Homeઉત્સવહરિ કથા: અધ્યાય-૨

હરિ કથા: અધ્યાય-૨

મધુ રાયની વાર્તા -મધુ રાય

આ વાર્તા ભરત નાયક અને ગીતા નાયક સંપાદિત વાર્તા સામયિક ગદ્યપર્વમાં છપાયેલી અને કઉતુક વાર્તાસંગ્રહની પહેલી આવૃત્તિ(૨૦૦૫)માં પ્રકટ થયેલી, તેનો અર્થ કે તે ૨૦૦૫ની પહેલાં લખાઈ હશે. ત્યારે કમ્પ્યુટર શિશુઅવસ્થામાં હશે અને ‘આઈ.એ.’નો જન્મ પણ કદાચ થયો નહીં હોય. ત્યારે નિર્જીવ પદાર્થો આધિભૌતિક રીતે બોલે અને તેમની નજરે મનુષ્યો કેવા લાગે વગેરેની હરિકથા આમાં છે. બસ. તે સિવાય બીજો કશો બોધ આમાં અભિપ્રેત નથી. હરિને પ્રભુ તરફથી યુગવિમાનની બક્ષિસ મળે, તે યુગવિમાનને એક સાળો હોય, તે સાળાને વળી પુષ્પક એવું નામ હોય, ને તે ઉપરથી હરિ પોતાના વિમાનને પણ સમ્રાટ જયસિંહ એવું નામ આપે વગેરે માનવસહજ દુર્બળતાઓ મનોરંજક બને છે. પણ આમાં લેખક કહેવા શું માગે છે? વાચક પૂછે, તો જવાબ છે કે જે કહેવા માગે છે તે વાર્તામાં જ કહેવાયું છે. તે સિવાય બીજું કશું નહીં. વાર્તામાં કાંઈ કહેવાનું હોય તેવું લેખક માનતા નથી, એટલે હરિ કી કહાની, કમ્પ્યુટર કી જબાની વાર્તામાં હરિ કી કહાની, કમ્પ્યુટર કી જબાની વાર્તા સિવાય કાંઈ કહેવાયું નથી, કાંઈ કહેવાનું નથી.
હરિ કી કહાની
કમ્પ્યુટર કી જબાની
એક દિવસ ઠંડીનો પહોર હતો, અને તો કૌતુક એવું થયું કે હરિભાઇ તો સડક થઈ ગયા! હરિભાઇ જાગ્યા ત્યારે યુગવિમાનને પોતાની મેળાએ ઊડતું જોયું. એય ને વાદળમાં વાતું કરતું જાય ને મીઠું મધુરું ગાતું જાય. હરિએ
પુછયું વિમાનભાઇ, વિમાનભાઇ આ શું માંડ્યું છે, તો યુગવિમાન કહે :
નગરી નગરી પરબત પરબત
ગાત જાએ બનજારા
લે કર દિલ કા ઇકતારા… ધ્રુવ.
હરિભાઇને દાંત આવી ગયા. આ વિમાનેય કરે છે ને કાંઇ, એને થયું. પછી પોતાના દાંત પરથી હાથીના દાંત યાદ આવી ગયા. એને થયું કે હાથીને ભારી મજા. જિંદગી આખી દાંત કાઢીને ફરવાનું. કહે છે ને કે ઘણાય મોઢામાં રૂપાની ચમચિયું લઇને જન્મે છે. એમ આ હાથી લોકો દાંત કાઢતા કાઢતા જન્મે છે. હરિભાઇ ફરી હસી પડ્યા. પોતાને કેવા કેવા ઊંધી છઠીના વિચાર આવે છે, એને થયું. વસ્તુ એવી હતી ને કે હરિના મનની ટોટલે ટોટલ વાત વિમાનને વગર કીધે સમજાઇ જાતી.
