ઉત્તર પ્રદેશની SC/ST અદાલતે આજે ગુરુવારે હાથરસ સામુહિક બળાત્કાર અને હત્યા કેસ 2020માં ત્રણ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે અને એક આરોપીને દોષિત ઠેરવ્યો છે. આ મામલામાં ચાર આરોપી સંદીપ ઠાકુર (20), રવિ ઠાકુર (35), લવ કુશ (23) અને રામુ (26)ની સામે કેસ ચલાવવામાં આવ્યો હતો. આજે કોર્ટે સંદીપ નામના મુખ્ય આરોપીને દોષિત ઠેરવ્યો છે. જયારે બાકી ત્રણ આરોપીઓને નિર્દોષ છોડી મુક્યા છે. સંદીપ ઠાકુરને કોર્ટે બળાત્કાર કે હત્યા માટે દોષિત ઠેરવ્યો નથી એવું અધિકારીઓએ જણાવ્યું હતું. અન્ય ત્રણ આરોપીઓ સંદીપના કાકા રવિ અને તેમના મિત્રો લવ કુશ અને રામુને આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. 14 સપ્ટેમ્બર 2020ના રોજ ઉત્તર પ્રદેશના હાથરસમાં ખેતરમાં કામ કરવા ગયેલી 20 વર્ષીય દલિત મહિલા પર કેટલાક સવર્ણ જ્ઞાતિના યુવાનોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો અને માર માર્યો હતો. ગંભીર રીતે ઘાયલ પીડિતાને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેનું મૃત્યુ થયું હતું. જીલ્લા વહીવટીતંત્રએ પીડિતાના પરીવારને ઘરમાં બંધ કરી મૃતદેહનામધ્યરાત્રિએ અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા. ત્યાર બાદ યોગી આદિત્યનાથ સરકાર પર સમગ્ર ઘટના પર ઢાંકપિછોડો કરવાના આક્ષેપો લાગ્યા હતા. પોલીસને પીડતાએ આપેલા નિવેદન મુજબ ખેતરમાં માતા અને ભાઈ સાથે ઘાસ કાપતી હતી ત્યારે આરોપીઓએ તેને દુપટ્ટાથી ખેંચી હતી. ડોકટરોએ જણાવ્યું હતું કે ગરદનમાં અને કરોડરજ્જુમાં ઇજાઓથી પીડિતા લકવાગ્રસ્ત થઇ ગઈ હતી અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. જ્યારે તેના હુમલાખોરો તેનું ગળું દબાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તેણે જીભ કરડી હતી જેથી જીભ કપાઈ ગઈ હતી. સમગ્ર કેસમાં ઢાંક પીછેડો કરવા અંગે યુપી પોલીસની ટીકા થઇ હતી. પોલીસે શરૂઆતમાં હત્યાના પ્રયાસનો કેસ નોંધ્યો હતો પરંતુ મહિલાના ઔપચારિક નિવેદન પછી જ બળાત્કારના આરોપો ઉમેર્યા હતા. તમામ આરોપીઓ ઉચ્ચ જાતિના હતા.