Homeઉત્સવહાર્મોનિયમ અને ગીતા પાઠ

હાર્મોનિયમ અને ગીતા પાઠ

મધુ રાયની વાર્તા -મધુ રાય

બ્રેકફાસ્ટમાં ખાદી ભંડારના ખાખરા, ઉપર શુદ્ધ ઘી, અથાણામાં લીંબુમાં આંથેલાં લાંબાં મજાના રાઇતાવાળાં મરચાં, ગોળપાપડી, અને નીરોનો ગલાસ. પંડ્યાભાઇનાં મીસીસ નિકુંજલતાબહેને પૂછયું, ચા પીશો? હરિએ ના પાડી. પછી થયું, વાતાવરણ કલુસિત થાય એના કરતાં… એટલે પછી હા પાડી. એટલે ફષ્ટ ક્લાસ સેંકડના દૂધવાળી એલચી અને તજ નાખેલી સરસ ચાનો ડોઝ મારીને બેય બંધુઓએ તજ અને લવિંગનો મુખવાસ કર્યો. અંદરથી નિકુંજલતાબહેન પૂજા કરવા બેઠાં તેનો અવાજ સંભળાયો. નિકુંજલતાબહેન હાર્મોનિયમ પર ગીતપાઠ કરતાં હતાં.
પંડ્યાભાઇએ એમના અભ્યાસખંડમાં આભલાંના ભરતવાળા કપડેથી ઢાંકેલુ કોમ્પ્યુટર બતાવ્યું. ‘આ છે તે ‘સહદેવ’ છે.’
———
હરિ કી કહાની
કમ્પ્યુટર કી જબાની
‘જ-ય-શ્રી-કૃૃ-ષ્ણ. પં-ડયા-ભા-ઇ’ સહદેવ બોલ્યો.
‘જેશ્રીકૃષ્ણ, સહદેવ.’ પંડ્યાભાઇ કહ્યું.
‘જેશીકૃષ્ણ.’ હરિએ કહ્યું.
‘આમ તો સહદેવ જાતજાતનાં કામ કરે શકે છે. સરવાળા, બાદબાકી, ગુણાકાર વગેરે. તમારી જન્મતારીખ બોલો તો?’
હરિએ જન્મતારીખ જણાવી. પંડ્યાભાઇએ સહદેવ સામું જોયું અને બોલ્યા,
‘તે દિવસે ગુરુવાર હતો, એમ સહદેવનું કહેવું છે… જન્મસ્થળ?’
‘ખંભાળિયા.’
‘તમારા જનમને દિવસે અષાડી બીજ અને ત્રીજ ભેગાં હતાં એટલે નિશાળમાં વહેલી રજા પડેલી. તમારા બાપુજીએ કલ્યાણજી કંદોઇના પેડા વર્ગમાં વહેંચેલા.’
‘ભારે ભાઇ!’ હરિએ કહ્યું. કલ્યાણજીભાઇ ખંભાળિયાના મોટા કંદોઇ ગણાતા. ઘણીવાર હરિ એમના ડેલે રમવા જતો. ‘પણ આ બધું આ સહદેવભાઇને કેમ આવડી જાય?’
પંડ્યાભાઇએ બન્ને હાથ અને ડોકું આકાશ ભણી દર્શાવી કહ્યું.
‘હજાર હાથવાળાની માયા બધી.’
‘હવે એક રકમ મનમાં ધારી લ્યો.’
હરિએ હજારનો આંકડો ધાર્યો.
‘હવે હું તમને પૂછીશ કે કઇ રકમ ધારેલી, તો એના જવાબમાં તમે ખોટી રકમ કહેજો.
‘હો.’
‘હરિભાઇ કઇ રકમ ધારી છે?’
‘બાવન.’ હરિએ મરકીને ખોટો જવાબ દીધો.
એકદમ કોમ્પ્યુટરમાં સિસોટિયું વાગી. એના ટેલિવિઝન જેવા સ્ક્રીન ઉપર લિસોટા લબકારા લેવા માંડ્યા.
પંડ્યાભાઇ દાંત કાઢવા માંડયા. હરિએ તાળી મારી.
‘તમારું નામ શું?’ પંડ્યાભાઇએ પૂછયું.
‘મારું નામ કુંદનલાલ.’ હરિએ મરકીને ખોટું નામ કહ્યું.
કોમ્પ્યુટરમાં સિસોટિયું વાગી. એના સ્ક્રીન ઉપર લિસોટા લબકારા લેવા માંડ્યા. પંડ્યાભાઇ દાંત કાઢતાં કાઢતાં માથું હલાવવા માંડ્યા.
‘તમારું જન્મસ્થળ?’
‘જામજોધપુર.’ હરિએ મરકીને ખોટું ગામ કહ્યું.
કોમ્પ્યુટરમાં સિસોટિયું વાગી. એના ટેલિવિઝન સ્ક્રીન ઉપર લિસોટા લબકાર લેવા માંડ્યા. પંડ્યાભાઇ દાંત કાઢતાં કાઢતાં ભમ્મર ઊંચી કરીને માથું હલાવવા માંડ્યા.

