હરિનો હુંકાર હોલીવૂડમાં!

મેટિની

શો-શરાબા-દિવ્યકાંત પંડ્યા

આઈ જન્માષ્ટમી ઝૂમ લો ઝૂમ લો, કૃષ્ણ કે સંગ જરા ઝૂમ લો ઝૂમ લો! ભારતભરમાં આજના દિવસે કૃષ્ણ જન્મનો ઉત્સાહ હોવાનો જ, પણ માખણ ને હાંડીનો આ જન્મોત્સવ કે પછી તેનો રચયિતા કાનુડો અવારનવાર ભારતીય ફિલ્મ્સ, ટીવી ધારાવાહિકો કે ગીતોમાં પણ એ જ ઉત્સાહથી નજરે ચડી જાય છે, પણ શું તમને એ ખબર છે કે શ્રીકૃષ્ણે અમેરિકન ફિલ્મમેકર્સને પણ પોતાનું ઘેલું લગાડેલું છે? જી, હા! ઘણા હોલીવૂડ ફિલ્મમેકર્સ અને સ્ટાર્સ આપણા નંદલાલાના બહુ મોટા ફેન છે. તો ચાલો જય ક્ધહૈયાલાલ કી બોલીને વિદેશીઓને પણ પોતાની લીલાઓથી મોહિત કરનાર માધવની ત્યાંની ફિલ્મ્સ સાથે જોડાયેલી થોડીક મસ્તમજાની વાતો કરીએ.
જોની ડેપની પોપ્યુલર ફિલ્મ ફ્રેન્ચાઈઝ ‘પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયન’ વિશે ભારતીયો ખાસ્સા પરિચિત છે. જો કદાચ ન હોય તો પણ એકાદ વાર તો અચૂક કોઈના મોંએ તેમણે કેપ્ટન જેક સ્પેરોનું નામ સાંભળ્યું જ હશે. દરિયાઈ લૂંટારાઓની આ હળવીફુલ ફ્રેન્ચાઈઝમાં જોની ડેપ જે નાયક કેપ્ટન જેક સ્પેરોનું પાત્ર ભજવે છે તેનો પ્રેરણાસ્રોત કોણ છે ખબર છે? બહુ સ્માર્ટ હોં તમે! હા, જગતપિતા શ્રીકૃષ્ણ પોતે! ૨૦૧૭માં આવેલી ‘પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયન: ડેડ મેન ટેલ નો ટેલ્સ’ની રિલીઝ પછી ફિલ્મના લેખક ટેડ એલિયટે આખા વિશ્ર્વ સામે કબૂલાત કરેલી કે તેના આ પ્રચલિત પાત્રનો આધાર છે હિંદુ ભગવાન શ્રીકૃષ્ણ! ટેડે કહેલું કે ‘જેક સ્પેરોનું પાત્ર ખૂબ રમતિયાળ છે. તે અવનવી ટ્રિક્સ કરતો રહે છે. શારીરિક શક્તિની સામે પણ રમૂજ અને પોતાના શબ્દોની માયાજાળથી તે કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવવામાં માહેર છે.’ છેને અદ્દલ આપણા ગિરિધર ગોપાલ પણ આવા જ? શ્રીકૃષ્ણના ચરિત્રનો આ જ તો પ્રભાવ છે!
