‘હર ઘર ત્રિરંગા’ અભિયાન: વર્ષ ૧૯૦૭થી ૧૯૪૭ સુધીની તિરંગાની રસપ્રદ સફર

ઉત્સવ

પ્રાસંગિક

દેશઆખો આઝાદીનો અમૃત મહોત્સવ મનાવવા થનગની રહ્યો છે. કેન્દ્રની મોદી સરકારે ‘હર ઘર તિરંગા’નો નારો લગાવ્યો છે અને દેશભરમાં તિરંગાના રંગો જાણે ખુમાર અને જુવાળ લાવી રહ્યા છે.
નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત સહિત દેશભરમાં આગામી તા. ૧૩થી ૧૫ ઓગસ્ટ, ૨૦૨૨ દરમિયાન ‘હર ઘર ત્રિરંગા’ અભિયાન યોજાવાનું છે. તેેના ભાગરૂપે હજારો ભારતીયો દ્વારા પર્વતો, રણ અને દરિયાકિનારા પર ત્રિરંગો લહેરાવીને ભારત ત્રિરંગામય બનશે.
આ તિરંગાની સફર પણ અદ્ભુત અને રસપ્રદ છે. ગુજરાત માહિતી નિયામકની કચેરી ખાતેના ન્યુઝ એન્ડ મીડિયા રિલેશન શાખાનાં ધ્રુવી ત્રિવેદી અને જનક દેસાઈએ આ આખા પ્રવાસનું સંકલન કર્યું છે ત્યારે ચાલો આપણે પણ જાણીએ તિરંગાનું અથથી ઈતિ.
ધ્વજનો ઈતિહાસ
આઝાદી પહેલાંના સમયગાળાનું કડવું સત્ય એ છે કે ભારત પાસે ક્યારેય એવો રાષ્ટ્રધ્વજ નહોતો જે તેને એક રાષ્ટ્ર તરીકે રજૂ કરી શકે. નાયકો અને રાજવંશો, શાસકો અને યોદ્ધાઓના ધ્વજ હતા, પરંતુ ભારત દેશનો નહીં. બંગાળના વિભાજનની જાહેરાત કરવામાં આવી ત્યાં સુધી ભારતીયોને ધ્વજ રાખવાની જરૂરિયાત ખરેખર અનુભવાઈ નહોતી. તે દિવસને રાષ્ટ્રીય શોક દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. એક વર્ષ પછી, વિભાજન વિરોધી ચળવળની વર્ષગાંઠ પર એક ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.
બર્લિન સમિતિનો ધ્વજ
બર્લિન સમિતિનો ધ્વજ, સૌપ્રથમ વર્ષ ૧૯૦૭માં મેડમ ભિખાઈજી કામાએ ફરકાવ્યો હતો. જે ધ્વજને સચીન્દ્ર પ્રસાદ બોઝે ડિઝાઇન કર્યો હતો. વિભાજન રદ થયા પછી લોકો ધ્વજ વિશે ભૂલી ગયા હતા. જ્યારે જર્મનીના બર્લિનમાં બીજી ઈન્ટરનેશનલ સોશિયલિસ્ટ કોંગ્રેસમાં હાજરી આપનારાં સ્વાતંત્ર્યસેનાની મેડમ ભિખાઈજી રુસ્તમ કામાએ અંગ્રેજો સાથેની રાજકીય લડાઈ વિશે વક્તવ્ય આપ્યું હતું અને ‘વન્દે માતરમ્’ અંકિત કરેલો ધ્વજ વિદેશની ભૂમિ પર લહેરાવ્યો હતો.
વર્ષ ૧૯૧૭માં હોમરૂલ ચળવળ દરમિયાન ઉપયોગમાં લેવાયેલો ધ્વજ
વર્ષ ૧૯૧૭માં હોમરૂલ ચળવળ દરમિયાન આ ધ્વજ ઉપયોગમાં લેવાયો હતો. આ ધ્વજ હેમચંદ્ર દાસ દ્વારા બનાવવામાં આવ્યો હતો. જ્યારે ૧૯૧૭માં હોમરૂલ ચળવળ દરમિયાન સ્વાતંત્ર્યસેનાની બાળ ગંગાધર તિલક અને શ્રીમતી એની બેસન્ટ દ્વારા આ ધ્વજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી.
પિંગલી વેન્કૈયા દ્વારા ડિઝાઇન કરાયેલો ધ્વજ