પશ્ર્ચિમમાં તો…

‘પણ આ તો એક અમુક ટાઇપના સાચની વાત થઇ ને? હરિએ કહ્યું, બોલનારને ખબર હોય કે ઇ ખોટું બોલે છે, તો જ સહદેવ પકડી શકે ને? બોલનારને જ ખબર ન હોય સાચું શું છે તો કઠણાઇ પડે ને! ફ્રેન્કલી, આ લેવલનું કામ તો, વેલ… અમેરિકા વગેરે પાશ્ર્ચાત્ય દેશોમાં એક સાધારણ લાઇ ડિટેક્ટર મશીન પણ કરે છે.’ હરિએ ગંભીરતાપૂર્વક જણાવ્યું. હરિ ગંભીરતાપૂર્વક કોઇ વાત કરે ત્યારે એનો રાગ સહેજ લાઉડ થઇ જતો.
‘ઓ આઇ સી.’ સામે પંડ્યાભાઇએ પણ સહેજ લાઉડ અવાજે કહ્યું.
‘હાસ્તો.’ હરિએ વધુ ઠાવકાઇથી જવાબ આપ્યો. ‘વસ્તુ શું છે કે માણસ જ્યારે જ્યારે ખોટું બોલે છે ત્યારે એની અસર હૃદયના ધબકારા ઉપર, એના બ્લડ પ્રેશર ઉપર, શ્ર્વાસોશ્ર્વાસ ઉપર પડે છે. પશ્ર્ચિમમાં શું કરે છે, કે શંકાસ્પદ માણસના બોડી ઉપર એક અમુક ટાઇપનું વાયરિંગ કરતા હોય છે… ’
‘ઓ આઇ સી.’ સામે પંડ્યાભાઇએ આંગળીઓના ટચાકા ફોડતાં કહ્યું.
‘… અને એ વાયરિંગને નાની બોલપેન જોડેલી હોય, એ બોલપેનું મારફત એક કાગળ ઉપર શંકાસ્પદ માણસના બોડીના રીડિંગના ગ્રાફ ચિતરાતા જાય. એટલે એ મશીનનું ટેક્નિક્લ નામ પોલી ગ્રાફ મશીન છે. સામાવાળો ખોટું બોલે એટલે તરત એના બોડીમાં ફેરફાર થાય અને ફેરફાર થાય એટલે ગ્રાફમાં ફેરફાર થઇ જાય અને ઓલો પકડાઇ જાય.’હરિએ હાથને ગુંલાટી આપીને મુદ્દો સમજાવ્યો. ‘પણ ખોટું બોલનારને જ ખબર ન હોય કે પોતે ખોટું બોલે છે, તો તો મશીન યુઝલેસ.’
થોડીવાર પંડયાભાઇ ચૂપ રહ્યાં. મનમાં ને મનમાં કંઇક સમજી માથું હલાવ્યું. પછી શાંતિથી બોલ્યા.
‘વેલ… સહદેવનું એવું નથી. બોલનારને ખબર હોય કે ન હોય, ઇ તો સાચુંખોટું પકડી શકે છે.’ પંડયાભાઇ એ આત્મવિશ્ર્વાસથી કહ્યું.
‘પણ એની ખાતરી કેમ કરવી?’
‘ઇ યે થઇ રહેશે, બંધુ.’ પંડ્યાભાઇએ કહ્યું.
સમ્રાટ જયસિંહે સહેજ ખોંખરો ખાઇને પ્રવેશ કર્યો, કહ્યું. ‘હરિભાઇ સાહેબ.’
‘હં સમ્રાટ, બોલો.’
‘તમે તો હમણાં જરાક આરામ કરવાના હો, તો જરાક પુસપકને લઇને…’
‘હા, હા, ધેટ સોલરાઇટ.’ પંડ્યાભાઇએ કહ્યું, ‘કેમ બંધુ?’
‘ઓફ કોર્સ.’ હરિએ જણાવ્યું.

