હર શૈ મેં તેરા નક્શા, હર ગુલ મેં તેરા જલવા, ઈન આંખોં કે ખુલતે હી ક્યા ક્યા નઝર આતા હૈ

વીક એન્ડ

ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી

દિન કો તારે દિખા દિયે તૂને,
ઐ શબે-ઈન્તઝાર ક્યા કહના.
*
પતા કિસ સે પૂછે કિ મંઝિલ કહાં હૈ?
કહાં તક મુસાફિર ભટકતા રહેગા?
*
હમ ઢૂંઢને ગયે તો સનમખાના મિલ ગયા,
તુઝ કો તલાશ સે ભી ન વાઈઝ! ખુદા મિલા.
*
દિલ સે પૂછો ક્યા હુવા થા, ઔર ક્યૂં ખામોશ થા?
આંખ મહવે-દીદ થી, ઈતના મુઝે ભી હોશ થા.
*
રહ રહ કે પૂછતે હૈં યહીં બાગબાં સે હમ,
લે જાયેં ચાર તિનકે કહાં આશિયાં સે હમ.
– પંડિત જગમોહનનાથ રૈના ‘શૌક’
‘શૌક’ સાહેબની પ્રેમલક્ષી શાયરીમાં સનમની આંખો, સનમનું સૌંદર્ય, સજનીનું ઘર, હૃદયનો પ્યાલો, મોહબ્બતની સુરા, પ્રતીક્ષામાં લાંબી લાગતી રાત્રિઓ, પ્રિયતમાના દીદાર (દર્શન) માટેની તાલાવેલીમાં લીન થયેલી શાયરની આંખો, વ્હાલમના ઘરનો ત્યાગ કર્યા પછી ફરીથી પશ્ર્ચાત્તાપમાં ડૂબેલા શાયરનું દર્દ, મંદિર અને મસ્જિદમાં માથું નમાવવાની જરૂર નથી એવી માન્યતા ધરાવતા આ શાયરને વિશ્ર્વની દરેક ચીજ-વસ્તુમાં અને દરેક ફૂલમાં ઈશ્ર્વર-ખુદાના દર્શન થાય છે તેનું તેમણે શેરિયત (કાવ્યતત્ત્વ) સમેત આલેખન કર્યું છે. ચારાસાઝ (તબીબ), દૈર-ઓ-હરમ (મંદિર-મસ્જિદ), કાબા, દરગાહ-મઝાર, કફસ (પિંજરું), બુતકદા (સનમનું ઘર) વગેરેની નૂતન અભિવ્યક્તિને લીધે તેમના ઘણા ઘણા શે’ર આકર્ષક, મોહક તેમ જ યાદગાર બન્યા છે.
‘શૌક’ ઉપનામ-તખલ્લુસ રાખ્યું હોય તેવા એકથી વધુ શાયરો ઉર્દૂ ગઝલવિશ્ર્વને મળ્યા છે. ‘તરાના-એ-શૌક’ જેવી મસનવી (કથાકાવ્ય) અને ‘આલમે-ખયાલ’ જેવી રચનાઓના સર્જક અહમદઅલી કિડવાઈ ‘શૌક’ (ઈ.સ. ૧૮૫૩-૧૯૨૮) ‘અસીર’ના શિષ્ય હતા. તેઓ તેમની શાયરીમાં નારીના મનોભાવોને સારી રીતે રજૂ કરતા હતા. તો નવાબ મિરઝા તસદ્હુક હુસૈને પણ ‘શૌક’ ઉપનામ ધારણ કર્યું હતું. તેઓ લખનઊના શાયર ‘આતિશ’ના શાગિર્દ હતા. ‘ઝહરે-ઈશ્ક’ નામની તેમની મસનવી ખૂબ જાણીતી થઈ છે. પંડિત જગમોહનનાથ રૈના ત્રીજા શાયર છે જેઓએ પણ તેમનું ઉપનામ ‘શૌક’ રાખ્યું હતું. ‘શૌક’નો શબ્દકોશ પ્રમાણેનો અર્થ અભિલાષા, ઉત્કંઠા, અધિક પ્રેમ, લગની, વ્યસન, ટેવ, આદત વગેરે થાય છે. રૈનાજી કાશ્મીરી બ્રાહ્મણ હતા. મધ્ય પ્રદેશના ઈન્દોરમાં જુલાઈ, ૧૮૬૩માં તેમનો જન્મ થયો હતો. ઉચ્ચ કક્ષાની કેળવણી લીધા પછી ઈ.સ. ૧૮૯૦થી ૧૯૨૦ સુધી ઉત્તર ભારતનાં વિવિધ નગરોમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે તેમણે સેવાઓ આપી હતી. નિવૃત્ત થયા પછી તેઓ તેમના પુત્ર ચન્દ્રમોહનની સાથે શાહજહાંપુરમાં નિવાસ કરતા હતા. ઈ.સ. ૧૯૫૦થી ૧૯૫૨થી સાલ વચ્ચે તેમનું મૃત્યુ થયું હોવાનું મનાય છે.
મશહૂર શાયર અમીર મીનાઈ પાસેથી તેમણે શાયરી લેખનના પાઠ શીખ્યા હતા. અમીર મીનાઈએ સુધારેલી-મઠારેલી તેમની ગઝલો કોઈ કારણસર નાશ પામી હતી. ઈ.સ. ૧૯૦૧થી ૧૯૧૫ સુધી કામકાજના ભારણ હેઠળ ‘શૌક’ સાહેબ કશું જ લખી શક્યા નહોતા, પરંતુ તે પછી નિરાશા ખંખેરી તેમણે ફરીથી કલમ ઉપાડી હતી. ઈ.સ. ૧૯૧૬થી ૧૯૪૦ સુધીમાં સર્જાયેલી તેમની ૨૬૯ ગઝલોને સમાવતો તેમનો સંગ્રહ ‘પયામે-શૌક’ શીર્ષકથી પ્રગટ થયો હતો. લખનવી રંગથી તરબતર તેમની ગઝલોમાં તેમના ગઝલ-ગુરુ અમીર મીનાઈનો પ્રભાવ જોવા મળે છે. તેમની શાયરીમાં પ્રણયરંગનું પ્રચુર માત્રામાં આલેખન થયું હોવાથી આ શાયર મહદ્ અંશે મોહબ્બતના શાયર તરીકે અધિક પંકાયા છે.
તેમના કેટલાક પ્રતિનિધિ શે’રનું હવે આચમન કરીએ:
બુતકદા છોડનેવાલે તો ન થે,
ખૈર મિલતી હૈ તો જન્નત હી સહી.
યાર-પ્રિયતમાનું ઘર છોડવા માટે હું રાજી ન્હોતો. આ ઘર છોડવાથી જો સ્વર્ગ મળી જતું હોય તો એ લહાવો પણ હું લઈ લઉં. (એમાં વાંધો શું છે!)
અપની હી ખબર નહીં હૈ હમ કો,
બેકાર કિસી કી જુસ્તજુ હૈ.
જ્યાં મને મારી પોતાની જ ખબર હોતી નથી ત્યાં બીજા કોઈની શોધ મારા માટે સાવ નિરર્થક છે. મતલબ કે પોતાની જાતનો પરિચય મેળવવામાં જ આખું આયખું વીતી જતું હોય ત્યાં બીજાઓનો પરિચય કેવી રીતે મેળવવો?
ખૂંશુદા દિલ કો જલાતે હૈં, જલાનેવાલે,
આગ પાની મેં લગાતે હૈં, લગાનેવાલે.
આગ લગાડનારાઓ લોહીથી તરબતર દિલને બાળી રહ્યા છે. (સામે પક્ષે) આગ લગાવવાવાળા પાણીમાં યે આગ લગાડી રહ્યા છે. (તેઓને તેમાંથી શું મળતું હશે!)
દૈર કો આઓ ચલેં એક ઠિકાના હૈ વહી,
મિલ હી જાયેગા વહીં કોઈ તો રહબર અપના
આપણે એમ કહીએ કે મંદિરે ચાલ્યા જઈએ. એ એક જ (સલામત) ઠેકાણું છે. ત્યાં આપણને કોઈ ને કોઈ માર્ગદર્શક-દિશાસૂચક (ચોક્કસ) મળી જ રહેશે.
બનાયા સજદાગાહે-હુસ્ન હમને દૈરો-કા’બે કો,
વહી જલવા હૈ દોનોં જા, ઈધર આ દેખનેવાલે
મેં મંદિર અને કાબાને સૌંદર્ય-પૂજાના સ્થળમાં બદલી નાખ્યું છે. બંને સ્થળે એ જ (એક જ) દર્શન-દીદાર થાય છે. એ જોવાવાળા! તું હવે અહીં જ આવી જા તો કેવું સારું! અહીં તને બધું જ જોવા મળશે.
ન પૂછો હમસફીરા-ચમન! મૈં કૌન હૂં, કયા હૂં?
ગરઝ જો કુછ હૂં ઈક સાઝે-શિકસ્તા કી સદા હૂં મૈં
મારા સૂરમાં સૂર પુરાવતાં બગીચાનાં પંખીઓ! હું કોણ છું કે હું શું છું? તે વિશે મને પૂછશો નહીં! હું ગમે તે હોઉં પણ એટલું સમજી લેજો કે હું કોઈ તૂટેલો સાઝનો સૂર છું.
પડે હૈ મસ્ત મતવાલે, ન કહતે હૈં, ન સુનતે હૈં;
નઈ બસ્તી, નયા આલમ હૈ યે શહરે-ખમોશાં કા.
આ કબ્રસ્તાન નવું ઊભું થયું છે. નવી જ દુનિયા છે. બધા મસ્તાન લોકો અહીં પડ્યા છે. અહીં કોઈ કોઈને કશું કહેતું નથી કે પછી કોઈ કોઈનું સાંભળતું યે નથી.
* જાંગુઝીં કબ સે દિલ મેં ઝઝબયે-હુબ્બે-વતન;
દોસ્તોં રોઝે-અઝલ સે મૈં વફાદારોં મેં હૂં.
વતન પ્રત્યેના પ્રેમની લાગણીઓ હૃદયને ક્યારની યે કોતરી રહી છે. દોસ્તો! તેને લીધે અનાદિકાળથી મારી ગણતરી વફાદારોમાં થઈ રહી છે.
* બાદ યે-હુબ્બે-વતન મુઝકો પિલા દે સાકિયા,
બિન પિયે મુદ્દત હુઈ મૈં તેરે મયખ્વારોં મેં હૂં.
ઓ સાકી! આજ તો મને વતન-પ્રેમની સુરા પીવડાવી દે. અરે! એને પીધાનો તો જમાનો વીતી ગયો છે સાકી! તું મને ઓળખી લે. હું તારા શરાબીઓમાંનો એક છું.
* રફતા-રફતા તા-દરે-જાનાં બૈઠતે-ઉઠતે યૂં પહોંચે,
ઠોકરેં ખાતે ગિરતે-પડતે સુબહ-સે-તા-શામ ચલે.
ઠોકરો ખાતા ખાતાં, પડતાં પડતાં સવારથી સાંજ સુધી મેં ચાલ્યા કર્યું. આમ આ રીતે ઊઠતાં-બેસતાં હું ધીમે ધીમે પ્રેયસીના દરવાજા સુધી પ્હોંચી ગયો.
* રસ્તા તો ઉધર કા પૂછ લેતે,
ઐ મુલકે-અદમ કે જાનેવાલો.
પરલોકના રસ્તે પ્રયાણ કરનારાઓ! ઘરેથી નીકળતાં પહેલાં એ તરફના માર્ગ વિશે બરાબર પૂછપરછ કરી લેવી’તી ને!
* સબ પૂછતે હૈં શેહરે-ખમોશાં મેં કૌન હૈં?
હૈરાં હૈ ક્યા બતાયે મુસાફિર કહાં કે હૈં?
મને બધા પૂછી રહ્યા છે કે હું કબ્રસ્તાનમાં રહું છું તો હું કોણ છું? આ બાબતમાં મને કશી સમજ પડતી નથી. હું પોતે પરેશાન છું હું ક્યાનો મુસાફર છું તે કેમ બતાવું?
* જાતે કા’બે મેં બુતપરસ્તી કો,
યહ ભી ઈક ફર્ઝ થા, અદા કરતે.
મૂર્તિપૂજા માટે કાબામાં જવાનો ઈરાદો છે. આ એક ફરજ બાકી છે તેને પણ હું પૂરી કરી દઉં!
* કુજા બુતખાના-ઓ-કાબા, કુજા ખુમખાન ઓ સાકી,
કહાં સે ‘શૌક’, શૌકે-દીદ લાયા હૈ કહાં મુઝકો?
ક્યાં મંદિર અને કાબા, ક્યાં મયખાનું અને સાકી. અરે ઓ ‘શૌક’, આ દર્શન માટેનો તરવરાટ તને ક્યાંથી ક્યાં લઈ ગયો, તે જોયું ને?
* કુછ બતાતે હી નહીં શહરે-ખમોશાં વાલે,
ક્યોં પસંદ ઉન કો યહ ઉજડા અહમ્ આબાદ પાયા.
આ કબ્રસ્તાનની રખેવાળી કરવાવાળા તો કશું જ બતાવતા નથી. એમણે આ વેરાન યમલોક કેમ પસંદ કર્યું હશે? (તેની પાછળ તેઓનો શો હેતુ હશે?)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.