શું તમે તેજીના તબક્કામાં શેરબજારમાં પ્રવેશ કર્યો છે?

ઉત્સવ

કોરોના સાથે, કોરોના બાદ, છેલ્લાં ત્રણ વરસની માર્કેટની ચાલ

જેમણે મંદી જોઈ નથી એ તેજીને સમજ્યા વિના તેના પ્રવાહમાં અટવાઈને ભૂલો કરી બેસે છે!

જયેશ ચિતલિયા

કોવિડ-૨૦૧૯ના સમય દરમ્યાન લાખો લોકોની નોકરી છૂટી ગઈ, પગાર કાપ આવ્યા, વેપારીઓના ધંધા બંધ થઈ ગયા અથવા સાવ મંદા થઈ ગયા. સ્વરોજગારવાળા પાસે કામ આવવાનાં અટકી ગયાં, એ સમયે લાખો લોકોને ઘરે બેસી આવક ઊભી કરવાનો એક માર્ગ દેખાયો (જોકે એ ગુમાવવાનો માર્ગ પણ બને), જે હતો શેરબજારમાં ટ્રેડિંગ કરવાનો. નાની મૂડી સાથે પણ લાખો લોકો શેર લે-વેચ કરતા થઈ ગયા, મોટે પાયે મહિલાઓ પણ આમાં જોડાઈ. પરિણામે છેલ્લાં ત્રણેક વરસમાં આશરે બે કરોડથી વધુ નવા રોકાણકારો બજારમાં આવ્યા, આ સાથે ડિમેટ એકાઉન્ટ્સની સંખ્યા સાત કરોડને પાર કરી ગઈ, જેમાં સૌથી વધુ ડિમેટ એકાઉન્ટ્સ સીડીએસએલમાં ખૂલ્યાં. આમાં નાના-મધ્યમ તેમ જ યુવા ઈન્વેસ્ટર્સની સંખ્યા ખાસ્સી મોટી રહી, સૌથી મહત્ત્વની વાત એ છે કે આ વર્ગ પહેલી વાર શેરબજારમાં પ્રવેશેલો હોવાથી તેમણે શેરબજારની તેજીની સાઈકલ મહત્તમ જોઈ અને મંદીની સાઈકલ નહીંવત, જેથી આ વર્ગ હજી અપરિપક્વ ગણાય, તેમને માર્કેટનો ખરો અનુભવ થયો ગણાય નહીં. આ દરમ્યાન સંખ્યાબંધ નવા આઈપીઓ ઊંચા ભાવે આવીને રોકાણકારોને રડાવી ગયા. આ નવા વર્ગે બજારમાં વધુ અભ્યાસની જરૂર છે અને તેમણે વધુ સાવચેતીપૂર્વક રોકાણ કરવું જોઈએ. સમજી-વિચારી અને અભ્યાસ કરીને આગળ વધવામાં આવે તો આ માર્ગે સંપત્તિસર્જન થઈ શકે છે, અન્યથા વિસર્જનને કોઈ રોકી નહીં શકે.
———–
ટિપ્સ કલ્ચર હજી ચાલે છે અને લોકો હજી ટિપાય છે – પિઝા ઝડપથી આવી જાય, શેરબજારમાં કમાણી નહીં -માત્ર મોટી
બ્રાન્ડના નામે ખેંચાઈ જવાનું ટાળવું જોઈએ -માત્ર સમાચારો નહીં, ફંડામેન્ટલ્સ પર વધુ ધ્યાન આપો -મ્યુચ્યુઅલ
ફંડ તરફ જવું વધુ સરળ અને સલામત

એ ભાઈ, જરા દેખ કે ચલો, આગે ભી નહી, પીછે ભી, દાંયે ભી નહી, બાંયે ભી, ઉપર હી નહી, નીચે ભી, એ ભાઇ, યે શૅરબજાર હૈ… મેરા નામ જોકર ફિલ્મના ગીતની આ પંક્તિને શૅરબજારમાં પ્રવેશેલા નવા-નાના અને યુવા-રોકાણકાર વર્ગે સમજવી જરૂરી છે. છેલ્લાં ત્રણ વરસમાં બજારમાં પ્રવેશેલા આ વર્ગે શૅરબજારની ખરી તેજી-મંદીની સાઈકલ જોઈ નથી, અનુભવી નથી, તેમણે ટોળામાં દોટ મૂકવાને બદલે પોતાની પરિપકવ ચાલ ઘડવી પડશે…કઈ રીતે, શા માટે? સમજના જરૂરી હૈ…