આગાહી….

બપોરે ભોજનમાં હાથે ભરડેલા મગની ફોતરાંવાળી લચકો દાળ, મૂળા તથા ભીંડાના ફોડવાંવાળી કઢી, હાથે દળેલા ઘઉંના લોટની રોટલી અને કટકી કેરીનું અથાણું હતાં.
ભોજન પછી પંડ્યાભાઇએ ચટાપટાવાળી બે આરામ ખુરશીઓ પાથરી. પંડ્યાભાઇએ હરિની આરામખુરશીના હાથામાંથી બીજું પાટિયું કાઢીને આડું ગોઠવ્યું. હરિએ પગ એની ઉપર લંબાવ્યા. સહેજ ટૂંકું પડતું હતું. એટલે પગ ભેરવવામાં સહેજ અગવડ પડતી હતી. હરિને ઝોળીમાં પડ્યા જેવું લાગતું હતું. તેથી એ સહેજ ટટાર થઇને બેઠો. પણ એમાંય બહુ અડવું લાગતું હતું પંડ્યાભાઇનું ધ્યાન હોતું. એ કાંઇક બીજા વિચારે ચડી ગયેલા. એ એકદમ બેઠા થઇ ગયા. મનમાં મનમાં મરકવા લાગ્યા. એ આખરે બોલ્યા.
‘હરિભાઇ, એક રીતે જોવા જાઓ તો ભવિષ્ય પણ જાણી શકાય.’
હરિ એકદમ એકીટશે જોઇ રહ્યો. પંડ્યાભાઇ સફાળા બેઠા થઇ ગયા. ડાભલાંવાળુ કપડું હટાડી એમણે સહદેવની ચાંપ ખોલી.
‘જ-ય-શ્રી-કૃ-ષ્ણ. પંડ્યા-ભાઇ.’ સહદેવ બોલ્યો.
‘જેશ્રીકૃષ્ણ. સહદેવ.’ પંડ્યા-ભાઇ કહ્યું.
‘જેશીકૃષ્ણ.’ હરિએ કહ્યું.
‘આજે વરસાદ નહીં આવે.’ પંડયાભાઇએ કહ્યું.
એકદમ કમ્પ્યુટરમાં સિસોટિયું વાગી. એના ટેલિવિઝન જેના સ્ક્રીન ઉપર લિસોટા લબકારા લેવા માંડ્યા.
‘એટલે કે આજે વરસાદ આવશે. પંડયાભાઇએ કહ્યું.
‘અને આમ તમે જેના બારામાં જાણવા માગો તેના બારામા એક આગાહી મેળવી શકો.’ પંડ્યાભાઇએ જણાવ્યું.
હરિયો એકદમ વિચારમાં પડી ગયો. માળું, આ તો ભારી કામ થાય. નાનકો પરીક્ષામાં પાસ થશે કે નહીં તે જાણી લેવાય. નાનકો એન્જિનિયર થાશે કે નહીં તે જાણી લેવાય.
‘જોકે, ઘણીવાર તો ભવિષ્ય ન જાણવામાં જ ‘ચામ’ છે. બંધુ!’ પંડયાભાઇએ કહ્યું.
ઇ વાત પણ ખોટી નથી, હરિને થયું. પાસ થવાના કે નહીં એનો પણ એક સસ્પેન્શ હોય છે. પહેલેથી જ ખબર હોય તો એનો ‘ચામ’ રહેતો નથી.
હજી તો બેય જણા એની ગડમથલ કરે છે ત્યાં તો અંધારું ઘોર થઇ ગયું. પંડ્યાભાઇએ આંખો ફાડીને આકાશ તરફ જોયું. એકદમ ઘનઘોર ઘટા છવાઇ ગઇ હતી. અને બારીબારણાં બંધ કરે એની પહેલાં તો વરસાદ તૂટી પડયો. વાહ મારા વ્હાલા, હરિએ વિચાર્યું, કરે છે કંઇ.