‘હરિભાઇ, હાથીના દાંત બહાર દેખાય છે, તે હશવાના દાંત નથી હો!’ વિમાને કહ્યું. વિમાનને “હો કહેવાની બહુ ટેવ હતી.
વિમાને ફરી કહ્યું, ‘એના તો હશવાના જુદા, ને બતાવવાના જુદા. હો!’
“તી ઇ બધી તમને કેમ ખબર, વિમાનભાઇ?
‘ઇ તો મારો શાળોયે તમારી જેવા એક સદ્ગ્રસ્થને ઘેરે કામ કરે છે…’
હરિભાઇને એક મિનિટ તો સહેજ માઠું લાગ્યુ.
એને તો મનમાં એમ જ હતું કે
ભગવાને એને જ એકને આ યુગ વિમાનની બક્ષિસ આપી છે. આજે આટલે વખતે ખબર પડી કે આવા તો કંઇક યુગવિમાન બક્ષિસમાં અપાયાં લાગે છે. આ હિસાબે તો પોતાની જેમ આ અનેક સદ્ગ્રસ્થો મનમાં આવે ત્યારે જુદા જુદા યુગની સફરે ઊપડી જતા હશે. હશે ભાઇ.
‘કોણ છે તે ભાઇ?’
‘રાજકોટના મારતંડભાઇ પંડ્યા કરીને છે. પંડ્યાભાઇ. ઇ. પંડ્યાભાઇને પશુપંખીના વિગ્નાનનો શોખ હો? ઇ એક દિવસ કહેતા હતા. કે હાથીના તો ચાવવાના દાંત જુદા અને બતાવવાના જુદા.’
‘હસે ભાઇ.’ પંડ્યાભાઇ એમ ને? હરિભાઇએ મનમાં કહ્યું.
‘તી આજે મને મન થયું કે શાળાને જરાક મળી આવું.’ વિમાને જોરથી કહ્યું.
‘તમારી રઝા હોય તો.’
‘હા, હા, તે જઇએ, એમાં શું’ હરિએ કહ્યું, ‘ચાલો રાજકોટ જઇએ.’

સાચના બારામાં

વિમાનનું ગાયન પૂરું થયું અને રાજકોટમાં ખોજાખાના શેરીમાં હરિભાઇ ઊતર્યાં.
…. લે કર દિલ કા ઇકતારા….
પંડ્યાભાઇ દાંતણ કરતા હતા, અને પંડ્યાભાઇનું વિમાન ‘વાડે’ ગયું હતું. ‘પધારો, પધારો, બંધુ…’ મારતંડભાઇએ કહ્યું. ‘અરે, પુષ્પક…. પુષ્પક…’ મોં સૂઝણું થઇ ગયું હતું. ફળિયામાં ગાય ચરતી હતી.
‘મારા શાળાનું નામ‘પુસપક’ રાખ્યું છે અહીંયા.’ વિમાને હરિયાને ધીમા સાદે કહ્યું.
તમારી ભલી થાય, હરિયાને મનમાં થયું. પંડ્યાભાઇએ તો વિમાનનુંય નામ રાખ્યું છે. આ હિસાબે આપણેય આપણા વિમાનનું કંઇક નામ આપવું જોઇએ. હરિને મનમાં થયું.
‘તો આપણેય તમારું કંઇક નામ રાખીએ, વિમાનભાઇ.’
‘ઝેવી તમારી મરજી.’
‘તો પછી, ‘સમ્રાટ જયસિંહ’ કેવું લાગે છે?’
‘ફાઇન.’
ત્યાં પંડ્યાભાઇ ધોતિયાના છેડો ખભે નાખી, તાજા દાંતણ કરેલા દાંત દેખાડતા દેખાડતા આવ્યા અને માથું ડાબા ખભે ઢાળી હલાવતા હલાવતા બોલ્યા.
‘પધારો, પધારો, દયાળું, કેમ આ બાજુ ભૂલા પડ્યા, બંધુ…?’ પંડ્યાભાઇએ પૂછયું.
