અંધેરી-જોગેશ્ર્વરીની વચ્ચે સિગ્નલ ફેઈલ્યોર
હાલાકી: અંધેરી અને જોગેશ્ર્વરીની વચ્ચે સિગ્નલ ફેઈલ્યોરને કારણે અઠવાડિયામાં સતત બીજા દિવસે પશ્ર્ચિમ રેલવેની લોકલ ટ્રેનસેવા ખોટકાઈ હતી, પરિણામે પીકઅવર્સમાં ટ્રેનોમાં મુસાફરી કરવામાં પ્રવાસીઓને હાલાકી પડી હતી. સૌથી વ્યસ્ત સ્ટેશનો પર પ્રવાસીઓની ભીડ કિડિયારાના માફક ઊભરાયા હતા. (જયપ્રકાશ કેળકર)
——–
પશ્ર્ચિમ રેલવેમાં નવું ટાઈમટેબલ અમલી બન્યાથી ટ્રેનસેવા ખોટકાવાનું પ્રમાણ વધ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અઠવાડિયામાં સતત બીજે દિવસે પશ્ર્ચિમ રેલવેમાં સિગ્નલ ફેઈલ્યોરને કારણે લોકલ ટ્રેનસેવા ખોટકાઈ હતી, પરિણામે સતત રદ થતી લોકલ ટ્રેનો અને મોડી પડવાને કારણે પ્રવાસીઓ માટે ટ્રેનોમાં મુસાફરી કરવાનું મુશ્કેલીજનક બનતું જાય છે.
બુધવારે સવારના ૮.૩૬ વાગ્યાના સુમારે અંધેરી અને જોગેશ્ર્વરી સ્ટેશનની વચ્ચે સિગ્નલ ફેઈલ્યોરને કારણે અપ એન્ડ ડાઉન ફાસ્ટ લાઈનની લોકલ ટ્રેનસેવા પર અસર પડી હતી. સિગ્નલ ફેઈલ્યોર મરમ્મત કામકાજ સવાનવ વાગ્યા સુધી ચાલ્યું હતું, પરિણામે પોણો કલાક સુધી ફાસ્ટ લાઈનની લોકલ ટ્રેનસેવા ઠપ રહી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
બુધવારે પીકઅવર્સમાં ટ્રેનસેવા ખોટકાવાને કારણે બોરીવલી/અંધેરીથી ચર્ચગેટ અને વિરારથી ચર્ચગેટની લોકલ ટ્રેનો અને રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓની ભીડને કારણે પ્રવાસીઓને ટ્રેનોમાં મુસાફરી કરવામાં હાલાકી પડી છે. અંધેરી સિવાય વિરાર-વૈતરણા વચ્ચે પણ ટ્રેનો મોડી દોડતી હોવાને કારણે વહેલી સવારથી લઈને બપોર સુધીની લોકલ ટ્રેનો અડધોથી પોણો કલાક મોડી દોડતી હોવા છતાં પ્રશાસન દ્વારા કોઈ એનાઉન્સમેન્ટ કરવામાં આવતું નહોતું. વસઈના પંકજ વૈદ્યે કહ્યું હતું કે નવું ટાઈમ ટેબલ અમલી થયું ત્યારથી પશ્ર્ચિમ રેલવેમાં રોજને રોજ લોકલ ટ્રેનો અડધો કલાકથી વધુ મોડી દોડે છે. એટલું જ નહીં, એસી લોકલની સર્વિસીસ વધારવામાં આવી છે, પરંતુ વધતા ટેક્નિકલ ફેઈલ્યોરને કારણે એસી લોકલ રદ કરવાનું પ્રમાણ વધ્યું છે. એસી લોકલ રદ કરવાને કારણે એસી લોકલ ટ્રેનના પાસધારકોની નારાજગી વધી છે. એસી લોકલના બદલે નોન-એસી લોકલનો પણ ભોગ લેવાય છે, તેથી બંને ટ્રેનોના પ્રવાસીઓનો પશ્ર્ચિમ રેલવે પ્રત્યે આક્રોશ વધ્યો છે. બુધવારે સવારના અંધેરીમાં સિગ્નલ ફેઈલ્યોરની સમસ્યા ઊભી થઈ હતી, પરંતુ બપોર સુધી વિરારથી ચર્ચગેટની ટ્રેનો રદ કરવાનું પ્રમાણ ચાલુ હતું. વસઈ સ્ટેશનથી બપોરના ૧.૩૦ વાગ્યાથી ૨.૩૦ વાગ્યાની વચ્ચે છ ટ્રેન રદ કરવામાં આવી હતી, પરંતુ તેના અંગે કોઈ એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું નહોતું, તેથી નોન-પીક અવર્સમાં પણ પ્રવાસીઓથી ટ્રેનો કેટલી પેક થતી હશે તેની પ્રશાસનને કોઈ જાણ નથી, એમ નાલાસોપારાના રહેવાસી મયંક ગડાએ જણાવ્યું હતું. પશ્ર્ચિમ રેલવેમાં ઑક્ટોબર મહિનાથી નવું ટાઈમટેબલ અમલી બન્યા પછી લોકલ ટ્રેનોની સાથે લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનો ખોટકાવાનું પ્રમાણ વધ્યું છે, જે અઠવાડિયામાં સતત બીજા દિવસે લોકલ ટ્રેનો ખોટકાતા પ્રવાસીઓ માટે ટ્રેનમાં મુસાફરી કરવામાં પારાવાર હાલાકી વધી છે. સોમવારે વૈતરણા અને વિરારની વચ્ચે સિગ્નલ ફેઈલ્યોરને કારણે ટ્રેનો કલાક ઠપ રહી હતી, જ્યારે બુધવારે અંધેરીમાં સિગ્નલમાં ખામી સર્જાતા દિવસભર ટ્રેનો મોડી દોડતી રહી હતી, એમ પ્રવાસી સંગઠને જણાવ્યું હતું. આ મુદ્દે પશ્ર્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે કહ્યું હતું કે અંધેરીમાં સિગ્નલ ફેઈલ્યોરને કારણે ટ્રેનસેવા પર અસર પડી હતી. સિગ્નલ ફેઈલ્યોરને કારણે દસ ટ્રેન રદ કરવામાં આવી હતી, જ્યારે ૯૦થી વધુ ટ્રેન દસ મિનિટથી અડધો કલાક સુધી મોડી દોડતી રહી હતી.