વિશ્ર્વમાં સૌથી વધુ કમાણી કરનારી ૨૦૧૦માં રિલીઝ થયેલી દિગ્દર્શક જેમ્સ કેમરોનની ફિલ્મ ‘એવેટાર’ (હા, ‘અવતાર’ નહીં) પણ શ્રીકૃષ્ણના પ્રભાવમાંથી બાકાત નથી. ફિલ્મમાં પેન્ડોરા ગ્રહવાસી નાવી પ્રજાતિનો ચામડીનો રંગ વાદળી છે, જ્યારે કૃષ્ણનો રંગ પણ સફેદ નહીં, શ્યામવર્ણો વાદળી જ કહેવામાં આવ્યો છે અને તેના પરથી જ ફિલ્મ માટે નાવીનો રંગ વાદળી પસંદ કરવામાં આવ્યો હતો. આની પુષ્ટિ કરતાં જેમ્સ કેમરોને ૨૦૦૭માં એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘વાદળી સારો રંગ છે, મને ગમે છે અને ખાસ તો એ રંગ હિંદુ દેવો સાથે જોડાયેલો છે. મને હિંદુ માયથોલોજીની સઘળી ચીજો ખૂબ જ આકર્ષે છે.’ તેમની ફિલ્મનું શીર્ષક સુધ્ધાં કૃષ્ણાવતાર સાથે જોડાયેલું છે. શીર્ષકના બે અર્થ થાય છે, પણ બંનેમાં વધુ ફર્ક નથી. એવેટાર (ઉચ્ચાર આ જ છે)નો સીધો ઈંગ્લિશ અર્થ થાય કોઈ એકનું બીજું સ્વરૂપ લેવું. એટલે કે વીડિયોમાં જેમ વ્યક્તિની જગ્યાએ ગ્રાફિક્સ પર્સન રમે તેમ. તો ભગવાન વિષ્ણુએ લીધેલા અવતારના સંદર્ભમાં પણ તેને મળતો જ અર્થ આપણી સામે છે. જેમ્સ કેમરોને ઈશ્ર્વરના માણસ સ્વરૂપે અવતારના રૂપમાં કહ્યું હતું કે ‘શીર્ષકનો અર્થ હિંદુ ભગવાનના અવતાર પરથી પણ પ્રેરિત છે જ. એ પ્રમાણે ફિલ્મમાં ભવિષ્યમાં મનુષ્ય એવી ટેક્નોલોજી વિકસાવે છે કે જેનાથી મનુષ્યનું જાગૃત મન કોઈ બીજા શરીરમાં દાખલ થઈ શકે.’
આ ફિલ્મ્સ અને તેની સાથે જોડાયેલા શ્રીકૃષ્ણના સંદર્ભથી દરેક વખતે લોકો ખુશ જ થયા હોય તેવું નથી બન્યું. ૨૦૧૬માં આવેલી ‘એક્સ મેન: એપોકેલિપ્સ’ ફિલ્મમાં શ્રીકૃષ્ણનું નામ જોડાવા પર વિવાદ પણ થયો હતો અને એ પણ ફિલ્મ રિલીઝ થઈ એ પહેલાં જ. ફિલ્મના ટ્રેલરમાં શરૂઆતમાં જ વિલન એપોકેલિપ્સ દ્વારા એક વાક્ય બોલવામાં આવે છે – ‘મને મારા અખૂટ જીવનકાળ દરમિયાન ઘણાં બધાં નામોથી સંબોધવામાં આવ્યો છે, જેમ કે રા, કૃષ્ણ, યાહવેહ.’ આ વાક્યમાં શ્રીકૃષ્ણ ઉલ્લેખ પર ‘યુનિવર્સલ સોસાયટી ઓફ હિંદુઈઝમ’ના પ્રેસિડન્ટ રાજન ઝેદે વાંધો દર્શાવ્યો અને કહ્યું કે ‘આ હિંદુ દેવતા અને ધર્મનું અપમાન છે એટલે ફિલ્મના ટ્રેલર અને ફિલ્મ બધેથી જેટલા પણ કૃષ્ણને લગતા સંદર્ભ હોય તે કાઢી નાખવા.’ આ વિરોધમાં તેમને ઘણા લોકોનું સમર્થન મળ્યું એટલે પ્રોડક્શન કંપનીએ કૃષ્ણને લગતી બધી જ ચીજ ફિલ્મમાંથી કાઢી નાખી (જોકે હજુ યુટ્યુબ ટ્રેલરમાં પેલું વાક્ય સાંભળવા મળે છે).