‘સમ્રાટને થયું, પુષ્પકને મળી આવું,’ હરિએ જોરથી કહ્યું, ‘કેમ જયસિંહ?’
‘વાહ, વાહ, અદ્ભુત. પંડ્યાભાઇએ ધોતિયાનો છેડો સરકી જતો હતો તે જાળવીને જાળીવાળા, ગળીવાળા ગંજીમાં ભેરવ્યો.
‘અને ઘણા વખતથી મને થતું હતું કે સાચના બારામાં તમને કંઇ ઇન્ફોર્મેશન હોય તો જાણતો આવું.’ હરિએ કહ્યું.

‘સાચના બારામાં…’
‘જી, સાચના બારામાં,’ હરિએ કહ્યું. ઘણા સમયથી હું વિચાર કરું છું કે સાચનું સાળું કંઇક તો હોવું જોઇએ. કોક કહે છે, કે સત્ય સાપેક્ષ છે. કોઇક કહે છે કે સત્ય સનાતન છે. કોઇક કહે છે કે સત્ય માયા છે. કોઇક કહે છે કે માયા સત્ય છે. માળું સમજવું શું?’ હરિએ દાંત કાઢતાં પંડ્યાભાઇ પાસે તાળી માગી.
‘કાં?’
‘છે સ્તો,’ પંડ્યાભાઇએ તાળી આપી અને એકદમ દૂધ જેવા ચોખ્ખા દાંત વડે ભદ્રતાપૂર્વક હશી પડ્યા. ‘બધું… જરાક બ્રેક ફાસ્ટ કરીને પછી સાચની તપાસ કરીએ.’
‘એના જેવું એક નહીં’ હરિએ કહ્યું.
બંધુ અને બંધુબહેન
પુષ્પક અને સમ્રાટ જયસિંહ ફળિયામાં બેઠા હતા. સવારનો પહોર હતો. પંડ્યાભાઇ હરિને સાચના બારામાં સમજાવતા હતા.
‘હવે સાચનું તો એવું છે ને કે ભલભલા ઋષિમુનિઓ ગોથાં ખાઇ ગયા છે. છતાં આપણે એક નાનકડી વાત લઇએ.’
હરિએ સંમતિમાં માથું ગોળ ગોળ ધુણાવ્યું.
‘માની લ્યો કે એક માણસને આપણે પૂછીએ, કે બંધુ, તેં ફલાણાના ઘરમાં ચોરી કરી છે?’
‘ચોરી.’
‘હા. અને ઇ માણસ કયે કે ના. નથી કરી.’ પંડ્યાભાઇ બોલ્યા.
‘હાં, હા!’
“હવે ઇ માણસ સાચું બોલે છે કે નહીં, તે આપણે પકડી શકીએ. એટલે? એટલે કે એ ધોરણના સાચની વાત આપણે કરી શકીએ. બાકી ભાઇલા, શાહીમાં ખડિયો છે કે ખડિયામાં શાહી છે તેની વાત તો સમજી ગ્યા ને બંધુ… ભલભલા ઋષિમુનિઓ પણ…’ પંડ્યાભાઇએ પંજા વડે ગુંલાંટિયાનો અભિનય કર્યો અને હરિએ તાળીની આપલે કરી.
‘હા, હા, ભલે ને એટલું તો એટલું. પણ આપણે ઇ માણસ સાચું બોલે છે કે નહીં, તે કેમ પકડી શકીએ?’
‘કોમ્પ્યુટરથી.’
‘એમ કે?’
‘હા.’
‘ઇ કઇ રીતે?’
‘હવે એવું છે ને, કે જગતનો મહિમા તો તમે જાણો છે.’ પંડ્યાભાઇએ દાંત કાઢતાં કાઢતાં કહ્યું.
‘એટલે?’
