ફિલ્મોમાં એક પણ કિસિંગ સીન નહીં, ના તો બોલ્ડ સીન કે આઈટમ નંબર… આવી એકદમ સ્વચ્છ અને સુઘડ પરિવાર સાથે બેસીને જોઈ શકાય એવી ફિલ્મો બનાવનાર તેમ જ બોલીવુડને ભરપુર ‘પ્રેમ’ આપનાર દિગ્ગજ નિર્માતા-દિગ્દર્શક સૂરજ બડજાત્યાનો આજે જન્મદિવસ છે. સૂરજ બડજાત્યાનો જન્મ 22મી ફેબ્રુઆરી 1965ના રોજ મુંબઈમાં થયો હતો અને તેમણે બોલિવૂડમાં પોતાની કરિયરની શરૂઆત આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કરી હતી. તેમણે વર્ષ 1989માં ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’થી મુખ્ય નિર્દેશક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી એટલે આ ફિલ્મને લીડ ડિરેક્ટર તરીકેની તેમની ડેબ્યુ ફિલ્મ કહી શકાય. એટલું જ નહીં આ ફિલ્મ મુખ્ય અભિનેતા તરીકે બોલીવુડના ભાઇજાન સલમાન ખાનની પણ ડેબ્યુ ફિલ્મ હતી.
સૂરજ બડજાત્યાની ગણતરી બોલીવુડના અલગ અને ખાસ પ્રકારના ફિલ્મમેકર તરીકે થાય છે. સૂરજ બડજાત્યા પારિવારિક ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. તેમની મોટાભાગની ફિલ્મોની વાર્તા પારિવારિક અને લગ્ન જીવનની આસપાસ ફરતી હોય છે. સૂરજ બડજાત્યાએ ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ પછી ‘હમ આપકે હૈ કૌન’, ‘હમ સાથ સાથ હૈ’, ‘વિવાહ’ અને ‘પ્રેમ રતન ધન પાયો’ સહિત અનેક ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. 34 વર્ષના કરિયરમાં સૂરજ બડજાત્યાએ કુલ આઠ ફિલ્મોનું નિર્માણ અને નિર્દેશન કર્યું છે.
સલમાન ખાનને સ્ટાર બનાવવાનો શ્રેય પણ સૂરજ બડજાત્યાને જાય છે. અત્યાર સુધી સલમાન ખાને તેમની કરેલી તમામ ફિલ્મોમાં ખૂબ જ નેમ અને ફેમ મેળવ્યા છે. મજાની વાત તો એ છે કે કોઈ પણ પ્રકારના બોલ્ડ કે કિસીંગ વગરની ફિલ્મો હોવા છતાં તેમનો અનેક ફિલ્મોએ એવોર્ડ પણ મેળવ્યા છે.
ફિલ્મ ‘હમ આપકે હૈ કૌન’ માટે તેણે ફિલ્મફેરમાં બેસ્ટ ડાયરેક્ટર અને બેસ્ટ સ્ક્રીનપ્લેનો પુરસ્કાર જીત્યો છે. સૂરજ બડજાત્યાની છેલ્લી ફિલ્મ ‘ઉંચાઈ’ હતી. જે વર્ષ 2022માં રિલીઝ થઇ હતી. અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, બોમન ઈરાની, ડેની ડેન્ઝોંગપા, પરિણીતી ચોપરા, નીના ગુપ્તા અને સારિકા સહિતના ઘણા દિગ્ગજ કલાકારો મુખ્ય ભૂમિકામાં હતા… સો વન્સ અગેઈન અ વેરી વેરી હેપ્પી બર્થડે ટુ મોસ્ટ સંસ્કારી ડિરેક્ટર ઓફ બોલીવુડ….