ભારતીય ફિલ્મ જગતને એકથી એક ચઢિયાતા ગીત-સંગીત આપનારા અલ્લાહરખા રહેમાન એટલે કે એ.આર. રહેમાનનો આજે જન્મદિવસ છે. જીવનના ૫૫ વર્ષ પૂરા કરનાર રહેમાને ખૂબ જ કપરા સંજોગોમાં બાળપણ વિતાવ્યુ, પરંતુ સંગિત પ્રત્યેના તેના પ્રેમ અને લગને આજે તેને વિશ્વભરમાં પ્રસિદ્ધિ અપાવી છે. છ નેશનલ એવોર્ડ, બે એકેડમી એવોર્ડ, ૧૫ ફિલ્મફેર સહિતના એવોર્ડથી સન્માનિત રહેમાનને પદ્મ શ્રી અને પદ્મ ભુષણ સન્માન પણ ભારત સરકાર દ્વારા મળ્યું છે. ખાસ કરીને તામીલ અને હિન્દી ફિલ્મોમાં તેમના હીટ સોંગ્સની લાંબી યાદી છે. તો તેમના ગાયેલા અને લખેલા ગીતો પણ એટલા જ લોકપ્રિય છે. ૧૯૬૭માં ચેન્નઈમાં હિન્દુ પરિવારમાં જન્મેલા રહેમાને ૨૩ વર્ષની ઉંમરે ઈસ્લામ ધર્મ અપનાવ્યો હતો.
૧૯૯૨માં તેની આવેલી ફિલ્મ રોઝા બાદ તેને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સહિત બોલીવૂડમાં પણ ખ્યાતિ મળી. દિલ હૈ છોટા સા, યે હસીં વાદીયા જેવા ગીતોએ લોકોનું મન મોહ્યું. તે બાદ બોમ્બે, રંગીલા, તક્ષક, જોધા અકબર, તાલ, દીલ સે, ગુરુ ,સાથિયા, રોકસ્ટાર, તમસા જેવી ફિલ્મોના ગીતો લોકોના જીભે ચડવા માંડ્યા. સાદગીમાં રહેતા અને ફિલ્મી દુનિયાની ચમકદમકથી દૂર રહેતા રહેમાને પોતાનું એક અલગ સ્થાન બનાવ્યું છે. તેનો મ્યુઝિક સ્ટૂડિયો એશિયાના શ્રેષ્ઠ સ્ટૂડિયોમાંનો એક માનવામા આવે છે.
૨૦૦૯મા આવેલી સ્લમડોગ મિલિયોનર ફિલ્મ માટે બેસ્ટ ઓરિજનલ સ્કોર કેટેગરીમાં અને આ જ ફિલ્મના તેમના ગીત જય હો…ને બેસ્ટ ઓરિજનલ સોંગની કેટેગરીમાં એકેડમી એવોર્ડ મળ્યો હતો. રહેમાન આ રીતે જ સૂરોની ગંગા વહેડાવતા રહે તેવી તેમને શુભકામના.