સુખ….

60

આજે આટલું જ -શોભિત દેસાઈ

સમજ્યા, ચંદુભાઇ
એને ટેવ નડી, ટેવ…
ખોતરવાની.

એને કાન ખોતરવાની ટેવ.
દાંત ખોતરવાની ટેવ
નાક ખોતરવાનું તો બંધાણ….
નખ નવી નવાઇના એને જ હોય જાણે.
બધું ખોતર ખોતર કર્યા જ કરે.
ઘડી ય જંપ નહીં.

ખોતર ખોતર કરવું કાંઇ સારું છે?
અરે, સાલો સાથળ ખોતરે, સાથળ.
કેમ જાણે એમાંથી ગગો નીકળવાનો હોય!

આપડને એમ,
છો ખોતરે
એની જાંધ ઇ ખોતરે એમાં આપડે શું?

પણ ચંદુભાઇ,
આ ખુસાલિયો કાંઇ ખોતરવે ચડ્યો, કાંઇ ખોતરવે ચડ્યો…
છેવટે ઇણે એનું મગજ ખોતર્યું
મોટમોટા ખાડા કર્યા ઇમાં.

ઘરઘરાઉ ખોતરણાં કરતો’ તો
ત્યાં સુધી તો જાણે ઠીક,
પણ પછી તો એનો હાથ
મૂળો વધે એમ મૂળમાંથી વધવા લાગ્યો.

આપડને ઇમ કે ઇનો હાથ છે તે વધે
એમાં આપડે શું?

પણ વધતો વધતો હાથ નીકળ્યો બહાર
કે’ છ સેરીમાં કોઇને દીઠો ન મેલે
માણહનાં હાડકાં ખોતરી નાખે,
ઊંઘ ખોતરી નાખે,
વિચાર
ઇનો હાથ કોલંબસ થઇ ગયો!

મૂળે ખુસાલિયાને ગોતવું’ તું સુખ.
જોવું’ તું નજરોનજર.
પછી પારકું હોય કે પોતાનું-પણ સુખ.

ઇ અડબાઉને એમ કે
ચોપડિયું’માં લખ્યું હોય ઇ બધું સાચું જ હોય.
સુખનાં ઝાડવાં ફિલમુંમાં ઊગે
સુખના ફુવારા કવિતામાં ઊડે
નવલકથાયું વાંચે એમાં હોય સુખના હિલ્લોળા
તે ખુસાલિયાને બસ એમ જ થઇ ગયું કે સુખ હોય.

દીકરો અહીંયા જ થાપ ખાઇ ગ્યો…

એને એમ કે
સોમવાર રવિવાર હોય એમ સુખ પણ હોય જ!
ટપુભાઇ ને તરવેણીબેનની જેમ
સુખે ય આપડે ત્યાં આવે…

અક્કલના ઇસ્કોતરાને કહેવું ય સું?

આપણે તો જાણીએ, ચંદુભાઇ કે
સસલાને સિંગડા હોય તો
માણસને સુખ હોય.

ઠીક છે, ડાહી ડાહી વાતું કરીએ
ચોપડિયું વાંચીએ
પણ ખુસાલિયા, સુખો માટે આવી ખોતરપટ્ટી?
જે નથી એને માટે આવો રઘવાટ?

અભણ હતો, સાલો,
જે વાંચવું જોઇએ ઇ વાંચ્યું નહીં.
નવલકથાયું નહીં, ઇતિહાસ.
પૂછજો એને, ઇતિહાસ વાંચ્યો છે એણે?
એમાં છે ચપટી ય સુખ મળ્યાનો ઉલ્ેલખ કોઇ પાને?

આપડા આ ખુસાલિયાના હાથ
જેને જેને અડે ઇ પદારથ દુ:ખ થઇ જાય-

એક દિવસ ખુસાલિયો
પોતાનાં સપનાંને અડ્યો’તો!
ત્યારથી છે આવી દિમાગને ચાટી જાતી બળતરાઉં!

પણ હાળો, મરસે !
સુખ
નથી આઠે ય બ્રહ્માંડમાં.

સુખ નામનો પદારથ જ નથી આ ભોં પર
આવી વાત ઇ જાણતો નથી
ઇ જ એનું સુખ !
આપડે સું, મરસે, હાળો
આપડને તો
એના વધ વધ થતા હાથની દયા આવે,
આવે કે નહીં, ચંદુભાઇ?

ગુજરાતી ભાષાના એકમાત્ર કવિવર સ્વ. રમેશ પારેખની ૮૩મી જન્મજયંતિ નિમિત્તે આજે આટલું જ…

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!