલાવવા પડતા કે પુસ્તક ખરીદી, કોઈ પાસે મેળવીને વાંચવું પડતું. મેગેઝિન બંધાવવાં પડતાં. હવે માહિતી તો ટેરવાંવગી છે. એટલી કે તેનો ઓવરડોઝ થઈ રહ્યો છે. હવે પ્રશ્ર્ન માહિતીથી કેમ બચવું – તેનો છે. એ જ રીતે સાધનસંપન્ન વર્ગ ફિઝિકલ-મટીરિયલ વસ્તુઓનો ભરાવો કરી રહ્યો છે. આ ‘એકત્રીકરણ’નો સ્વભાવ માનવસહજ છે. મેં કાગળ પર ગમતા સાહિત્યકારનું એડ્રેસ જે-તે સમયે કોઈને પૂછીને પહેલી વખત લખ્યું હોય, તે કાગળ હું વર્ષો પછી પણ ફેંકી નથી શકતો! કારણ કે મારું મન કહે છે કે તેની સાથે મારી યાદ જોડાયેલી છે. તેની સામે વર્ષો પહેલાં સાચવી રાખેલાં છાપાં જોઈને હવે એમ થાય છે કે જવા દઈએ! કેમ કે તેના કારણે અન્ય પુસ્તકો કે જરૂરી વસ્તુઓને નથી સમાવી શકાતી.
એક રસપ્રદ વાત કરવી છે. આ બધી વસ્તુઓ તમારા ને મારા ઘરે છે, એનો અર્થ એ કે આપણે મોટા ભાગે (નોર્મલ વ્યાખ્યા મુજબ) સુખી છીએ. ફાઇલ્સ અને ફોટાના ઢગલા છે એનો અર્થ એ કે આપણી પાસે મોબાઇલ કે લેપટોપ છે. હું મારા ઘરની બહાર નીકળું છું ત્યાં થોડેક જ આગળ ઝૂંપડપટ્ટી દેખાય છે. બાજુમાં લોકોનાં ‘ઘર’ છે. બહાર તે ઘરનાં બહેન રોટલા ઘડતાં હોય છે. દીકરી રમતી હોય છે. ઘરના માણસના હાથમાં મોબાઇલ હોય છે. તેઓ ઑલમોસ્ટ હસતાં હોય છે. રમતાં હોય છે. (ક્યારેક જોર જોરથી) વાતો કરતાં હોય છે. મને આ લોકોને જોઈને હંમેશ એક હકારાત્મક ઊર્જા મળી છે. તેમના ઉપરના દયાભાવને કારણે નહીં, તેમના ચહેરા પર દેખાતા આત્મવિશ્ર્વાસને કારણે. બની શકે કે બાકીના સમયમાં તે માણસ મજૂરી કામ કરતો હોય કે ક્યાંક વોચમેન હોય. તે દીકરી ભીખ માગવા પણ જતી હોય. તે બહેન કોઈના ઘરે કે સાર્વજનિક શૌચાલયમાં કામ કરતાં હોય.
જ્યારે જ્યારે ઘરની બહાર નીકળતો કે કોઈ અન્ય શહેરમાં ફરતો ત્યારે આ વિચાર આવતો. હમણાં હું અનુપમ ખેરનું પુસ્તક ‘ધ બેસ્ટ થિંગ અબાઉટ યુ ઇઝ યુ!’ વાંચી રહ્યો છું. તેમાં એક જગ્યાએ તેમણે લખ્યું છે, ‘મને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોની અલ્પ વસ્તુઓ હંમેશ આકર્ષે છે. તેમના જીવનભરની જમા પૂંજી સૂટકેસમાં અથવા તો એક બ્રીફકેસમાં પણ સમાઈ શકે છે.’
આપણા જ દેશના, રસ્તા પર ફરતા આ અને આવા માણસો વિશે કલ્પના કરી જુઓ. સેંકડો છે.
અનુપમ ખેર આગળ લખે છે, ‘પોતાની જાતને આ લોકોની જગ્યાએ મૂકીને અભ્યાસ કરવો જોઈએ. માની લો કે તમને બહાર જવાની ઉતાવળ છે અને તમારે એક જ બેગ લઈ જવાની સગવડ છે. તો તમે તેમાં શું શું ભરસો? પાકીટ, પરિવારના ફોટા, થોડાં કપડાં, એક ટૂથબ્રશ… એ નક્કી છે કે તમે તેમાં તમારાં પાર્ટીવેર કે ફોર્મલ કપડાં નથી નાખવાના! તો પછી આપણી પાસે આટલી વસ્તુઓ કેમ છે? શું ખરેખર તેની આવશ્યકતા છે? શું આપણે આપણા ઉપભોગમાં કાપ ન મૂકી શકીએ, ચાહે આપણો આર્થિક સ્તર જે પણ હોય.’
આ જ વાત માનસિક સ્તરે અને આધ્યાત્મિક માર્ગે પણ લાગુ પડે છે. નવું મેળવવા જૂનું છોડવું પડે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.