ચરખાના પ્રતીકવાળો આ ધ્વજ બિનસત્તાવાર રીતે ૧૯૨૧માં અપનાવવામાં આવ્યો હતો. વર્ષ ૧૯૨૧માં ગાંધીજીએ રાષ્ટ્રધ્વજની ડિઝાઇન તૈયાર કરવાનું સૂચન કર્યું હતું. તેને અનુસરીને આંધ્ર પ્રદેશના ડિઝાઇનર પિંગલી વેન્કૈયા દ્વારા આ ધ્વજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી.
ચરખાના પ્રતીકવાળો ધ્વજ
ચરખાના પ્રતીકવાળો ધ્વજ વર્ષ ૧૯૩૧માં અપનાવવામાં આવ્યો હતો. આ ધ્વજ ભારતીય રાષ્ટ્રીય સેનાનું યુદ્ધચિહ્ન પણ હતું. ગાંધીજી પણ ધ્વજમાં ‘ચરખા’ રાખવાના વિચારથી આકર્ષાયા હતા, કારણ કે ચરખો આત્મનિર્ભરતા, પ્રગતિ અને સામાન્ય માણસનું પ્રતિનિધિત્વ કરે છે. તેને સ્વરાજ ધ્વજ, ગાંધી ધ્વજ અને ચરખા ધ્વજ પણ કહેવામાં આવતો હતો. જોકે ૧૯૩૧માં ધ્વજમાં ફેરફાર કરવા માટે કરાચીમાં સાત સભ્યોની ધ્વજ સમિતિની રચના કરવામાં આવી હતી.
આપણો રાષ્ટ્રધ્વજ – ત્રિરંગો
લાખો ભારતીયો માટે ગૌરવપૂર્ણ દિવસ આવ્યો જ્યારે લોર્ડ માઉન્ટબેટને ભારતને આઝાદી આપવાનો નિર્ણય જાહેર કર્યો. ભારતના તમામ પક્ષોને સ્વીકાર્ય હોય તેવા રાષ્ટ્રધ્વજની જરૂરિયાત સમજાઈ અને સ્વતંત્ર ભારત માટે ધ્વજની રચના કરવા ડો. રાજેન્દ્ર પ્રસાદની અધ્યક્ષતામાં એક એડ-હોક ધ્વજ સમિતિ બનાવવામાં આવી. ગાંધીજીની સહમતી લેવામાં આવી અને આંધ્ર પ્રદેશના વતની એવા પિંગલી વેન્કૈયા દ્વારા ડિઝાઇન કરાયેલા ધ્વજમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, જેમાં ચરખાને બદલે અશોકના સારનાથ સ્તંભ પરનું ૨૪ આરાવાળું ધર્મચક્રનું પ્રતીક મૂકવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ધ્વજમાં કોઈ પણ રંગોનું કોઈ સાંપ્રદાયિક મહત્ત્વ નહોતું. બંધારણ સભા દ્વારા વર્તમાન રાષ્ટ્રધ્વજ-ત્રિરંગાને ૨૨ જુલાઈ, ૧૯૪૭ના રોજ અપનાવવામાં આવ્યો હતો એટલું જ નહીં, ભારતભરમાં આજે પણ આ દિવસ એટલે કે ૨૨ જુલાઈને ‘રાષ્ટ્રધ્વજ સ્વીકાર દિવસ’ તરીકે માનભેર ઊજવવામાં આવે છે.
આ ઉપરાંત વિદેશમાં આઝાદ ભારતનો સત્તાવાર રીતે પ્રથમ રાષ્ટ્રધ્વજ – ત્રિરંગો ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ ઓસ્ટ્રેલિયાના કેનબેરામાં ભારતીયો દ્વારા સ્વતંત્રતાની ઉજવણીની ખુશીમાં ફરકાવવામાં આવ્યો હતો, જે સૌ ભારતીયો માટે ગૌરવપૂર્ણ ક્ષણ હતી. ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આપણે પણ પોતાના ઘર પર આપણા સ્વાભિમાન-ગર્વ સમાન ત્રિરંગાને ફરકાવીને અભિયાનમાં સહભાગી થઈએ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.