.
શિયાળામાં ભૂખ ભહુ લાગતી હોય છે અને ચટપટુ અને તળેલું ખાવું પણ બહુ ભાવે છે. આથી વજન વધી જાય ત્યારે વિચાર આવે છે કે ઉનાળામાં ઉતારી લેશું, પણ ગરમી પડે ને માથું તપે એટલે કોલ્ડડ્રિન્ક, લસ્સી, મિલ્કશેક,આઈસક્રીમ વગેરે તરફ મન ચાલ્યુ જાય અને પેટમાં ખાંડ, મલાઈ એટલા જાય કે વજન ઉતરવાને બદલે વધે. વળી ઉનાળામાં ખાવાપીવામાં તકેદારી રાખવી પડે કારણ કે ડિહાઈડ્રેશનનું ટેન્શન પણ ખરું. આ સાથે શરીરના ટોક્સિન્સને બહાર કાઢવાનું પણ ઘણું જરૂરી હોય છે. શરીરના ઘણા અવયવો આ કામ સતત કરે છે, પરંતુ આજના સમયમાં આપણે ઘણા પ્રકારના કેમિકલ્સનો શિકાર બનીએ છે. આ કેમિકલ્સ ખાણીપીણીના માધ્યમથી આપણા શરીરમાં અંદર જાય છે તો હવા અને પ્રદુષણના માધ્યમથી આખા શરીર, ત્વચા, વાળને નુકાસન કરે છે. તો વજન પણ ઉતરે અને ડિહાઈડ્રેશન ન થાય અને ડિટોક્સિફિકેશન પણ થાય તેવા અમુક પીણાં અમે શોધી લાવ્યા છે…ટ્રાઈ ઈટ
1. પહેલું પીણું છે કાકડીવાળું પાણી. કાકડી આમ તો ખાવી પણ ગમતી જ હોય. એક બોટલ ગ્લાસમાં એક આખી કાકડી કાપીને નાખી દીધા બાદ તે પાણી પીવાની જે મજા આવે છે તે ઠંડા પીણામાં પણ નથી. કાકડી ઠંડક આપે છે, શરીરને ડિટોક્સિફાય કરે છે. શરીર માટે આ પાણી ઘણું સારું છે સાથે વજન ઉતારવા માટે પણ ખૂબ જ મદદરૂપ બને છે.
2. બીજું છે આપણું દેશી પીણું છાશ. તાજા દહીમાંથી બનેલી છાશ એ ઉનાળાની ચા છે. જેમ શિયાળામાં ચાના બે-ત્રણ ડોઝ વધુ થઈ જાય તો મજા પડી જાય તેમ ઉનાળામાં તમે ગમે ત્યારે તાજી છાશ પી શકો. હા, ફ્રીજમાં રાખેલી ન હોય તો વધારે સારું. છાશમાં સ્વસ્થ બેક્ટેરિયા હોય છે અને તે શરીરને શુદ્ધ રાખે છે અને પાણીની ગરજ પૂરી કરે છે. પાચનમાં પણ મદદ કરે છે.
3. જો તમે શરીરને આખો દિવસ સ્ફૂર્તિલું અને તાજુ રાખવા માગતા હોવ અને વજન ઉતારવા પણ માગતા હોવ તો તમારી માટે સહેલું અને શ્રેષ્ઠ છે મેથીનું પાણી. રાત્રે પલાળેલી મેથીનું પાણી નયણાકોઠે એટલે કે વહેલી સવારે પીવાથી પોષક તત્વો શરીરમાં યોગ્ય રીતે પચે છે. જેથી ખોટી ભૂખ લાગતી નથી. તમે આ પાણીમાંથી મેથીના દાણા કાઢીને પાણી પી શકો અથવા તેને ગળી જઈ શકો.
4. ઉનાળામાં ભૂખ ઓછી લાગે છે આથી જીભને સ્વાદ મળતા નથી. આનો ઉપાય છે લીંબુ અને ફૂદીનાનું પાણી. જો તમે વજન ઉતારવાના મૂડમાં આવી ગયા હોવ તો જેટલી વાર પાણી પીઓ તેટલી વાર લીંબુ-ફૂદીનાનું જ પાણી પીઓ. સાવ નાની એવી ચપડી મીઠું કે સંચળ નાખી શકો, પરંતુ ખાંડનો ઉપયોગ ટાળજો.
5. સફરજન અને તજનું પાણી પણ વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. જો સફરજન મળતા હોય તો આ કોમ્બિનેશન થોડું અલગ છે. સફરજનમાં ફાયબર હોય છે અને તજ એક તેજાના તરીકે કામ કરે છે સાથે મેટાબોલિઝમને પણ મજબૂત કરે છે.

6. સફરજનની જેમ ઓરેન્જ વોટર પણ વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. આ ખૂબ સારું ડિટોક્સ છે. બનાવવામાં કોઈ મહેનત નથી, માત્ર એક બોટલમાં ત્રણ-ચાર ઓરેન્જની પેસી નાખી પાણી બાનવવાનું છે.
જોકે આ બધા ડિટોક્સ તમારે બને તેટલીવાર પીવાના રહેશે. તમે તમારી સાથે જેટલી મોટી બોટલ લઈ જઈ શકાતી હોય કે ઘરમાં ભરી શકાતી હોય તે ભરીને રાખી શકો અને આ પાણી પી શકો.