છેલ્લા કેટલાંક સમયથી શૅરબજારની દશા પણ કોરોના જેવી દેખાય છે. થોડ વખત સારાં ચિહનો, થોડો વખત નબળાં ચિહનો. સિમ્પટમ કે નોન-સિમ્પટમ. કોરોનાની રેલીની જેમ પહેલી રેલી, બીજી રેલી અને ત્રીજી રેલી. આ છેલ્વાં ત્રણથી ચાર વરસમાં જગતના અર્થતંત્ર અને બજારોએ ઘણી ઊથલપાથલ જોઈ. માર્કેટે ૨૫ હજારની આસપાસ બોટમ બનાવી અને ૬૨ હજાર આસપાસ ટોપ બનાવી. ત્યારબાદ મહત્તમ તેજીનો ગાળો રહ્યો, એ પછી ગ્લોબલ ગ્રોથ સામે સમસ્યા સર્જાઈ, રશિયા અને યુક્રેનના યુદ્ધે આખા વિશ્ર્વને હેરાન કર્યું. તેમ છતાં આ બધાં સંજોગો વચ્ચે ભારતીય અર્થતંત્ર અને માર્કેટ વધઘટ કર્યા બાદ ફરી નવા મિજાજ સાથે પોઝિટિવ ઝોનમાં આવી ગયા છે. આ સમયગાળામાં નાના-નવા રોકાણકારોનો એક બહુ મોટો વર્ગ બજારમાં પ્રવેશ્યો. જેમણે તેજી-મંદીની સાઈકલનો અનુભવ નહોતો, હાલ તેમને જોવા મળ્યું તે એક માત્ર ટ્રેલર સમાન છે. આમાંથી શું શીખ મેળવવી એ સમજવાની તાતી જરૂર છે.
દેશમાં શૅરબજાર એક પછી એક ઊંચી-નીચી-ઊંચી સપાટી સર કરી રહ્યું છે ત્યારે રોકાણકાર વર્ગ અને તેના માનસમાં શું ફેરફાર થયા છે, એ જાણવાનો પ્રયાસ કરીએ. બજાર ફિલ્મ મેરા નામ જોકરના ગીતની પંક્તિની જેમ વર્તન કરતું હોય છે, તેથી તેના ઉપર જતા, નીચે જતાં, સ્થિર રહેતા, તૂટતા કે ઉછળતા, ડાબે-જમણે વળતા, બધા એન્ગલથી જોવું-સમજવું આવશ્યક છે. તેની ચાલ મોટેભાગે બેઢંગી રહે છે, રોકાણકારો તેની ચાલને સમજી શકે તો જ આ બજારમાં ચાલી શકે. બધા રિટેલ રોકાણકારો માર્કેટ બાબતે બહુ બુદ્ધિમાન અને જ્ઞાની હોતા નથી. રિટેલ રોકાણકારોનો બહુ મોટો પ્રવાહ પ્રવેશી ચૂક્યો છે અને પ્રવેશી રહ્યો છે ત્યારે બજાર સતત ઉપર જઈ રહ્યું છે એટલે રિટેલ રોકાણકારો કમાઈ રહ્યા છે, એમાં કંઈ એમની હોંશિયારી નથી.
યુવા અને મહિલા ઈન્વેસ્ટર્સ
રોકાણકારોના વર્ગમાં મહિલા રોકાણકારોની સંખ્યા પણ વધી રહી છે, આ નવા રોકાણકારોમાં વીસેક ટકા મહિલાઓ છે, પરંતુ આપણે ત્યાં મહિલાઓ પોતે કેટલી સક્રિય છે એ એક સવાલ છે, કારણ કે મોટા ભાગનાં મહિલા ખાતાં તેમના પતિ કે અન્ય સગાં-સંબંધી એવા પુરુષ દ્વારા હેન્ડલ કરાતાં હોય છે. એક ફરક એ આવ્યો છે કે વીસથી ત્રીસ વર્ષના ઘણા યુવા રોકાણકારોનો ફાલ બજારમાં પ્રવેશ્યો છે એ જોતાં રોકાણકારોની સરેરાશ ઉંમર ઘટી છે. કેવાયસી (નો યોર કસ્ટમર) પ્રમાણે જોઈએ તો રોકાણકારોના ડેટા પરથી એમ જણાય છે કે ટાયર-૨ અને ટાયર-૩ શહેરોમાંથી આવતા રોકાણકારોની સંખ્યા વધી રહી છે, પરંતુ ખાતું ક્યાંથી ઓપરેટ થાય છે એ આઈપી એડ્રેસ આધારિત ડેટા જોઈએ તો એ જ ૧૫-૨૦ મોટાં શહેરોમાં રિટેલ રોકાણકારો વધી રહ્યા છે. આનું કારણ એ છે કે યુવાનો રોજી માટે મોટાં શહેરોમાં વસેલા છે. એમ્ફી (એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડસ ઓફ ઈન્ડિયા) ના આંકડા દર્શાવે છે કે એસઆઈપી (સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન) માં ઝડપી વૃદ્ધિ થઈ રહી છે અર્થાત્ નવા રોકાણકારોનો બહુ મોટો વર્ગ મ્યુચ્યુઅલ ફંડ માર્ગે પણ પ્રવેશ્યો છે અને હજી આ પ્રવાહ ચાલુ છે.