‘એટલેે… કે’ પંડ્યાભાઇ મરક મરક થઇને કહેવા લાગ્યા. ‘તમને તો ખબર જ છે કે દુનિયામાં ક્યાંક કંઇક ખોટું બોલાય, એટલે તુરંત જ ક્યાંકથી વાતાવરણમાં એક જાતની અંશાતિ ઉત્પન્ન થાય છે. હવે ઇ અંશાતિ આપણને નરી આંખે તો ન જ દેખાય. પણ જ્યાંથી ઇ અંશાતિ ઉત્પન્ન થાતી હોય એની પાસેથી એક જાતના લબકારા મારવાના શરૂ થાય. પ્રોપર સાધનો વગર એની સમજ ન પડે પણ હવે તો વિજ્ઞાને ભારે પ્રગતિ કરી છે. એટલે કોમ્પ્યુટર મારફતે એને જોઇ શકાય.’ પંડ્યાભાઇ ફણગાં ફુલાવીને દાંત કાઢવા માંડ્યા.
હરિએ કપાળે આડી કરચલીઓ ચડાવી ભારેખમ મોઢે કહ્યું, ‘હા… અ..! કોમ્પ્યુટર મારફત, એમને? ગધડીનાઉં કરે છે ને કાંઇ!’
“હેંકક, એંકક! પંડ્યાભાઇ એકદમ ગેલથી હસી પડયા.
‘પણ તો તો પછી દુનિયામાં અત્યારસુધીમાં તો… વાતાવરણ એકદમ કલુસિત થઇ ન ગયું હોય? ખોટું તો હાલતાં ને ચાલતાં બધાંય બોલે છે.’
‘બધું….’ પંડ્યાભાઇને ‘બંધુ’ કહેવાની ટેવ હોય એવું લાગ્યું. હરિના એક ઓળખીતા મેઘાણીભાઇ કરીને છે. કલકત્તાવાળા. એમનાં બેટર હાફનું નામ ‘બંધુબહેન’ છે. એને દર વખતે પંડ્યાભાઇ ‘બંધુ’ બોલે એટલે બંધુબહેનનો મીઠો સુભાવ યાદ આવી જાય. અને બહુ મીઠું લાગે. આ તો અમસ્તાં એક વાત. હમણાં તો બંધુબહેનને જરાક ઠીક રહેતું નથી. પણ દવા કરે નઇ ને ત્રિભુવન કીર્તિના ફાફડા ભરે રાખે. હરિ મનમાં મરકી રહ્યો, મેઘાણીભાઇ મેઘાણીભાઇ…
‘જેમ ખોટુ બોલાય છે, તેમ સાચુંય બોલાય છે ને! જોકે, ખોટાનું પ્રમાણ જરાક વધુ, એટલે વાતાવરણમાં સહેજ…’ પંડ્યાભાઇે બેય હાથ પહોળા કરી અસહાયતા બતાવી. અને હરિનું ધ્યાન એ તરફ ગયું.
‘એટલે સાચું બોલાય એટલે તરત પાછું વાતાવરણ સાફ થાય, એવું?’
પંડયાભાઇએ આંખ મીંચીને હકારમાં માથું ધુણાવ્યું. પછી સ્નાન વગેરેની વ્યવસ્થા થઇ.

હાર્મોનિયમ અને ગીતા પાઠ
બ્રેકફાસ્ટમાં ખાદી ભંડારના ખાખરા, ઉપર શુદ્ધ ઘી, અથાણામાં લીંબુમાં આંથેલાં લાંબાં મજાના રાઇતાવાળાં મરચાં, ગોળપાપડી, અને નીરોનો ગલાસ. પંડ્યાભાઇનાં મીસીસ નિકુંજલતાબહેને પૂછયું, ચા પીશો? હરિએ ના પાડી. પછી થયું, વાતાવરણ કલુસિત થાય એના કરતાં… એટલે પછી હા પાડી. એટલે ફષ્ટ ક્લાસ સેંકડના દૂધવાળી એલચી અને તજ નાખેલી સરસ ચાનો ડોઝ મારીને બેય બંધુઓએ તજ અને લવિંગનો મુખવાસ કર્યો. અંદરથી નિકુંજલતાબહેન પૂજા કરવા બેઠાં તેનો અવાજ સંભળાયો. નિકુંજલતાબહેન હાર્મોનિયમ પર ગીતપાઠ કરતાં હતાં.
