હાલમાં ભારતનો નકશો જેટલો વિશાળ છે, તેને એકબંધ રાખવા દેશના જવાનોએ કેવી પરિસ્થિતિમાં અને કેટલી મર્યાદાઓ વચ્ચે વીરતા બતાવી છે, કુરબાની આપી છે તે જાણીએ ત્યારે સમજાય કે એક દેશની સુરક્ષા માટે કેટકેટલું લોહી રેડાતું હોય છે અને કેટલાં જવાનો શહિદ થતા હોય છે. આજે આવા જ એક જાંબાઝ જવાનનો જન્મદિવસ છે, જે દેશના પહેલા પરમવીર ચક્રવિજેતા પણ છે અને એ છે મેજર સોમનાથ શર્મા. તેમનો જન્મ 31 જાન્યુઆરી, 1923ના રોજ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના દાઢ નામના ગામમાં થયો હતો. પિતા પણ ભારતીય સેનામાં સેવા આપતા હતા. મેજર સોમનાથ શર્માએ 1947માં કાશ્મીર ખાતે મોરચો સંભાળ્યો હતો અને પાકિસ્તાની ઘુસણખોરોને શ્રીનગર પહોંચતા અટકાવ્યા હતા. આ ઓપરેશનમાં તેમના સહિત 20 જવાને શદીહી વોહરી હતી, પણ દુશ્મનોને તગેડી મૂક્યા હતા.
આ વાત છે નવેમ્બર, 1947ની. હજુ તો ભારત આઝાદ થયો તેને માંડ ચારેક મહિના થયા હતા. પાકિસ્તાની લશ્કર 700 જેટલા ઘુસણખોરો સાથે શ્રીનગર તરફ ધસી રહ્યું હતું અને તેમનો ઈરાદો શ્રીનગરના એરબેઝ પર કબ્જો કરવાનો હતો. મેજર સોમનાથ શર્મા ચોથી કુમાઉં રેજિમેન્ટના ડેલ્ટા કંપનીના અધિકારી હતા. જો એરબેઝ પર દુશ્મનો કબ્જો કરી લે તો પછી ભારતીય સેનાનું કાશ્મીર પહોંચવું જ મુશ્કેલ બની જાય, મેજર સોમનાથ શર્મા આ વાત સારી રીતે જાણતા હતા અને 50 જવાનોની મદદથી તેમણે 700 ઘુસણખોરોને છ કલાક સુધી રોકી રાખ્યા અને તેમાંથી 200ના તો ઢીમ ઢાળી નાખ્યા. આ સમયે મેજર શર્માના ડાબા હાથમાં પ્લાસ્ટર હતું. હોકી રમતા સમયે તેમને ફ્રેક્ચર થયું હતું, પણ દેશદાઝ એવી હતી કે તેમણે સામેથી કાશ્મીર જવાની અનુમતી માગી અને તેમને યુનીટના કમાંડો તરીકેની જવાબદારી સોંપવામાં આવી.
બીજી નવેમ્બરે માહિતી મળી કે પાકિસ્તાની દુશ્મનો એરફિલ્ડથી થોડે દુર બડગામ પહોંચી ગયા છે. મેજર શર્મા અને તેમની 50 જવાનોની કંપની બડગામ રવાના થઈ ગઈ. ત્રીજી નવેમ્બરે સવારે પહોંચતા જ તેમણે નાની નાની ટૂકડીઓ બનાવી પોઝિશન લઈ લીધી. બડગામમાં દુશ્મનોની જે હલચલ જોવા મળતી હતી તે ધ્યાન ભટકાવવા માટે છે, તે તરત જ સમજમાં આવતા તેમણે રણનીતિ ઘડી. તેમનો અંદાજ સાચો પડ્યો ને દુશ્મનોએ પશ્ચિમી દિશાથી હુમલો શરૂ કર્યો. મેજર શર્મા અને તેમના સાથીઓને ત્રણેય બાજુથી ઘેરી લેવામા આવ્યા અને તેમના પર મોર્ટાર, ગોલાબારૂદનો વરસાદ થયો. ભારતનો એક એક જવાન સાત સાત હુમલોખોરોને જવાબ આપી રહ્યો હતો. તેમણે ઉપરી અધિકારીને લશ્કરની બીજી ટૂકડી મોકલવાની વિનંતી કરી. પણ તે લશ્કરી ટૂકડી આવે ત્યાં સુધી આ પોઝિશન છોડી શકાય તેમ ન હતું. બાકી શ્રીનગર-કાશ્મીર ઘાટી ભારતથી વિખૂટા પડવાની પૂરી શક્યતા હતી. શર્માએ તમામ જવાનોને જુસ્સો વધારવાનું કામ તો કર્યું સાથે સાથે દુશ્મનો પર ગોળીઓ વરસાવી. તેમની ફોરવર્ડ પ્લાટૂન ખતમ થઈ ગઈ. તો તેમણે ઓટોમેટિક મશીન ગનવાળા જવાનોને મૈગેઝીન પહોંચાડવાનું શરૂ કર્યું.
આ દરમિયાન મેજર શર્માએ હેડક્વાર્ટર પર એક સંદેશો મોકલ્યો, જે તેમનો આખરી સંદેશો સાબિત થયો. તેમણે કહ્યું, દુશ્મનોની સરખામણીમાં અમારી સંખ્યા ઘણી ઓછી છે. તેઓ અમારાથી 45 મીટર જ દૂર છે. પણ અમે છેલ્લી ગોળી અને છેલ્લા શ્વાસ સુધી લડતા રહીશું. અહીંયાથી એક ઈંચ પણ હલશું નહીં… બસ આ વાત થઈ તેના થોડા સમયમાં જ મેજર શર્મા એક મોર્ટાર વિસ્ફોટમાં શહીદ થઈ ગયા. જોકે તેમનું બલિદાન એળે ન ગયું. તેમની કંપનીના જવાનો છેલ્લે સુધી મથ્યા. ત્યાં લશ્કરની બીજી ટૂકડી આવી ગઈ. તેમણે મોરચો સંભાળ્યો અને શ્રીનગર અને કાશ્મીર બચી ગયા. 21 જૂન, 1950ના રોજ તેમને દેશના પહેલા પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા. પાકિસ્તાનના નાપાક ઈરાદાને સૌથી પહેલા જેમણે નાકામ કરી નાખ્યો તેવા ભારતમાંતાના વીરસપૂત મેજર સોમનાથ શર્માને જન્મદિવસે સો સો સલામ