રાજકોટમાં હર ઘર તિરંગા યાત્રા: બે કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાઇ

આપણું ગુજરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજકોટ ખાતે યોજાયેલી બે કિલોમીટર લાંબી તિરંગા યાત્રામાં મુખ્ય પ્રધાન સામેલ થયા હતા અને નગરવાસીઓને આ યાત્રામાં જોડાવા દેશભક્તિસભર અનુરોધ કર્યો હતો. દેશની આઝાદીનાં ૭૫ વર્ષ પુરા થવા નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશભરમાં યોજાઇ રહેલા “હર ઘર તિરંગા અભિયાન હેઠળ યોજાયેલી તિરંગા યાત્રાને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતેથી સવારે નવ કલાકે ફલેગ ઓફ દ્વારા પ્રસ્થાન કરાવી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્રએ બહુમાળી ભવન સ્થિત સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત દેશપ્રેમી શહેરીજનોને સંબોધતાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આપણો દેશ અમૃતકાળમાં પ્રવેશી રહ્યો છે ત્યારે સૌ દેશવાસીઓ માટે તિરંગા યાત્રા એ દેશભક્તિનો અમૂલ્ય અવસર છે. આ અવસરે દેશના અને રાજયના પ્રત્યેક નાગરિકે ખભે-ખભો મિલાવીને દેશની પ્રગતિમાં સહભાગી થવા તેમણે ઉપસ્થિતોને પ્રેરક આહવાન કર્યું હતું. કોઇ પણ પ્રકારના ભેદભાવ વગર રાષ્ટ્રીય પર્વની ઉજવણી એ ભારતની ઐતિહાસિક ધરોહર છે, એમ સગૌરવ જણાવતાં મુખ્યપ્રધાન તિરંગા યાત્રામાં સામેલ થયેલા તમામ નાગરિકોને આવકાર્યા હતા. ગૃહરાજય પ્રધાન હર્ષ સંઘવીએ આ તિરંગા યાત્રામાં જોડાયેલ તમામ નાગરિકોને નશાબંધીના શપથ લેવડાવ્યા હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમજ મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. મુખ્યપ્રધાનનું રાષ્ટ્રીય ધ્વજની પ્રતિકૃતિ તથા ઔષધિય છોડથી સ્વાગત કરાયું હતું. મહાનુભાવોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ સ્વાગત પ્રવચનમાં આઝાદીકા અમૃત મહોત્સવની પૂર્વભૂમિકા સમજાવી હતી અને નગરજનોને આ યાત્રામાં સામેલ થવા બદલ આવકાર્યા હતા. જ્યારે મેયર પ્રદીપ ડવએ યાત્રાને રાજકોટ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે યોજાયેલી તિરંગા યાત્રામાં સહભાગી થયેલ તમામ શહેરીજનોનું અભિવાદન કર્યું હતું. તેમજ મંચસ્થ મહાનુભાવોનું ઔષધિય છોડ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધીજીના સંભારણા જ્યાં જોડાયેલા છે એવી રાષ્ટ્રીય શાળા ખાતે આ યાત્રા સંપન્ન થઇ હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.