હાર્બરમાં હાલાકી : શનિવારે હાર્બર લાઈનમાં ટેક્નિકલ ખામીને કારણે બપોરના સમયે ટ્રેનોના ધાંધિયા થયા હતા. આને કારણે પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. (અમય ખરાડે)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: હાર્બર લાઈનમાં વડાલાથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ વચ્ચે શનિવારે બપોરે અમુક ટૅક્નિકલ ખામી સર્જાતા બપોરના થોડા સમય માટે રેલ સેવા ખોરવાઈ ગઈ હતી, તેને કારણે અનેક સ્ટેશનો પર ભારે ગીરદી થઈ હતી.
બપોરના લગભગ દોઢ વાગ્યાથી ત્રણ વાગ્યા દરમિયાન હાર્બર લાઈન પર ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. અચાનક ટ્રેન બંધ થવાથી રેલવે પ્લેટફોર્મ પર અને બ્રિજ પર લોકોની ભીડ થઈ હતી. લોકોને ઊભા રહેવા અને ચાલવા પણ જગ્યા નહોતી. ખાસ્સા સમય બાદ ટ્રેન ફરી શરૂ થઈ હતી. પરંતુ ટ્રેનમાં ભારે ભીડ થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
મધ્ય રેલવેના ડિનિઝનલ મેનેજર અનિલકુમાર જૈને જણાવ્યું હતું કે, શનિવારે બપોરના કોઈ ટૅક્નિકલ ખામી સર્જાઈ નહોતી. પરંતુ ૧૫થી ૨૦ મિનિટનો અચાનક સ્ટ્રેસ બ્લોક લેવામાં આવ્યો હતો. તેને કારણે બપોરના થોડા સમય માટે ટ્રેન બંધ કરવામાં આવી હતી. આ પ્રી પ્લાન બ્લોક નહોતો. પરંતુ ગરમીના સમયમાં રેલવે પાટા માટે અચાનક આવા સ્ટેસ બ્લોક લેવા પડતા હોય છે.