પંડ્યાભાઇએ એમના અભ્યાસખંડમાં આભલાંના ભરતવાળા કપડેથી ઢાંકેલુ કોમ્પ્યુટર બતાવ્યું. ‘આ છે તે ‘સહદેવ’ છે.’
‘ જ-ય-શ્રી-કૃૃ-ષ્ણ. પં-ડયા-ભા-ઇ’ સહદેવ બોલ્યો.
‘જેશ્રીકૃષ્ણ, સહદેવ.’ પંડ્યાભાઇ કહ્યું.
‘જેશીકૃષ્ણ.’ હરિએ કહ્યું.
‘આમ તો સહદેવ જાતજાતનાં કામ કરે શકે છે. સરવાળા, બાદબાકી, ગુણાકાર વગેરે. તમારી જન્મતારીખ બોલો તો?’
હરિએ જન્મતારીખ જણાવી. પંડ્યાભાઇએ સહદેવ સામું જોયું અને બોલ્યા,
‘તે દિવસે ગુરુવાર હતો, એમ સહદેવનું કહેવું છે… જન્મસ્થળ?’
‘ખંભાળિયા.’
‘તમારા જનમને દિવસે અષાડી બીજ અને ત્રીજ ભેગાં હતાં એટલે નિશાળમાં વહેલી રજા પડેલી. તમારા બાપુજીએ કલ્યાણજી કંદોઇના પેડા વર્ગમાં વહેંચેલા.’
‘ભારે ભાઇ!’ હરિએ કહ્યું. કલ્યાણજીભાઇ ખંભાળિયાના મોટા કંદોઇ ગણાતા. ઘણીવાર હરિ એમના ડેલે રમવા જતો. ‘પણ આ બધું આ સહદેવભાઇને કેમ આવડી જાય?’
પંડ્યાભાઇએ બન્ને હાથ અને ડોકું આકાશ ભણી દર્શાવી કહ્યું.
‘હજાર હાથવાળાની માયા બધી.’
‘હવે એક રકમ મનમાં ધારી લ્યો.’
હરિએ હજારનો આંકડો ધાર્યો.
‘હવે હું તમને પૂછીશ કે કઇ રકમ ધારેલી, તો એના જવાબમાં તમે ખોટી રકમ કહેજો.
‘હો.’
‘હરિભાઇ કઇ રકમ ધારી છે?’
‘બાવન.’ હરિએ મરકીને ખોટો જવાબ દીધો.
એકદમ કોમ્પ્યુટરમાં સિસોટિયું વાગી. એના ટેલિવિઝન જેવા સ્ક્રીન ઉપર લિસોટા લબકારા લેવા માંડ્યા.
પંડ્યાભાઇ દાંત કાઢવા માંડયા. હરિએ તાળી મારી.
‘તમારું નામ શું?’ પંડ્યાભાઇએ પૂછયું.
‘મારું નામ કુંદનલાલ.’ હરિએ મરકીને ખોટું નામ કહ્યું.
કોમ્પ્યુટરમાં સિસોટિયું વાગી. એના સ્ક્રીન ઉપર લિસોટા લબકારા લેવા માંડ્યા. પંડ્યાભાઇ દાંત કાઢતાં કાઢતાં માથું હલાવવા માંડ્યા.
‘તમારું જન્મસ્થળ?’
‘જામજોધપુર.’ હરિએ મરકીને ખોટું ગામ કહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular