એંસીના દાયકામાં બોલ્ડ સીન કરીને ચર્ચાસ્પદ બનેલી અભિનેત્રી મંદાકિનીને જન્મ દિવસે શુભેચ્છાઓ

ફિલ્મી ફંડા

બોલીવૂડમાં અભિનેત્રી મંદાકિનીની એન્ટ્રી જેટલી ઝડપથી થઇ એટલી ઝડપથી જ એ ફિલ્મી દુનિયાથી ગાયબ પણ થઇ ગઇ. પહેલી જ ફિલ્મમાં બોલ્ડ સીન આપીને ચર્ચામાં આવેલી મંદાકિનીના અંડરવર્લ્ડ ડૉન દાઉદ સાથેના સંબંધે તેની ઝળહળતી કારકિર્દી પર ગ્રહણ લગાવી દીધું. લોકો એને દાઉદની કથિત ગર્લફ્રેન્ડ સમજતા હતા. જોકે, અભિનેત્રીએ બધી અફવાઓનું ખંડન કરીને દાઉદ સાથેના પોતાના સંબંધો નકારી કાઢ્યા હતા.
1985માં આવેલી રાજ કપૂરની ફિલ્મ રામ તેરી ગંગા મેલીમાં અભિનેત્રી મંદાકિનીના બોલ્ડ સીન્સે હલચલ મચાવી દીધી હતી. ફિલ્મમાં તે પારદર્શક સફેદ સાડીમાં ઝરણામાં ઊભી રહીને ગીત ગાતી જોવા મળી હતી. આવા સીન એ સમયે ઘણા બોલ્ડ ગણાતા હતા. જોકે, મંદાકિનીઆ આ બધા સીન્સ એકદમ સહજતાથી કર્યા હતા.
જોકે, ફિલ્મ ક્રિટિક્સને એ વાત સમજમાં નહોતી આવી કે આટલા બધા બોલ્ડ સીન્સ પર સેન્સર બૉર્ડની કાતર કેમ નહીં ચાલી. લોકોએ માની લીધું કે દાઉદ સાથેના સંબંધોને લીધે તેની ફિલ્મને કોઇ પણ કટ વગર રજૂ કરવામાં આવી.
30 જુલાઇ, 1963માં મેરઠમાં એંગ્લો ઇન્ડિયન પરિવારમાં જન્મેલી યાસ્મીન ઉર્ફે મંદાકિનીની હિંદી, ઉર્દુ, અંગ્રેજી ભાષા પર સારી પકડ હતી. 1985માં રાજકપૂર એમના દીકરા રાજીવ કપૂરને લઇને એક ફિલ્મ બનાવી રહ્યા હતા અને એની સામે હિરોઇન તરીકે ડિમ્પલ કાપડિયા લગભગ નક્કી જ હતી, ત્યાં અચાનક તેમની સામે મંદાકિની આવી ગઇ અને તેમણે મંદાકિનીને લઇને ફિલ્મ બનાવવાનું નક્કી કરી લીધું. ફિલ્મ હીટ થઇ ગઇ અને પહાડી કન્યાના રોલમાં મંદાકિની પણ હીટ થઇ ગઇ. પણ એ સમયે એના એંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહીમ સાથેના સંબંધો અને એની સાથેના ફોટા ચર્ચામાં આવ્યા અને તેની કારકિર્દીને ગ્રહણ લાગી ગયું.
એમ કહેવાતું હતું કે દાઉદ મંદાકિનીનો દિવાનો થઇ ગયો હતો. તેની ફિલ્મો પર તેણે ધૂમ પૈસા લગાવ્યા. દાઉદનું નામ મંદાકિની સાથે જોડાવાથી તેની જિંદગી નરક બની ગઇ. મુંબઇ બૉમ્બ ધડાકાના આરોપી દાઉદની તપાસના છાંટા મંદાકિનીને પણ ઉડ્યા અને અચાનક તે ફિલ્મી દુનિયામાંથી ગાયબ થઇ ગઇ.
મંદાકિનીએ ડૉ. કગ્યૂર રિનપોચે સાથે લગ્ન કરી લીધા છે. તે મુંબઇમાં જ તેના પતિ અને પુત્ર, પુત્રી સાથે રહે છે અને તિબેટન હર્બલ સેન્ટર ચલાવે છે. હાલમાં મંદાકિનીએ ટીવીના પડદે કમબેક કર્યું છે. આજના તેના જન્મ દિવસે આપણે મંદાકિનીને શુભેચ્છા આપીએ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.