બીજેપી-જેડીયુ વચ્ચેના અણબનાવના સમાચારે બિહારના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. ભાજપ સાથેના ઝઘડા વચ્ચે મુખ્ય પ્રધાન નીતિશ કુમારને વિપક્ષ અને ડાબેરી પક્ષોનું સમર્થન પણ મળી રહ્યું છે. એવી અફવા છે કે JD(U) ફરીથી 2013ની વ્યૂહરચનાનું પાલન કરશે અને ભાજપ સાથેનું જોડાણ તોડીને તેના ભૂતપૂર્વ મહાગઠબંધન સાથી પક્ષો RJD અને કોંગ્રેસ સાથે સરકાર બનાવશે. જેડીયુએ આજે સવારે પાર્ટીના ધારાસભ્યો અને સાંસદો સાથે બેઠક બોલાવી હતી. એમાં તેઓ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે.
તેથી હવે એ નક્કી જ છે કે બિહારમાં નવી ગઠબંધન સરકાર બનવાની તૈયારીમાં છે. ત્યારે ભાજપ ડેમેજ કંટ્રોલ મોડમાં છે. નીતિશ કુમારને વિપક્ષી પાર્ટીઓનું સમર્થન મળ્યું છે. કોંગ્રેસ, આરજેડી અને ડાબેરી પક્ષોએ સોમવારે ભગવા પાર્ટી સાથેના સંબંધો તોડવા માટે નીતિશ કુમારને ટેકો આપ્યો છે. બિહારમાં ચાલી રહેલી રાજકીય હલચલ વચ્ચે, આરજેડી ધારાસભ્યો અને ઘણા વરિષ્ઠ નેતાઓ પટનામાં પાર્ટીના વડા લાલુ પ્રસાદ યાદવના નિવાસસ્થાને પહોંચી ગયા હતા. તે જ સમયે, જેડીયુના ધારાસભ્યો અને સાંસદો પણ સીએમ નીતિશના ઘરે પહોંચી ગયા હતા.
બિહારના રાજકારણમાં ઘટનાક્રમ ઝડપથી બદલાઈ રહ્યો છે. હવે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યપાલને મળવા માટે સમય માંગ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે નીતિશની સાથે તેજસ્વી પણ રાજ્યપાલને મળવા જશે. સૂત્રોના હવાલાથી એવા પણ સમાચાર છે કે રાજ્યપાલને મળ્યા બાદ સીએમ નીતિશ પોતાનું રાજીનામું પણ આપી શકે છે. ભારતીય જનતા પાર્ટીના 16 મંત્રીઓ પણ રાજીનામું આપી શકે છે.
બિહાર વિધાનસભાની કુલ બેઠકોની સંખ્યા 243 છે. અહીં બહુમત સાબિત કરવા માટે કોઈપણ પાર્ટીને 122 સીટોની જરૂર છે. હાલમાં આરજેડી પાસે 77 સીટો, કોંગ્રેસ પાસે 19 સીટો, સીપીઆઈ(એમએલ) અને સીપીઆઈ પાસે 16 સીટો છે. શાસક એનડીએ ગઠબંધન પાસે 127 બેઠકો છે, જેમાંથી ભાજપ પાસે 77 બેઠકો, જેડી(યુ)ને 45, હમ (એસ) પાસે 4 અને લોક જનશક્તિ પાર્ટી પાસે 1 બેઠક છે.
છેલ્લા કેટલાક મહિનાથી ભાજપ અને જેડીયુ વચ્ચે અંતર વધતું જઇ રહ્યું હતું. જાતિ આધારિત વસ્તીગણતરી મુદ્દે નીતિશ કુમાર ભાજપથી અલગ પડેલા દેખાયા હતા અને તેમણે વિરોધ પક્ષો સાથે મળીને જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરી હતી. સરકાર ચલાવવા માટે નીતિશ કુમારને ફ્રી હેન્ડ મળતો નહોતો, જેનાથી તેઓ નારાજ હતા. ચિરાગ પાસવાન એપિસોડને કારણે અને હાલમાં આરપી સિંહ એપિસોડને કારણે નીતિશ કુમાર ભાજપથી નારાજ છે. છેલ્લા કેટલાક મહિનામાં નીતિશે પોતાની જાતને ઘણી મહત્વની બેઠકોથી દૂર રાખી છે. થોડા મહિના પહેલા નીતીશ પીએમ દ્વારા કોરોના પર બોલાવવામાં આવેલી મીટિંગથી દૂર રહ્યા હતા. તાજેતરમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સન્માનમાં યોજાયેલા એક ભોજન સમારંભ અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના શપથ ગ્રહણ સમારોહમાં નીતિશ કુમાર ઉપસ્થિત નહોતા રહ્યા. અગાઉ ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા બોલાવવામાં આવેલી મુખ્ય પ્રધાનોની બેઠકથી પણ નીતિશ કુમારે અંતર રાખ્યું હતું. નીતિ આયોગની બેઠકથી પણ તેઓ દૂર રહ્યા હતા.

 

Google search engine