હાર્વે-બેકબે રેકલેમેશનના કેસના વિજયે નરીમાનને મુંબઇ અને સમસ્ત દેશમાં લોકપ્રિય બનાવી દીધા

ઉત્સવ

નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા

શ્રી નરીમાનને ગાંધીજીએ વર્ધા આશ્રમમાં બોલાવ્યા અને પોતાના પ્રભાવથી શ્રી નરીમાનને મૂંઝવીને મુંબઇના જ બેરિસ્ટર શ્રી દોરાબજી એન. બહાદુરજીના ‘તપાસ પંચ’ માટે મજબૂર કરવામાં આવ્યા. ૧૯૩૪ની ચૂંટણીમાં શ્રી નરીમાન ઉપર આક્ષેપ મૂકવામાં આવ્યા હતા. તે સાબિત થાય છે એવું શ્રી બહાદુરજીએ પોતાના ચુકાદામાં જણાવ્યું હતું. શ્રી બહાદુરજીની તપાસમાં કોઇનેય બોલાવીને પૂછપરછ કરવામાં આવી નહોતી. આ ચુકાદો એકપક્ષીય હોવાનો અને તટસ્થ નહીં હોવાનો મત મુંબઇના બુદ્ધિજીવી સમૂહે વ્યક્ત કર્યો હતો. શ્રીમતી માણેકના પિતા પણ ધારાશાસ્ત્રી હતા અને તેમના ભાઇ મુંબઇના લોકપ્રિય માજી મેયર શ્રી બી. કે. બમનબહરામ પણ કાનૂની પંડિત હતા. કાનૂનના વાતાવરણમાં રહેલા શ્રીમતી માણેક પણ કહેતા હતા કે શ્રી બહાદુરજીનો ચુકાદો તટસ્થ નહોતો.
સન ૧૯૩૭માં કૉંગ્રેસ કારોબારીએ એક ઠરાવ પસાર કર્યો ને શ્રી નરીમાનને પક્ષમાંથી કાઢી મુકવામાં આવ્યા.
શ્રી બહાદુરજી તપાસ પંચના ચુકાદા સામે પ્રચંડ લોકવિરોધ જાગ્યો હતો અને મુંબઇ પ્રદેશ કૉંગ્રેસ સમિતિની કારોબારી સમિતિનો પણ એમાં સમાવેશ થતો હતો. આ કારોબારી સમિતિમાં સભ્યોનું એક પ્રતિનિધિમંડળ ૧૯૩૭માં કૉંગ્રેસ અધ્યક્ષ શ્રી સુભાષચંદ્ર બોઝની મુલાકાતે ગયું હતું અને તેમની સમક્ષ સરદાર પટેલની સરમુખત્યારી અને દરમિયાનગીરીથી શ્રી નરીમાનને થયેલા અન્યાયની ફરિયાદ કરી હતી. શ્રી સુભાષચંદ્ર બોઝ એક તો ત્યારે અસ્વસ્થ રહેતા હતા અને સશસ્ત્ર ક્રાંતિ માટે વિદેશ પલાયન થઇ જવાની યોજનામાં વ્યસ્ત હતા. નેતાજી સુભાષચંદ્ર બોઝને સરદાર પટેલની વ્યૂહરચનાની જાણકારી હતી અને મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ અને શ્રી જવાહરલાલ સાથે સંબંધ કથળવા પામ્યા હતા. કંટાળીને એમણે કૉંગ્રેસ પ્રમુખપદેથી રાજીનામું આપ્યું હતું. શ્રી સુભાષચંદ્ર બોઝે આ પ્રતિનિધિમંડળને જણાવ્યું કે પ્રકરણમાં પોતાથી કશું ઝાઝું થઇ શકે એમ નથી.
આ પ્રતિનિધિમંડળમાં ચુસ્ત ખાદીધારી કૉંગ્રેસી શ્રી બરજોરજી ફરામજી ભરૂચા પણ ગયા હતા. શ્રી ભરૂચાએ મુંબઇ પાછા ફરી વર્તમાનપત્રોમાં જાહેર પડકાર કર્યો કે શ્રી નરીમાન સામે જે પાંચ આક્ષેપો થયા છે તે કોઇ પુરવાર કરી આપશે તો દરેક આક્ષેપ દીઠ રૂ. ૫૦૦/- ગાંધીજીના હરિજન ફંડમાં આપવામાં આવશે.
આ આક્ષેપો હતા : ૧૯૩૪ની પ્રાંતિય ધારાસભામાં શ્રી નરીમાને સીધી કે આડકતરી રીતે સર કાવસજી રેડીમનીને મદદ કરી હતી. (૨) શું નરીમાનને સર કાવસજી તરફથી બદલામાં કશું મળ્યું હતું? (૩) ૧૯૩૪ની ચૂંટણીમાં શ્રી નરીમાને કૉંગ્રેસ વિરોધી કાર્ય કર્યું હતું. (૪) શ્રી નરીમાને શ્રી મુનશી અને ડૉ. દેશમુખ વિરોધી પ્રવૃત્તિ કરી હતી અને (૫) શ્રી નરીમાન કૉંગ્રેસ પ્રવૃત્તિ માટે કાર્ય કરવામાં નિષ્ફળ નીવડયા હતા. કોઇ આ આક્ષેપો પુરવાર કરવા આગળ આવ્યું નહોતુ. શ્રી બરજોરજી ફ. ભરૂચા એટલા સત્યનિષ્ઠ અને પ્રમાણિક હતા કે વડા પ્રધાન શ્રી જવાહરલાલ નહેરુએ એમને કેન્દ્રીય પ્રધાનમંડળમાં જોડાવા નિમંત્રણ આપ્યું હતું, પણ નિસ્પૃહી શ્રી ભરૂચાએ નમ્રતાપૂર્વક અસ્વિકાર કર્યો હતો.
સત્ય અને ન્યાયના માર્ગે ચાલનાર શ્રી નરીમાન એથી હતાશ થઇ ગયા અને તેમણે પોતાની જાતને વકીલાતના વ્યવસાયમાં ડુબાડી દીધી. ઉંમર પણ વનને ઊંબરે ઊભી હતી. વરલી ખાતે એક રમ્ય મકાન બંધાવ્યું અને ૧૯૪૪માં શ્રીમતી માણેક સાથે લગ્ન કર્યાં. શ્રીમતી માણેક અને શ્રી નરીમાનની ઉંમર વચ્ચે વીસ વર્ષથીયે વધુ વયનો ફરક હતો, છતાં શ્રી નરીમાનના હતાશ જીવનમાં શ્રીમતી માણેક નવી અભિલાષાની વસંત લઇ આવ્યાં. ૧૯૪૭માં શ્રી નરીમાન અને શ્રીમતી માણેક દિલ્હી ગયાં હતાં. તે જ દિવસે મહાત્મા ગાંધીજીની હત્યા ગોડસેની ગોળીથી થઇ. શ્રી નરીમાનનું હૈયું વ્યથાથી છલકાઇ ગયું. સરદાર પટેલ સાથે મુલાકાત થઇ. જૂની કડવાશ કોરે મૂકી દેવામાં આવી અને શ્રી નરીમાન કૉંગ્રેસમાં પુન: પ્રવેશ્યા.
ત્યાં જ ૧૯૪૭માં મુંબઇ મહાનગરપાલિકાની ચૂંટણી આવી. સરદાર પટેલે શ્રી નરીમાનને કૉંગ્રેસ પક્ષ તરફથી ઊભા રહેવા જણાવ્યું અને શ્રી નરીમાન મોટી બહુમતીથી ચૂંટાયા. જયારે એસ. કે. પાટીલ જૂની કડવાશ ભૂલી શકયા નહીં. મુંબઇ મહાનગરપાલિકા કૉંગ્રેસ પક્ષના નેતા તરીકેનું રાજીનામું આપીને તેઓ ખસી ગયા એટલે મુંબઇ મહાનગરપાલિકા કૉંગ્રેસ પક્ષે શ્રી નરીમાનને પોતાના નેતા તરીકે ચૂંટી કાઢયા. દશ વરસો પછી પણ મુંબઇમાં શ્રી નરીમાનની લોકપ્રિયતા જરાયે ઓસરી નહોતી એ એનો પુરાવો હતો. આ પહેલાં શ્રી નરીમાન ૧૯૩૫-૩૬માં મેયર પણ બન્યા હતા. તેઓ સમય જાળવવામાં એવા ચુસ્ત હતા કે મહાનગરપાલિકાની બેઠકમાં તેઓ ઉપસ્થિત થતા ત્યારે સહુ પોતાની ઘડિયાળનો સમય મેળવી લેતા હતા.
ભારતના વડા પ્રધાન શ્રી જવાહરલાલ નહેરુ અને ગૃહ પ્રધાન સરદાર પટેલ હતા ત્યારે એક અત્યંત પ્રભાવશાળી અગ્રગણ્ય અને ધનાઢય વ્યાપારી ઉદ્યોગપતિ સામે કેન્દ્ર સરકાર કાળાબજાર અને ભ્રષ્ટાચારના આરોપોસર કામ ચલાવવા ઇચ્છતી હતી. કેન્દ્ર સરકાર તરફથી શ્રી નરીમાનને ધારાશાસ્ત્રી તરીકે રોકવામાં આવ્યા હતા અને તે માટે દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. શ્રી નરીમાન દિલ્હી જઇને એક હૉટેલમાં ઊતર્યા હતા ત્યાં તા. ૪-૧૦-૧૯૪૮ની રાત્રે એકાએક હૃદય બંધ પડવાથી તેમનું અવસાન થયું.