હજી બહુ અવકાશ છે
કેવાયસીના આધારે ખબર પડે કે ઘણાં રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડને બદલે સીધા બજારમાં પ્રવેશી રહ્યા છે. ઘણાં બંનેમાં રસ લે છે. બજાર તેજીમાં છે એટલે રિટેલ રોકાણકારો બજારમાં સીધા પ્રવેશી રહ્યા છે. અત્યારે દેશમાં છ કરોડથી વધુ ડિમેટ ખાતાં છે, તેમાંથી આશરે બે-અઢી કરોડ ખાતાં સક્રિય હશે. દેશની જે વસતિ છે
એના પ્રમાણમાં જોઈએ તો હજી ઘણા વિકાસનો અવકાશ છે. એકંદરે આ સંખ્યા નાની કહેવાય. દેશના પાંચ કરોડ લોકો આવક વેરાનું રિટર્ન ફાઈલ કરે છે, તેમાં તમે બે-ત્રણ કરોડની વસતિને ઉમેરો તો સંભવિત બજાર હાલ આઠ કે નવ કરોડની વસતિની છે, જેઓ શેરબજારમાં રોકાણ કરી શકે એમ છે.
ફિક્સ્ડ ડિપોઝિટ્સ પરના વ્યાજદર સતત ઘટતા જાય છે, જેને કારણે પણ રોકાણકારોને શૅરબજાર પ્રતિ વાળવામાં ભૂમિકા ભજવી છે. વળી, મહામારીને પગલે લોકોએ ખર્ચ પણ બહુ કર્યો નથી એટલે રોકાણ કરવા માટે તેમની પાસે ફાજલ રકમો પણ છે. આ પ્રવાહ આખા વિશ્ર્વમાં બધે જ છે. જો કે હાલ તો મોંઘવારી બધાને સતાવી રહી છે તેમ છતાં કમાણી માટે શૅરબજાર કે મ્યુચ્યુઅલ ફંડનો માર્ગ જોખમી છતાં યોગ્ય લાગે છે. અલબત્ત, સટ્ટા-ટિપ્સનો કે ડે ટ્રેડિંગનો માર્ગ વધુ જોખમી છે.
બ્રાન્ડે વગાડી બેન્ડ-અંજાવાથી સાવચેત
આઈપીઓ માર્કેટમાં ઘણી મોટી બ્રાન્ડસના આઈપીઓમાં રોકાણકારોએ ખોટ કરી છે. ઝોમેટો, પેટીએમ અને એ પછી નાયકા, પૉલિસીબજાર. દિલ્હીવેરીના આઈપીઓ રોકાણકારોને આકર્ષયા ખરા, પણ અંતે તો રડાવ્યા. હવે પછી આ સ્ટોક્સ કઈ રીતે કમાણી કરાવી આપશે? એ સવાલ છે. ભારતમાં જો મોટો પડકાર હોય તો તે છે એવી બ્રાન્ડ્સનો અભાવ જેની માલિકી ધરાવવાનું તમને મન થાય. યુવા લોકો જેને સમજી શકે, જેની માલિકી ધરાવવાની, વાપરવાની પ્રેરણા મળે એવી બ્રાન્ડ્સ એકદમ ઝૂઝ છે. અમેરિકામાં આવી બ્રાન્ડ્સને પગલે બજારો ઝડપથી વધતી હોય છે. નવા યુગની બ્રાન્ડ્સ લિસ્ટ થાય એ સારી બાબત છે, તેનાથી બજાર વિસ્તરશે અને યુવાનો તેના શૅર્સ લેવા આગળ આવશે, પરંતુ સંપત્તિ સર્જન બાબતમાં તેઓ કેવી નીવડશે એના વિશે ચોક્કસ કહી શકાય એમ નથી. ભારતમાં સ્પર્ધાત્મકતાની બાબતમાં આપણે પાછળ છીએ અને આટલા બધાં સ્ટાર્ટઅપ્સ લિસ્ટિંગ થાય ત્યારે રોકાણકાર તરીકે આપણે અતિ સાવધ બની જવાની જરૂર રહેશે.
