ટ્રેનમાં ચર્ચા: વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપવાના કાર્યક્રમ દરમ્યાન વડા પ્રધાન મોદીએ શાળાના બાળકો સાથે વાતચીત કરી હતી. (પીટીઆઈ)
—————–
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મધ્ય રેલવેના સીએસટીએમનાં સત્તર અને અઢાર નંબરનાં પ્લેટફોર્મ પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી આપી હતી, જેમાં રેલવેના અમુક પ્રવાસીઓએ આધુનિક ટ્રેનને વધાવી હતી, જ્યારે એક સાથે બે ટ્રેનની અવરજવરને મુદ્દે અમુક સંગઠનોએ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સત્તર અને અઢાર નંબરનાં પ્લેટફોર્મ પરથી અનુક્રમે પોણાચાર અને ચાર વાગ્યે વડા પ્રધાને બંને ટ્રેનને લીલી ઝંડી આપી હતી, જેમાં આ બંને ટ્રેનમાં ઓપનિંગ ડે બુકિંગ ફુલ
નોંધાયું હતું.
ઇતિહાસમાં પહેલી વખત પુશ એન્ડ પુલ એન્જિનની મદદ વિના બંને ઘાટ સેકશનમાં સડસડાટ પસાર થઈ ગઈ હતી. આ અંગે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (મુંબઈથી શિરડી ૨૨૨૨૩) ના લોકો પાઇલટ આલોક ચક્રવર્તી અને અન્ય આસિસ્ટન્ટ પાઇલટ અને ગાર્ડની ટીમે કહ્યું હતું કે ઘાટ સેકશનમાં આ ટ્રેન (બેન્કર એન્જિન) વિના ચલાવવાનો અનુભવ ઉત્તમ રહ્યો છે, જે અગાઉ ભૂતકાળમાં આવું ક્યારેય બન્યું નથી. આ ટ્રેનમાં પાર્કિંગ બ્રેક સિસ્ટમ છે. દરેક કોચમાં મોટર સિસ્ટમ છે, તેનાથી ઘાટ સેકશનમાં વિના કોઈ એન્જિન કે સપોર્ટ વગર ટ્રેન ચઢાણ કરી શકે છે, એવું વધુમાં જણાવ્યું હતું. જોકે આ ટ્રેનને કારણે પંજાબ મેઈલ, સેવાગ્રામ એક્સપ્રેસ સહિત અન્ય ટ્રેનને રોકવાને કારણે પ્રવાસીઓએ વંદે ભારત એક્સપ્રેસ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.
મુંબઈથી શિરડી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં કલ્યાણની કે. સી. ગાંધી સ્કૂલના ચિત્રકલા સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થી વંદે ભારત ટ્રેનમાં ટ્રાવેલ કરવાની તક મળી હતી. આ ઉપરાંત દરેક હોલ્ટ સ્ટેશને બેન્ડ બાજા, ઢોલ, ફૂલ હારથી વધાવવામાં આવી હતી, જ્યારે કસારા સ્ટેશને તો સેંકડો બાળકોએ તિરંગાથી વધાવી હતી. જોકે મધ્ય રેલવેના મોટા ભાગના સ્ટેશને ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે લોકોએ સ્ટેશન અને લોકલ ટ્રેનમાંથી વંદે ભારત એક્સપ્રેસનાં ફોટો સેલ્ફી લઈને આનંદ વ્યક્ત કર્યો હતો.
આ બંને ટ્રેનની ટિકિટ ભાડું જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં મુંબઈથી શિર્ડી (નંબર ૨૨૨૨૩)નું ચેરકારનું ભાડું (કેટરિંગ સાથે) રૂ. ૯૭૫ અને મુંબઈથી સોલાપુર (નંબર ૨૨૨૨૫)નું ૧૩૦૦ રહેશે, જ્યારે એક્ઝિક્યુટિવ કોચમાં (કેટરિંગ ચાર્જ સાથે) મુંબઈથી શિર્ડીનું ભાડું રૂપિયા ૧૮૪૦ અને મુંબઈથી સોલાપુરનું ભાડું ૨૩૬૫ રહેશે, એમ મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.