રંગભૂમિ. આમ તો જીવન જ એક રંગભૂમિ છે અને આપણે બધા તેનાં પાત્રો. પણ કલાજગતમાં સૌથી શાશ્વત અને કઠિન જો કોઈ સ્વરૂપ હોય તો તે છે રંગભૂમિ. સાહિત્ય, ફિલ્મો, ટીવી અને ઓટીટીના જમાનામાં પણ પોતાનું મહત્વ જાળવી રાખનાર કલાના આ સ્વરૂપને ઉજવવાનો આજે દિવસ છે. વિશ્વભરમાં 27 માર્ચે થિયેટર ડેની ઉજવણી થાય છે. આ ઉજવણી અને નાટ્યજગતને ખાસ ઓળખ આપવામાં એક ગુજરાતીનો ખૂબ મોટો ફાળો છો, તેમનું નામ છે ચં.ચી. મહેતા. ચંદ્રવદન ચીમનલાલ મહેતા. ચાલો જાણીએ તેમના વિશે.
ચંદ્રવદન મહેતાનો જન્મ ૬ એપ્રિલ ૧૯૦૧ના રોજ દક્ષિણ ગુજરાતના સુરતમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ વડોદરામાં અને માધ્યમિક શિક્ષણ સુરતમાં પૂર્ણ કર્યા બાદ ૧૯૧૯માં તેઓ મૅટ્રિક થયા. ૧૯૨૪ માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. થયા. તેમણે બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. ૧૯૨૮માં તેઓ નવભારતના સંપાદક તરીકે જોડાયા હતા.
૧૯૩૩ થી ૧૯૩૬ સુધી તેઓ મુંબઈની ન્યૂ એરા હાઈસ્કૂલમાં શિક્ષક હતા. ૧૯૩૮માં તેઓ મુંબઈ તેમ જ ૧૯૫૪માં અમદાવાદ ‘આકાશવાણી’ના નિયામક તરીકે રહ્યા હતા. નિવૃત્તિ બાદ તેઓ વડોદરાની એમએસ યુનિવર્સિટી અને ગૂજરાત વિદ્યાપીઠના નાટ્યવિભાગ સાથે સંલગ્ન રહ્યા હતા. વિદેશના પ્રવાસે અનેક દેશોની નાટ્યશાળાઓના, સમકાલીન નાટ્યપ્રવૃત્તિના, લેખકો, દિગ્દર્શકો અને નાટ્યકલાના તેમ જ નાટ્યતંત્રના નિષ્ણાતોના પરિચયમાં હતા. તેઓ ૧૯૭૮માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હતા તેમજ ફૉર્બસ ગુજરાતી સભાના પણ પ્રમુખ રહ્યા હતા.
એમનું અવસાન ૪ મે, ૧૯૯૧ના દિવસે થયું હતું.
1901 માં ચં.ચી. મહેતાનો જન્મ થયો હતો અને એ જ વર્ષે ‘સુંદરી’ના નામથી જાણીતા જયશંકર ભોજકે નાટ્યક્ષેત્રે પ્રવેશ કરેલો હતો. ગુજરાતી રંગભૂમિને નવી ઓળખ આપનાર રંગમંચના આ બે એક્કાઓનો ફાળો અમૂલ્ય કહી શકાય. ચં.ચી. મહેતા કહેતા ગુજરાતના દરેક શહેરમાં એક થિયેટર હોવું જ જોઇએ. ગુજરાતના દરેક શહેરમાં થિયેટર હોવું જોઇએ એની સૌ પ્રથમ કોઇએ રજૂઆત કરી હોય તો એ ચં.ચી. મહેતા હતાં. 1960માં યુનેસ્કો અને યુનિસેફની મિટીંગમાં 145 દેશોએ ભાગ લીધો હતો, જેમાં ચં.ચી. મહેતાએ પણ હાજરી આપી હતી. વિશ્વમાં વિવિધ દિવસની ઉજવણીની જેમ વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણીની એમની વિનંતિને માન્ય રાખી 27 માર્ચને રંગભૂમિ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
તેમના જીવન પર રઘુવીર ચૌધરીએ ત્રીજો પુરુષ નામનું નાટક લખ્યું છે.
આજના વિશ્વ રંગમંચ દિવસે રંગભુમીના દરેક કલાકારને ખુબ ખુબ શુભેચ્છાઓ