આ વિરોધનું કારણ એ હતું કે કોઈ ખલનાયક કઈ રીતે પોતાને કૃષ્ણ સાથે સરખાવી શકે. પાછો અહીં વિલનનો રંગ પણ વાદળી બતાવવામાં આવ્યો છે. સ્વાભાવિક છે કે આ વાત હિંદુ ધર્મના લોકોને ન ગમે, પણ ટ્રેલર અને ફિલ્મ જોયા પછી આ વાતે વિચાર કરતાં ઘણા લોકોને જે અર્થમાં ત્યાં અગાઉ કૃષ્ણનું નામ જોડાયેલું હતું એ યોગ્ય લાગ્યું. તેમનું કહેવું હતું કે હકીકતમાં ગેરસમજ થઈ છે. હકીકતમાં સાક્ષાત્કાર અને અમરત્વની વાત કહેવામાં આવી છે અને ફિલ્મનો ઈશારો વિષ્ણુના છેલ્લા અવતાર કલ્કી તરફ છે જે બરબાદી તરફ જઈ રહેલા વિશ્ર્વનો નાશ કરીને એક સારા વિશ્ર્વનું પુન: નિર્માણ કરશે. એ અર્થમાં અહીં કૃષ્ણના નામનો પ્રયોગ થયો છે. ખેર, આ મતમતાંતર વચ્ચે પણ શ્રીકૃષ્ણની એટલી તાકાત છે કે જગતભરમાં તેઓ પોતાની નોંધ લેવડાવે છે.
ફક્ત શ્રીકૃષ્ણ જ નહીં, તેમના મુખારવિંદમાંથી નીકળેલી શ્રીમદ્ ભગવદ્ ગીતા પણ હોલીવૂડમાં આકર્ષણનું કેન્દ્ર બનતી રહી છે. ગયા વર્ષે રિલીઝ થયેલી માર્વેલ સ્ટુડિયોઝની ફિલ્મ ‘ઈટર્નલ્સ’માં એક સુપરહીરો પાત્રનું મૃત્યુ થાય છે ત્યારે તેને અગ્નિદાહ આપવામાં આવે છે અને ત્યાં હાજર એક ભારતીય પાત્ર કરુણ એક શ્ર્લોકનું પઠન કરે છે. એ એટલે શ્રીકૃષ્ણે કુરુક્ષેત્રના મેદાનમાં હતાશ લડવૈયા અર્જુનને કહેલો શ્ર્લોક- नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावक। न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः(અર્થ: આ આત્માને શસ્ત્ર, અગ્નિ, જળ, વાયુ કોઈ કશું કરી શકે નહીં.) માર્વેલ કોમિક્સના જ પાત્ર વુલ્વરીનથી જાણીતો એક્ટર હ્યુ જેકમેન પણ આપણા સાક્ષાત્ યોગેશ્ર્વરની વાણી શ્રીમદ્ ભગવદ્ ગીતાથી ખૂબ પ્રભાવિત છે. એક ઈન્ટરવ્યુમાં તેને કોઈએ પૂછેલું કે ‘આપણે મૃત્યુ પામીએ ત્યારે શું થાય?’ આ સવાલનો જવાબ આપતી વખતે તેણે સૌથી પહેલાં યાદ કર્યો શ્રીકૃષ્ણે આપેલા હિંદુ ધર્મગ્રંથ ગીતાને. શ્રીમદ્ ભગવદ્ ગીતાને ટાંકીને તેણે જવાબ આપેલો કે ‘ભગવદ્ ગીતામાં આ વિશે ખૂબ સરસ રીતે લખ્યું છે કે જ્યારે મૃત્યુ તમારી સમક્ષ આવે ત્યારે તમારે શું કરવું જોઈએ. મેં જ્યારે એ વાંચ્યું ત્યારે મને એવું લાગેલું કે આ શબ્દો કોઈક નવો જ અનુભવ છે મારા માટે. મેં આવું કદી વિચારેલું જ નહીં, પણ ગીતાના માધ્યમથી મને એ વિચારવાની દૃષ્ટિ મળી.’
હ્યુ જેકમેનની જેમ જ વિલ સ્મિથ, રોબર્ટ ડાઉની જુનિયર, એન્જેલિના જોલી, જુલિયા રોબર્ટ્સ જેવાં અનેક હોલીવૂડ સ્ટાર્સ છે કે જેઓ શ્રીકૃષ્ણ કે હિંદુ સંસ્કૃતિ તરફ આકર્ષાયાં હોય અને એ વિશે જાહેરમાં વાત કરી હોય. તો આ છે આપણા પ્રિય રણછોડની રાસલીલા! કૃષ્ણમ્ વંદે જગદ્ગુરુમ્!
***************************
લાસ્ટ શોટ
‘કોન્સ્ટેન્ટાઈન’ (૨૦૦૫) ફિલ્મમાં એક દૃશ્યમાં નાયક જોનના ટેબલ પરના એક કપ પર શ્રીકૃષ્ણનું ચિત્ર દેખાય છે!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.