Homeવાદ પ્રતિવાદસુખ હોય કે દુ:ખ! બંને અવસ્થામાં રબનો બંદો પરેશાન કેમ?

સુખ હોય કે દુ:ખ! બંને અવસ્થામાં રબનો બંદો પરેશાન કેમ?

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

શ્રેષ્ઠતાનો આધાર કંઈ ધન દૌલત કે પુષ્કળ રોજી પર નથી. એ તો અલ્લાહતઆલા ચાહે તેને અપાર આપી દે છે અને પળવારમાં રંકને રાય બનાવી દે છે.
હઝરત આદમ અલૈયહિસલ્લામ પછી વર્ષો સુધી એક જ દીન કાયમ રહ્યા બાદ જેમ જેમ લોકો તેમાં ફેરફાર કરતા ગયા તેમ તેમ અલ્લાહતઆલાએ ફરમાંબરદારોને સવાબ (પૂણ્ય)ની ખુશખબર આપનાર અને નાફરમાનોને અઝાબથી ડરાવનાર પયગમ્બરો (સંદેશવાહકો)ને એક પછી એક કિતાબ આપીને (સમાજમાં પક્ષો પાડવા માટે નહીં, બલકે ગુમરાહ (માર્ગ ભટકેલા) પક્ષપાતીઓના પાડેલા પક્ષો તોડી) સૌને એક જ માર્ગે ચલાવવા મોકલ્યા.
‘હે મુસલમાનો! ઈસ્લામમાં સંપૂર્ણ દાખલ થઈ જાઓ અને સેતાનને પગલે ન ચાલો. બેશક, તે તમારો ખુલ્લો શત્રુ છે.’
‘તમે જે વસ્તુને પોતાના માટે લાભદાયી અથવા હાનિકર્તા સમજતા હો, તેનું તેજ પ્રમાણે હોવું જરૂરી નથી. કદી હાનિકારક સમજેલી વસ્તુ લાભદાયી નીકળે છે અને લાભદાયક સમજેલી વસ્તુ હાનિકર્તા સાબિત થાય છે.’
પવિત્ર કુરાનની ઉપરોક્ત આયત્ (વાક્ય)નો ભાવાર્થ ડગમગતા મોમીનોને રાહ બતાવનારો છે. ઉપરાંત ‘જે લોકોએ ઈમાન કબૂલ કર્યું અને પોતાના દરેક અમલ (કર્મ)માં જુલમની ભેળસેળ કરતા ન રહે તો તેવા જ લોકો માટે દિલની શાંતિ-શુકુન અને સંતોષ છે અને આવા લોકો જ સાચું માર્ગદર્શન પામેલા છે.’
આ આયત્ના અનુસંધાનમાં મોમિનોને દિલથી વિચારવાનું છે કે, સુકુન – સુખ – શાંતિ મેળવવામાં અસફળતા મળવાનું કારણ આપણે પોતે જ છીએ. આપણે દિવસભર કરતા કાર્યોમાં ભેળસેળ કરતા રહેતા હોઈએ છીએ. જે કાર્યોની મના કરવામાં આવી છે તેવા સાચાં-ખોટાં કાર્યોને જ જીવનનો એક હિસ્સો બનાવી લીધો છે. આપણા ખોટા અમલને કારણે જ જીવનમાંથી સુખ જતું રહી દુ:ખ, માંદગી, ચડતી-પડતી, આશા-નિરાશા, રાગદ્વૈષ, કામ-ક્રોધ, લોભ, મોહ-માયા જેવાં દુષણો ઘર કરી જઈ સુકુન – સંતોષ જતા રહ્યા છે. જીવનમાં અજંપા સિવાય કશું રહ્યું જ નથી. માયુસી (નિરાશા) રોજિંદી બની ગઈ છે.
જીવનમાં જે કંઈ સુખ પ્રાપ્ત થાય છે તેને દુ:ખમાં પરિણમતા વાર નથી લાગતી. એકનું સુખ બીજાનું દુ:ખ બની જાય છે. આજનો મોમીન વિરોધાભાસ વચ્ચે જીવી રહ્યો છે. બહાર કંઈ છે અને અંદર જુદું જ હોય છે. જેની પાસે સઘળું છે તે પણ દુ:ખી છે અને જેની પાસે કશું જ નથી એ પણ દુ:ખી છે. દરેક શખસ અનિશ્ર્ચિતતા અને ભયમાં જીવી રહ્યો છે. આ સ્થિતિમાંથી બહાર નીકળવા કયા માર્ગ અખત્યાર કરવા જોઈએ?
૧. શંકા વગરનું ઈમાન. આ બાબત વ્યક્તિમાં નીડરતા આણે છે. તે અલ્લાહ સિવાય કોઈનાથી ડરતો નથી. તેના ઈમાન લાવ્યા પછીના અમલમાં સચ્ચાઈ ડોકિયું કરતી રહેશે અને સત્યથી તે કદી પણ ચલિત નહીં થાય. કુરાને મજીદમાં ફરમાવવામાં આવ્યું છે કે ‘અય ઈમાન લાવનારાઓ, ડરો તો ફકત અલ્લાહથી અને સાચાઓની સાથે થઈ જાઓ.’
૨. દુ:ખનું બીજું કારણ અપેક્ષાઓ છે. આકાંક્ષા અને અપેક્ષા સુખને નજીક આવવા દેતા નથી જે કંઈ આપણી પાસે છે તેનાથી આપણે રાજી ન હોવાના કારણે દુ:ખને મનેકમને નોતરી બેસતા હોઈએ છીએ. અલ્લાહની રહેમત પર ભરોસો રાખવો જોઈએ. શ્રદ્ધા અને વિશ્ર્વાસ પ્રગટ થવો જોઈએ. ઈચ્છા ક્યારેય પૂર્ણ થશે નહીં, એ તો ખ્વાબ છે અને સપનું કદી સત્ય હોતું નથી. અપેક્ષાને બદલે જે છે તેમાં રાજી રહેવાથી સુખ મળે છે.
૩. પોતાના દોષો અને બીજાના ગુણોને છુપાવનાર સુખથી સદા વંચિત રહેતા હોય છે. દીની ફરજો અદા કરવા છતાં હષદ અને ઈર્ષાના કારણે બીજા ઉપર તહોમત મૂકતા રહેવાના અવગુણો ઘર કરતા હોઈ, જીવનમાં સદા દુ:ખી જ રહેવાનો વારો આવે છે.
૪. પોતાની અકલથી વિચારવાને બદલે બીજાની દૃષ્ટિથી જોવું નરી મૂર્ખતા હોઈને બેઅમલ આલીમ અને બાઅમલ જાહીલ સૌથી વધુ ખતરનાક હોય છે. સુખી થવાની આ પણ એક ચાવી છે. પોતાના ગુણોને અને બીજાના દોષોને પ્રગટ કરવાથી દૂર રહો. પારકી પંચાત અને પોતે કરે છે એજ સાચું છેની કુટેવથી દૂર રહેનારના જીવનમાં સુખ વ્પાયે છે.
૫. જીવનમાં હંમેશાં બેલેન્સ જાળવો. મિઝાન (ત્રાજવા)નો કાંટો સ્થિર રહે તેમ જીવનને સ્થિરતાથી ચલાવો. અતિશયોક્તિ કરી હદ ઓળંગનારના જીવનમાં દુ:ખ ટાઈમ બેટાઈમ દસ્તક (અવાજ) દેતું હોય છે. ચંચળ મનને ભટકવા ન દેતાં સ્થિર રાખવું અને મન જ્યારે સ્થિર થાય છે ત્યારે સુખ જ સુખ અનુભવાય છે.
૬. વાત્સલ્ય પ્રેમ આપ્યા વગર મળતું ન હોઈને, અમલમાં જુલ્મની ભેળસેળથી દૂર રહો. પ્રેમ, દયા, કરૂણા જીવમાત્રમાં વરસાવતા રહો. આ પ્રક્રિયા અંતરમનને સુખ આપે છે. રહેમના – પ્રેમના અમલથી હૃદયનો મેલ ધોવાઈ જતો હોઈ, જીવનમાં સરળતા જ રહેવા પામતી હોય છે.
૭. ધર્મનું અનુકરણ નહીં પણ અનુસરણ કરો. દરેક કાર્યમાં ધાર્મિક ભાવના ભળવી જરૂરી છે. બેસતા-ઊઠતા અથવા કોઈપણ પ્રકારની રોજિંદી ક્રિયામાં વિવેક, સંયમ, સત્કાર, સહકાર, આદરભાવના હોવા સાથે કોઈની અવહેલના ન થાય તેની તકેદારી રાખવામાં આવે તો આ તમામ બાબત ધર્મનો જ એક હિસ્સો બની જતી હોઈને પુણ્યના હકદાર બની રહો છો.
યાચના: દુ:ખ-દર્દ અને રંજો-ગમને ખુશીમાં પલટી નાખવા પયગંબર હઝરત મુહંમદ (સ.અ.વ.)મે સૂચવેલી આ દુઆ પઢતા રહો.
‘હે ખુદા! હું તારો બંદો છું. મારા માતાપિતા તારા બંદા છે. હું સમગ્ર રીતે તારા કબજામાં છું. તારો જ હુકમ મારી બાબતમાં જારી છે. મારી બાબતમાં તારો દરેક હુકમ સંપૂર્ણ ન્યાય પૂર્ણ છે. તારા તે નામનો તને વાસ્તો (હવાલો) આપું છું, જે નામથી તેં તારી જાતને ઓળખાવી અથવા પોતાની કિતાબ (કુરાને કરીમ)માં નાઝિલ ફરમાવ્યું અથવા પોતાની મખ્લુક (સર્જન)માંથી કોઈને શીખવ્યું અથવા ગયબના ખજાનામાં પોતાની પાસે જ છુપાવી રાખ્યું, તેવા નામથી તને દરખાસ્ત કરું છું (વિનવું છું) કે કુરાને અઝીમને મારા દિલની મારી આંખોનું નૂર, મારા ગમનો ઈલાજ અને મારી ચિંતાઓનો ઉકેલ બનાવી દે…’
બોધ: પયગંબર હઝરત લુકમાન અલૈયહિ સલ્લામે જિંદગીના છેલ્લા દિવસોમાં ઈલા અને બયતુલ મુકદ્સના વચ્ચે જ્યારે મુકામ (રોકાણ) કર્યો ત્યારે પોતાના દીકરાને વસીય્યત ફરમાવી જેમાંથી આ એક નસીહત આજના સમયની યુવા પેઢીને માર્ગ દાખવનારી બની રહેવા પામે છે:
હઝરત લુકમાન (અ.સ.) ફરમાવે છે કે, વ્હાલા ફરઝંદ! ઉસ્તાદ (ગુરુ – શિક્ષક)ને પિતાથી પણ વધુ પોતાના પર મહેરબાન સમજજો કે જેના કારણે તમે અલ્લાહ અને તેના રસૂલ હઝરત મુહંમદ (સ.અ.વ.)ને ઓળખવા લાગ્યા અને ઉસ્તાદે તમારા દિલમાં એ નેઅમતો (કૃપા)ઓને દાખલ કરી છે કે જે હઝરત જીબ્રઈલ અલૈયહિ સલ્લામે પયગંબર હઝરત મુહંમદ (સ.અ.વ.)ના હૃદયમાં દાખલ કરી હતી.’
આપણાં શાસ્ત્રોમાં પણ ગુરુને – શિક્ષણ પ્રદાન કરાવનારને સૌથી ઊંચો દરજજો એનાયત કર્યો છે, પરંતુ આપણી તાલીમમાં આજે ક્યાં ચૂક રહી જવા પામી છે કે નવી પેઢીનાં સંતાનો શિક્ષકને શરમ અનુભવવી પડે તેવાં કાર્યો કરે છે.
– કબીર સી. લાલાણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular