તરસ લાગે ત્યારે પાણી પીવાની મજા આવે અને ભૂખ હોય ત્યારે ભોજન સ્વાદિષ્ટ બની જાય
જિનદર્શન -મહેન્દ્ર પુનાતર
માણસ જ્યારે બીજાનું બૂરું કરે છે ત્યારે પોતાનું પણ બૂરું થઈ જતું હોય છે તેનો ખ્યાલ તેને રહેતો નથી. સ્વાર્થ, લોભ અને રોષમાં માણસ પોતાનું હિત જોઈ શકતો નથી. જે બીજાને મારવા ઈચ્છે છે તેને પણ અંતે મરવું પડે છે. જે બીજાને દુ:ખ પહોંચાડવા ઈચ્છે છે તેને દુ:ખનો પરિતાપ સહન કરવો પડે છે. આ અસ્તિત્વનો નિયમ છે. બીજા તરફ તકાયેલી દરેક વસ્તુ બમણા વેગથી આપણા તરફ પાછી આવે છે. જેવું કરીએ તેવું ભોગવવું પડે છે. કોઈને દુ:ખી કરીને માણસ સુખી થઈ શકે નહીં. કાવાદાવા, છળકપટ, ઈર્ષા, અદેખાઈ આપણને સુખેથી રહેવા દેતી નથી. આવા માણસો ભલે બહારથી સુખી દેખાતા હોય, પણ અંદરખાને દુ:ખી હોય છે. હાલના સમયમાં દરેક ઉપલો માણસ નીચેના માણસને એક યા બીજી રીતે દબાવી રહ્યો છે. તેનું શોષણ કરી રહ્યો છે. દરેકને પોતાના માટે સુખ જોઈએ છે, બીજાને માટે નહીં. કહેવાતા સુખની આ દોડમાં બીજાને મિટાવીને પણ જો સુખ મળતું હોય તો માણસ તેમ કરવા પણ તૈયાર છે. સ્વાર્થ, લોભ અને લાલચ માણસને ન કરવાનું કરાવે છે. લોભને કદી થોભ હોતો નથી. માણસ પોતાના કારણે દુ:ખી છે, પણ તે માને છે કે બીજાને કારણે દુ:ખી છે. મારા દુ:ખનું કારણ હું છું એવું સત્ય જો માણસને સમજાય તો જીવનમાં પરિવર્તન આવી જાય અને દુ:ખને દૂર કરવાનો માર્ગ પણ મળી જાય. જીવનમાં સુખ પણ છે અને દુ:ખ પણ છે. બંનેને આપણે હસતે મોઢે સ્વીકારવાનાં છે. આ જીવનચક્ર છે તેને રોકી શકાતું નથી. દુ:ખ આપણી પોતાની સર્જત છે, આપણાં કર્મોનું પરિણામ છે. દરેકનાં સુખ અને દુ:ખ જુદાં છે. એકનું સુખ બીજાનું દુ:ખ બની શકે છે. જીવનમાં દુ:ખ, મૂંઝવણ અને મુશ્કેલી ઊભી થાય ત્યારે તેની ચિંતામાં અડધા થવાની જરૂર નથી. પ્રથમ જે આવી પડ્યું છે તેનો સ્વીકાર કરવો અને પછી આ મુશ્કેલીને દૂર કરવાના પ્રયાસો કરવા. કેટલીક વખત સમસ્યા ન હોવા છતાં તેની ધારણા અને કલ્પનામાં માણસ દુ:ખનો અનુભવ કરે છે. જે માણસ હતાશ અને નિરાશ થાય છે તેને ઉકેલની ચાવી મળતી નથી. જીવનના બધા પ્રશ્ર્નો બુદ્ધિથી ઉકેલાતા નથી. એકલી લાગણી પણ આમાં કામ આવે નહીં. બુદ્ધિ, લાગણી, વ્યવહારદક્ષતા અને અનુભવ આ બધાં પાસાંઓનો સુમેળ હોય તો જીવનના જટિલ પ્રશ્ર્નોને સમજી શકાય છે અને સમાધાન થઈ શકે છે. અનુભવ જેવું કોઈ જ્ઞાન નથી. માણસ પોતાના અનુભવમાંથી જેટલું શીખે છે તેટલું બીજે ક્યાંય શીખવા મળતું નથી. જીવનનું ગણિત એટલું સરળ નથી. આપણે જ્યાં સરવાળા માંડ્યા હોય ત્યાં બાદબાકી અને જ્યાં ગુણાકાર માંડ્યા હોય ત્યાં ભાગાકાર થઈ જતાં વાર લાગતી નથી. દરેક બાબતમાં પ્રમાણભાન અને સંતુલન જાળવવું જોઈએ. કોઈ પણ બાબતમાં અતિરેક સારો નથી. જીવનમાં એક વાત હંમેશાં યાદ રાખવી જોઈએ કે બની શકે ત્યાં સુધી બીજાનું ભલું કરવું. સંજોગોવશાત કોઈનું સારું ન થઈ શકે તો કાંઈ નહીં, પણ કદી કોઈનું બૂરું કરવું નહીં. તુલસીદાસજીએ કહ્યું છે તેમ ‘તુલસી જગ મેં આય કે, કરી લીજે દો કામ, દેનેકા ટુકડા ભલા, લેને કો હરનામ.’ માણસ ગમે તે પરિસ્થિતિમાં હોય, પોતાની પાસે જે હોય તેમાંથી થોડું દીનદુ:ખીને આપી શકે છે.
એક વખત પ્રભુ પાસે એક ગરીબ ડોશીને હિસાબ દેવા માટે ઊભી કરવામાં આવી ત્યારે ડોસીએ કહ્યું, ‘ભગવાન, તેં મને શું આપી દીધું હતું કે હું પરમાર્થ કરું. મને તો ઘણુંય થતું હતું કે ધર્મશાળાઓ બંધાવું, સદાવ્રતો ખોલાવું, પરબો બેસાડું, પણ તેં મને પૈસા ક્યાં આપ્યા હતા? પૈસા વિના શું થઈ શકે?’
પ્રભુએ કહ્યું, ‘ભલે તારી પાસે પૈસા નહોતા, પણ એક ઘંટી તો હતીને? તારી આસપાસના બીજા લોકો પાસે ઘંટી પણ નહોતી. તે કોઈને તારી ઘંટીથી દળવા દીધું? ઘંટી ઘસાઈ જાય, બગડી જાય તે માટે જુદાં જુદાં બહાનાં કાઢીને તેં લોકોને કાઢી મૂક્યા હતા. બીજાનું ભલું કરવાની, બીજાને મદદરૂપ થવાની તારી પાસે તક હતી, પણ તેં ગુમાવી દીધી. પ્રભુએ જે કાંઈ આપ્યું છે તેનો સદુપયોગ કરવો અને બીજાના માટે સહાયરૂપ બનવું એ જ સાચો ધર્મ છે.
ધર્મ આપણને સુખ-દુ:ખ, સારું-નરસું, શુભ-અશુભના દ્વંદ્વોમાંથી બહાર નીકળી જવાનો બોધ આપે છે. આ બધું એકબીજા સાથે સંકળાયેલું છે. કોઈ એકની પસંદગી કરીએ ત્યારે બીજાનો સામનો કરવો પડે છે. હકીકતમાં આનું નામ જ જિંદગી છે. આમાં ખટાશ અને મીઠાશ બંને છે. ખટાશ મીઠાશનું પ્રથમ ચરણ છે. એમ દુ:ખ પણ સુખનું પ્રથમ ચરણ છે.
જીવનના સંબંધમાં એક વાત સમજી લેવી જોઈએ કે એકલું સુખ જીવનમાં શક્ય નથી અને તેની મજા પણ નથી. તરસ ન લાગી હોય ત્યારે પાણી પીવાની મજા નહીં આવે. ભૂખ લાગી હશે તો ગમે તેવું ભોજન મીઠું બની જશે. જિંદગીમાં જે કંઈ સપ્રમાણ મળે છે તેનો આનંદ અનોખો છે. સુખ જલદીથી સમાપ્ત થઈ જાય છે અને દુ:ખનો ગાળો આપણને લાંબો
લાગે છે.
આ આપણા મનનું પરિણામ છે. સુખને ગળે લગાવીએ છીએ એટલે તે છટકી જાય છે અને દુ:ખને હડસેલીએ છીએ એટલે તે ચીટકીને બેસી જાય છે. બંનેથી થોડું છેટું રાખીએ તો આ બંનેમાંથી કોઈનો પણ પરિતાપ સહન કરવો પડે નહીં.
સુખનો સમય આવે ત્યારે આપણે તેને અડીને ઊભા રહી જઈશું તો મુશ્કેલી ઊભી થશે, પણ થોડું અંતર રાખ્યું હશે તો લગાવો ઓછો રહેશે અને કદાચ તે ચાલ્યું જશે તો પણ તેનો કશો રંજ રહેશે નહીં. સુખ અને દુ:ખમાં મધ્યમાં રહેવું. બંનેને સમાન ભાવે જોવાં. જો આપણે દુ:ખ આવે ત્યારે તેનાથી દૂર થવાની કોશિશ કરીશું તો તેમાં સફળતા નહીં મળે, કારણ કે છેટા ઊભા રહેવાની શરૂઆત સુખથી કરવી પડશે. આ એક ત્રાજવું છે. જે પલ્લામાં વજન વધી જાય તેમાંથી થોડું ઓછું કરીને બીજા પલ્લામાં નાખવું પડશે. દુ:ખની જેમ સુખ પણ થકવી નાખે છે. સુખમાં પણ સતત રહી શકાતું નથી. સુખ અને દુ:ખ બંનેમાં તણાવ છે. બંનેમાં ઉત્તેજના છે. અચાનક જો આવી પડે તો આઘાત લાગે છે, આફત સર્જાય છે.
એક માણસને ૩૦ લાખ રૂપિયાની લોટરી લાગી. પત્નીને આ અંગે ખબર મળી. તે ગભરાઈ ગઈ, કારણ કે તે પોતાના પતિને જાણતી હતી કે તેને ખબર પડે કે એક લાખ રૂપિયા મળ્યા છે તો પણ તેને આઘાત લાગી જાય. આ તો ૩૦ લાખ રૂપિયાની વાત હતી. તે મૂંઝવણમાં મુકાઈ ગઈ કે પતિને આ સારા સમાચાર કેવી રીતે આપવા.
પત્ની દોડતી મંદિરના એક સાધુ પાસે ગઈ. તે આ સાધુને જ્ઞાની સમજતી હતી. તેણે કહ્યું, ‘મહારાજ મને આમાં કાંઈક મદદ કરો. મારો પતિ ઘેર આવે તે પહેલાં કાંઈક તરકીબ કરો જેથી તેને આ સાંભળતાં આઘાત લાગે નહીં.’
સાધુએ કહ્યું, ‘ગભરાવાની કોઈ જરૂર નથી. આપણે યોગ્ય રીતે તેને સમજાવી લઈશું. ક્રમે ક્રમે તેને જાણ કરીને તેના મનને ધરપત આપી દઈશું. આવવા દે તારા પતિને, હું તારા ઘરે પહોંચું છું.’
પતિ ઘેર આવ્યો. સાધુએ વિચાર્યું કે રૂપિયા ૩૦ લાખ વધારે લાગશે, તેથી રૂપિયા ૧૦ લાખથી શરૂઆત કરવી અને પછી ધીરે ધીરે રકમ વધારતા જઈશું અને છેલ્લે કહીશું કે તને રૂપિયા ૩૦ લાખની લોટરી લાગી છે.
સાધુએ તેના પતિને કહ્યું, ‘સાંભળ તને ૧૦ લાખ રૂપિયા લોટરીમાં મળ્યા છે.’ તે માણસ બોલ્યો, ‘ખરેખર તમે જે વાત કરો છો તે સાચી છે? તો સાંભળો મને જો દસ લાખ રૂપિયાની લોટરી લાગી હોય તો ભગવાનના સોગન એમાંથી પાંચ લાખ રૂપિયા તમને દક્ષિણામાં આપું છું. આ મારું વચન છે.’
રૂપિયા પાંચ લાખ આમ એકાએક મળી જશે એવું તો તેણે કદી ધાર્યું નહોતું. એવી કલ્પના પણ તેણે કદી કરી નહોતી. આ સાંભળીને સાધુને હાર્ટફેઈલ થઈ ગયું અને તે ઢળી પડ્યો. દુ:ખ તો માણસને મારે જ છે, પણ કેટલીક વખત સુખ પણ કચડી નાખે છે. બંનેમાં ઉત્તેજના છે. જ્યાં ઉત્તેજના હોય ત્યાં વસ્તુ તૂટી જાય છે. સુખ અને દુ:ખમાં સમભાવ રાખીએ અને જે મળે તેનો સ્વીકાર કરીએ અને આપણા થકી કોઈનું પણ ખરાબ ન થાય તેનો ખ્યાલ રાખીએ તો જીવનમાં કશી ફરિયાદ રહેશે નહીં. જીવન તો સુખનો સાગર છે, પણ કેવી રીતે જીવવું તે આપણા હાથની વાત છે અને માત્ર એટલું યાદ રાખીએ…
‘કરીએ કોઈનું સારું એ જ ધર્મનું કર્મ,
બીજા કલ્પિત ધર્મ છે મનમાં સમજો મર્મ.’