રાતના રાજા
બહાર વરસાદ ગાજતો હતો. વાતાવરણમાં મજાની ઠંડક હતી. આખાય ઘરમાં ઘનઘોર અંધારું થઇ ગયું. બેઠક ઘરમાં હિંડોળા પર ફૂલની છાબડી લઇને નિકુંજલતાબહેન પૂજા માટે માળા બનાવતાં હતાં તે આઘે મૂકીને આડાં પડયાં. આરામ ખુરશીઓ પર હરિભાઇની અને પંડ્યાભાઇની આંખું મળી ગઇ. અભ્યાસખંડમાં સહદેવ પર આભલાંવાળું કપડું ઢાકેલું હતું તે સહેજ ફરકર્યું અને સભા શરૂ થઇ.
રસોડામાંથી ગેસનો ચૂલો,, ઓસરીમાંથી સાઇકલ, વંડામાંથી ગરમ પાણીનો બંબો, નાનકાના ઓરડામાંથી સાઇકલનો પમ્પ, હિંડોળો, સાંબેલું, ખાંડણી, દસ્તો, સૂડી, કાતર, ઝાડુ એમ એક કરીને બધી ‘ચાલતી’ વસ્તુઓની સભા ભરાઇ. આમ તો બધી જ ચીજોને સભામાં જોડાવાની ઇચ્છા હતી પણ સહદેવે ચુકાદો આપેલો કે જે ચીજ પડી રહેતી હોય તેને સ્વીકારવામાં નહીં આવે. સભા આમ તો દરરોજ રાતે થતી. સભાનું નામ જ હતું. ‘રાતના રાજા’ પણ કોઇ વાર સહદેવે કોઇ સરસ ચીજ લખી હોય કે વાંચી હોય તો આમ અંધારું કરીને ખાસ સભા બોલાવી લેતો. સભામાં સભ્યો પોતપોતાની કૃતિઓનો પાઠ કરતા.
સહદેવે સૌને સંબોધતાં કહ્યું, ‘એય, જેશ્રી કૃષ્ણ.’
બધાંએ કહ્યું, ‘જેશી કૃષ્ણ, જેશી કૃષ્ણ, સહદેવભાઇ.’
અને સહદેવે સભા શરૂ કરી. થોડાક લોકોના ખિસ્સામાંથી પોતપોતાનાં કાવ્યોના કાગળ કાઢવાના અવાજ આવ્યા. એક વાતની સ્પષ્ટતા અહીં જરૂરી છે, કે આ બધું બહુ જુદા લેવલ પર થતું હતું, અને મનુષ્યોને આનો અણસાર પણ આવતો નહીં, અંધારાનુ પ્રયોજન એટલું કે એ રીતે માણસો સૂઇ રહે અને સભ્યોને વાપરવા ન માંડે. બાકી અજવાળું હોય તોય કોઇને ભાન ન પડે કે સભા ચાલે છે. એ બધું બહુ જુદા લેવલ પર થતું હતું.
‘આજની સભાનું પ્રયોજન એ છે કે, કે આજે માણસે મારી આવડત પર શંકા કરી છે. ‘સહદેેવે સર્જકસુલભ આક્રોશથી કહ્યું.’
સભામાંથી ‘ધિક્ ધિક્ ધિક્કાર’ એવા વચન અનેક સભ્યોના મુખે આવ્યા. સહદેવે આગળ જણાવ્યું. ‘આજે…’
‘માની લ્યો કે એક માણસને આપણે પૂછીએ, કે બંધુ તેં ફલાણાના ઘરમાં ચોરી કરી છે?’
‘ચોરી.’
‘હા. અને ઇ માણસ કયે ના. નથી કરી.’ પંડ્યાભાઇ બોલ્યા.
‘હાં. હા!’