શ્રી નરીમાન વિજયી બનીને પાછા ફરે તે માટે વિદાય વખતે શ્રીમતી માણેકે વાઘ નખની ભેટ આપી હતી. ત્યારે કલ્પનાયે નહોતી કે આવો દુ:ખદ અંત આવશે. શ્રી અને શ્રીમતી નરીમાનના દાંપત્યજીવનની વસંત કેવળ ચાર વર્ષો જ મ્હોરી, પણ સ્નેહ અને સમજદારીનો સથવારો શ્રીમતી માણેકે અનુભવ્યો તેથી જ આજે લગભગ ૭૫ વર્ષની વૃદ્ધ વયે પણ તેઓના સુંદર અને સૌમ્ય મુખ ઉપર ફરિયાદની એક પણ રેખા નિહાળવા મળતી નથી. શ્રી નરીમાન અને શ્રીમતી માણેકને બે સંતાનો છે. કુ. ઝરીન ગ્રેજ્યુએટ છે અને શિક્ષણપ્રવૃત્તિમાં રસ ધરાવે છે. પુત્ર શ્રી કાવસ ધારાશાસ્ત્રી છે.
શ્રી નરીમાનનો જન્મ થાણા ખાતે તા. ૧૮-૫-૧૮૮૩ના દિવસે થયો હતો. એમના પિતા જંજીરાના નવાબના દીવાન હતા. પણ શ્રી નરીમાન બાળવયના હતા ત્યારે જ પિતાનું અવસાન થયું હતું. આથી શ્રી નરીમાનને પુણે જવું પડયું. ત્યાં તેઓ સેટ વિન્સેન્ટ જેસુઇટ સ્કૂલમાંથી મેટ્રિક થયા અને ડેક્કન કૉલેજમાંથી ગ્રેજ્યુએટ. તે વખતે પુણેમાં લોકમાન્ય ટિળક ભારે લોકપ્રિય હતા એટલે શ્રી નરીમાન પણ એમનો પ્રભાવ ધરાવતા થયા હતા. મુંબઇ આવીને તેઓ એલ.એલ.બી. થયા અને પોલીસ કોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી.
શ્રી નરીમાન હાર્વે-બેકબે રેકલેમેશન કેસ પહેલાં એવો જ રોમાંચક અને સનસનાટીભર્યો મુકદમો ‘બાવલા-ખૂન કેસ’લડ્યા હતા અને વિજયી નીવડયા હતા. મુમતાઝ બેગમ નામની એક રૂપસુંદરીના કારણે ઇંદોરના મહારાજા સર તુકોજીરાવ અને મુંબઈના શ્રીમંત સોદાગર શ્રીઅબ્દુલકાદર બાવલા વચ્ચે વેરભાવતા સર્જાવા પામી.
મલબારહિલ, હેંગીંગ ગાર્ડન તરફ એક સવારે શ્રી અબ્દુલકાદર બાવલા ફરવા ગયા હતા ત્યારે તેમની હત્યા થઇ. મુમતાઝ બેગમ તરફથી શ્રી નરીમાન ઊભા રહ્યાં. શ્રી નરીમાને બ્રિટિશ વાઇસરોય સમક્ષ એક લાંબુ નિવેદન રજૂ કરી સત્ય હકીકત જણાવી. પરિણામે ઇંદોરના મહારાજા સર તુકોજીરાવને પુત્રના પક્ષમાં ગાદી ઉપરથી ઊતરી જવું પડયું. શ્રી નરીમાનનો આ પ્રથમ મોટો વિજય હતો અને દેશભરમાં એમને ખ્યાતિ અપાવી હતી. ત્યાર પછી હાર્વે-બેકબે રેકલેમેશનના કેસના વિજયે એમને મુંબઇ અને સમસ્ત દેશમાં લોકપ્રિય બનાવી દીધા.
રવિવારે મુંબઇથી વાઘનખ લઇને વિમાનમાં દિલ્હી જવા નીકળેલા શ્રી નરીમાનનું શબ મંગળવારે વિમાનમાં પાછું ફર્યું. ત્યારે તે દિવસે મુંબઇના તમામ બજારો તેમના માનમાં સ્વેચ્છાથી બંધ રહ્યાં હતાં. શ્રી નરીમાનના અચાનક થયેલા અવસાન અંગે શંકા-કુશંકા હજીયે પ્રર્વતે છે, છતાં શ્રીમતી માણેક માને છે કે શ્રી નરીમાનનું મૃત્યુ હૃદય બંધ પડવાથી જ થયું હતું. નરીમાન પોઇન્ટ અને વીર નરીમાન માર્ગ મુંબઇમાં આજે પણ એમની યશગાથા અમર કરી
રહ્યાં છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.