આ નવા સાહસોના વેપારોનું મૂલ્યાંકન વૃદ્ધિના આધારે કરવું જોઈશે, પરંપરાગત રીતે કમાણીના આધારે નહિ. અમેરિકામાં ઘણી બધી કંપનીઓ કમાણી નથી કરી રહી અને તેમ છતાં તેઓ આગળ વધીને રોકાણકારો માટે પુષ્કળ મૂલ્ય સર્જન કર્યું છે. દેશના રોકાણકારોએ પણ આવી કંપનીઓની આદત પાડવી પડશે. જોકે ભારતમાં ચિંતા એ છે કે લિસ્ટિંગ બાદ જેટલા પ્રમાણમાં જોખમ લેવું જોઈએ એટલું જોખમ ઉઠાવવા કંપનીઓ તૈયાર થશે કે નહિ. કારણ કે વિકાસ કરવા જોખમ લેવું આવશ્યક છે.
બોકસ
તેજી-મંદીની સાઈકલનો અનુભવ
નવા રોકાણકારોએ જૂનો સમય જોયો હશે, કિંતુ તેનો અનુભવ લીધો નથી, ૨૦થી ૩૦ની ઉંમરના યુવા રોકાણકારોએ તો અનુભવ લેવાની વાત તો બાજુએ રહી જૂનો સમય જોયો પણ નથી. શૅરબજારમાં અનુભવ માટે તેજી અને મંદીની બંને સાઈકલ બે વાર મિનિમમ જોઈ હોવાનું મહત્ત્વ છે. જેમણે માત્ર તેજી જોઈ હશે તેમને મંદીની સમજ કે ગંભીરતા નહીં સમજાય. આવા રોકાણકારો અપરિપકવ નિર્ણય લેતા હોય છે. વર્તમાન સમય ભારતીય અર્થતંત્ર જ નહીં જગતના અર્થતંત્ર સામે પણ પડકારનો છે, અનિશ્ર્ચિંતતાનો છે, તેથી જોખમ તો રહેવાનું જ છે, ઝટપટ પિત્ઝા આવે, કમાણી ન આવે, તેમ છતાં ડે ટ્રેડિંગમાં મહત્તમ લોકો રમે છે. અલબત્ત, ડે ટ્રેડિંગ અમુક અંશે જરૂરી પણ છે. કિંતુ તે કોને પોષાય એ સમજવું અનિવાર્ય છે. એ માટેની પરિપકવતા -સમજ-સૂઝ હોવી જરૂરી છે.
બોકસ
યુવા રોકાણકારો આટલું સમજી લે
નવા -યુવા રોકાણકારો મીડિયા, ટિપ્સ, મિત્રોની વાતો, સલાહ, અનુકરણ કે પછી પોતાની ગટ ફિલિંગ્સથી નિર્ણય લે છે. તેઓ અભ્યાસ કે ફંડામેન્ટલ્સ પર ખાસ ધ્યાન આપવામાં માનતા નથી, તેમને લોંગટર્મમાં ઓછો રસ પડે છે, તેમને બહુ જ ટૂંકા સમયમાં નાણાં બનાવી લેવા છે. અલબત્ત, અમુક વર્ગ બહુ ગંભીરતા સાથે રોકાણ જગતમાં આગળ વધે છે, તેઓ ફાઈનાન્સિયલ પ્લાનિંગ સાથે અને ધ્યેય સાથે રોકાણ કરે છે. તેમને બજારને કે મ્યુચ્યુઅલ ફંડસને સમય આપવામાં વિશ્ર્વાસ છે. આવા રોકાણકારો ધીમે-ધીમે સારા સ્ટોક ભેગા કરતા જશે તો ચોક્કસ સંપત્તિસર્જન કરી શકશે.
શુક્રવારે રિઝર્વ બેન્કે પચાસ બેસિસ (અડધો ટકો) પોઈન્ટનો વ્યાજ વધારો કરવા છતાં માર્કેટે તેને સુધારા સાથે આવકાર્યો હતો. ગ્લોબલ અનિશ્ર્ચિતતા વચ્ચે પણ આવા સુધારા નવાઈ પમાડે તેવા છે, તેથી જ રોકાણકારોએ માત્ર તેજીથી અંજાઈ જવાને બદલે સાવેચત રહેવાની જરૂર છે. જોકે મજબૂત સ્ટોક્સના લાંબા ગાળાના રોકાણકારોએ ખાસ ચિંતાની જરૂર નથી.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.