‘હવે ઇ માણસ સાચુ બોલે છે કે નહીં, તે આપણે પકડી શકીએ. એટલે? એટલે કે એ ધોરણના સાચની વાત આપણે કરી શકીએ. બાકી ભાઇલા, શાહીમાં ખડિયો છે કે ખડિયામાં શાહી છે તેની વાત તો સમજી ગ્યાને બંધુ.. ભલભલા ઋષિમુનિઓ પણ…’ પંડ્યાભાઇએ પંજા વડે ગુંલાંટિયાનો અભિનય કર્યો અને હરિએ તાળીની આપલે કરી.
સહદેવે વાત પૂરી કરી. બધાં આમાં શું થયું? કંઇક એવા ભાવ સાથે અણસમજણથી જોઇ રહ્યા. સહદેવે સમજાવ્યું.
‘એક માણસ ઊઠીને એમ કહે છે કે મને સનાતન સત્યની ખબર નથી? એને ખબર છે કે સત્યનું અન્વેષણ પોતે એક મિથ્યા, વૃથા ક્રિયા છે? કારણ કે માનવ સિવાય કોઇ અસત્યને ઓળખતું નથી?’ સહદેવનો રાગ સહેજ લાઉડ થઇ ગયો. એણે પોતાની ઘોષણા જારી રાખી.
‘માણસે જ માહોમાંહે લડવા માટે સત્ય અસત્યના વિવાદ સજર્યા છે. એને આ સૃષ્ટિ છે તેટલું પૂરતું નથી. એને આ સૃષ્ટિ સમજવી છે! સહદેવે એક દીર્ઘ ક્ષણ સુધી અધ્ધર મૌન રાખ્યું. પછી પોતાના પ્રશ્ર્નનો ઉત્તર આપતાં કહ્યું.
‘સૃષ્ટિને સમજવા માટે માણસ ખડિયો બનાવે છે! માણસ શાહી બનાવે છે! અને પછી શાહી ખડિયામાં રેડતાં પૂછે છે, ‘ખડિયામાં શાહી છે કે શાહીમાં ખડિયો છે?’ ખડિયામાં ? શાહીમાં? આ ‘માં’ શું છે? મૂઢમતિ માનવો ધારે છે કે સહદેવને સનાતન સત્યની સમજણ ન પડે!’
સભામાંથી સાંબેલાએ ઊભા થઇ પૂછયું, ‘તો એવા હડહડતા અપમાનનો સણસણતો જવાબ આપણે વાસ્તવિકતાની ધીંગી ધરતી પર રહીને આપવા સિવાય છૂટકો નથી. તમે એ પરત્વે શું કરવાના નિષ્કર્ષ પર આવો છો?’
‘મે એક ટૂંકી વાર્તા લખી છે.’ સહદેવે લજજાભાવ રોકવાનો અભિનય કરતા જણાવ્યું. માણસોની સાન ઠેકાણે લાવવાનો આ એક જ ઉપાય મને દેખાયો છે. એમને એમની ભાષામાં જ ઠપકારવા જોઇએ.’
‘જરૂર, જરૂર’ સભાએ બહાલી આપી.
સહદેવે વાર્તા શરૂ કરી :
‘વાર્તાનું નામ છે, ‘હરિકી કહાની કમ્પ્યુટર કી જબાની.’

જગતનો મહિમા
અચાનક હરિની આંખ ખૂલી ગઇ, પંડ્યાભાઇ ‘ફૂલછાબ’ વાંચતા હતા. હરિને થયું લાવ જરાક સહદેવની ચાંપ દબાવીએ. બન્ને જણ સહદેવ પાસે આવી ઊભા. પંડ્યાભાઇએ એની ચાંપ દબાવી.
‘જય શ્રી કૃષ્ણ. પંડ્યાભાઇ.’
‘જે જે. જે જે.’
અને એકદમ સહદેવની સ્ક્રીન પર આ વાર્તા ઉપસી આવી, આ, આજ, અત્યારે તમે વાંચો છો તે. ‘હરિકી કહાની કમ્પ્યુટર કી જબાની.’

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular