Homeવીકએન્ડ‘હમને હમારે પ્યાર કા ઇઝહાર યૂં કિયા, ફૂલો સે તેરા નામ પથ્થરો...

‘હમને હમારે પ્યાર કા ઇઝહાર યૂં કિયા, ફૂલો સે તેરા નામ પથ્થરો પે લીખ દિયા’

નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી

તમામ કિશોરોને ખીલ ઊગવાની સાથે સાથે નવી સમસ્યાનો સામનો કરવો પડે છે. કુદરતની રચના અને ફૂંફાડા મારતા હોર્મોન્સ એમને જાણે અજાણે વિજાતીય આકર્ષણ તરફ દોરી જતાં હોય છે. આ ઉંમરે લોહીમાં હણહણતા અશ્ર્વો એમને ન કરવા ધારેલાં કામો કરાવે છે. જે દુનિયાને માસૂમિયતથી જોઈ હોય એમાં એને હરેક જગ્યાએ મેટિંગ પાર્ટનર દેખાવા લાગે છે જેને તેઓ ટીવી અને ફિલ્મના પ્રભાવમાં પ્રેમિકા માનવા માંડે છે. પછી શરૂ થાય છે પ્રપોઝ કરવાની કવાયત, દિલના દર્દને સામેના પાત્રને બયાં કરીને તેને રાજી કરવાની. પછી એ હૈયું થનગનાટ કરતું હાલે દિલ બયાં કરવાના અવનવા તરીકા શોધવા લાગે. એમાંથી જન્મે છે પ્રપોઝ કરવાના અવનવા ઉપાયો જેમાં પ્રિયપાત્રનો અવનવા બહાને આમનો સામનો, મીઠા મધુરા સ્માઈલ્સ, પ્રિયપાત્રના અવરજવરના રસ્તાઓ પર હાજર રહેવું, ચિઠ્ઠીઓ દ્વારા પોતાના ઉજાગરા, ઉના ઉના નિસાસાનું કારણ કોણ છે એ જતાવાય છે. આધુનિક જમાનામાં રોઝ-ડે, વેલેન્ટાઈન ડે જેવી પાશ્ર્ચાત્ય ઉજવણીઓએ ઘણી સરળતાઓ કરી આપી છે. પણ આવા ઉભરાના ઈઝહાર અનેકાધિકા પરિણામોના કારણ બનતા હોય છે, ક્યારેક સૂઝેલા ગાલ, તો ક્યારેક ઢોરમાર . . . તો ક્યારેક ઉગામેલા ચપ્પલના ડરથી નવો સવો ક્રશ ક્રશ થઈ જતો હોય છે ! પશ્ર્ચિમના દેશોમાં ઉમરલાયક દીકરા દીકરીઓ જો ડેટ્સ પર ન જાય તો માબાપ ચિંતા કરે કે ‘ઈઝ ધેર સમાથીંગ રોંગ વિથ માય ચાઇલ્ડ ?’
માનવમાં જોવા મળતો આ ઘટનાક્રમ પ્રાણીજગતમાં પણ પ્રવર્તે છે. સિંહ જેવું પ્રાણી પોતાની શક્તિ દેખાડીને સિંહણોને પ્રપોઝ કરે છે, અમુક જાતના પંખીના નર પોતે કેવો સુંદર માળો બનાવી શકે છે તે દર્શાવીને માદાને આકર્ષે છે, તો કોઈ પંખી પોતાના રંગોનું પ્રદર્શન કરીને ઉમેદવારી દર્શાવે છે. અમુક પંખીઓ સુંદર મજાનાં નખરા કરીને માદાને રીઝવવાના પ્રાયસ કરે છે જેનું સ્થાનિક ઉદાહરણ મોર છે. મૂળે તો સર્વે પ્રાણી પંખીઓ જીનેટીક સ્ટ્રક્ચરમાં પડેલી સહજ સમજ મુજબ પોતાની હોર્મોનલ જરૂરિયાતોને પૂર્ણ કરવા પ્રયત્ન કરતાં હોય છે, પરંતુ ઉપર જણાવ્યું એમ માણસ કરતાં વિપરીત પ્રાણીઓની પ્રપોઝલમાં ઉપયોગિતાનું ધોરણ વધુ જોવા મળે છે. યુરોપનું એક પક્ષી છે જે માદાને આકર્ષવા માળો બનાવે, પછી આસપાસની માનવ વસાહતમાંથી છલકાતી જે પણ વસ્તુઓ દેખાય એ ચોરી લાવે અને એનાથી માળો સજાવે. પછી મધુર ગાન કરી અને કૂદાકૂદવાળી ઉડાનથી માદાને માળા સુધી ખેંચી લાવે. માદા ચારે તરફથી તેનું નિરીક્ષણ કરે અને જો એ મોહી પડે તો આપણા યુરોપિયન પંખીભાઈની બાત અને જિંદગી બની જાય !
પરંતુ આજે આપણે વાત કરવી છે પેંગ્વિન નામના ઊડી ન શકયતા પક્ષીની. પેંગ્વિન નામ સાંભળતા જ આપણને સૌને નાના બાળકની જેમ ચાલતું કાળો કોટ પહેર્યો હોય એવું બર્ફાચ્છાદિત વિસ્તારમાં ડગુમગુ થતાં પેંગ્વિનના ટોળાં યાદ આવી જાય. આ પક્ષીની આશરે ૧૭ થી ૧૯ જેટલી વિવિધ જાતિઓ છે. મોટા ભાગની જાતિઓ માઈનસ ડિગ્રી વાતાવરણમાં રહે છે જ્યારે આફ્રિકન બીગ ફૂટેડ નામની પેંગ્વિનની જાતિ સાઉથ આફ્રિકા અને નમિબીયાના ભયંકર ગરમીવાળા પ્રદેશમાં પણ જોવા મળે છે. એ સિવાય આજે મને હોલીવૂડની એક ‘હેપ્પી ફીટ’ નામની એનિમેશન ફિલ્મ પણ યાદ આવી ગઇ. આ ફિલ્મનો યુવા પેંગ્વિન હીરો નાચવાનું ‘અપલખણ’ ધરાવે છે. તેને પેંગ્વિન સમાજ પાગલ કરાર કરી દે છે, પરંતુ આપણો હીરો હિંમત હાર્યા વગર પોતાના આ શોખને બરકરાર રાખે છે અને ધીમે ધીમે બીજા યુવા પેંગ્વિન પણ તેની સાથે જોડાય છે અને અંતે સમગ્ર પેંગ્વિન પર આવી પડેલા ખતરાને આપણો નાયક માત્ર નાચવાની કલાથી બચાવી લે છે.
આજે એ જાણીશું કે વિશ્ર્વની ઓગણીસ જેટલી જાતોમાંની અડેલી પેંગ્વિન નામની જાતિને જ્યારે ખીલ થાય અને હોર્મોન્સના ઘોડા હણહણે ત્યારે એ કેવા કેવા કારસા કરે છે. એન્ટાર્કટિક ખંડના સમગ્ર દરિયાકાંઠે વસતી આ અડેલી જાતિના પેંગ્વિન જ્યારે જીવનસાથીની શોધ શરૂ કરે ત્યારે કઈંક અનોખા અંદાજમાં પ્રપોઝ કરે છે. તેઓનો વસવાટ છે એ ભૂમિ ઉજજડ અને માઇનસ ટેમ્પરેચરમાં થીજી ગયેલી જમીન હોય છે, તેથી તેઓ પોતાના ઈંડાં મૂકવા માટે નાના નાના પથ્થરોનો બનેલો માળો બનાવે છે જેથી ભયાનક ઠંડીમાં ઈંડા સેવવાનું ઘણું સહેલું બની જાય. સમયની થપાટો ખાઈ ખાઈને અનુભવોમાંથી જ્ઞાન મેળવતા આ પેંગ્વિનોએ એક સમજ કેળવી લીધી છે અને તેઓ પથ્થરનું મૂલ્ય કરતાં થયા છે. પેંગ્વિનનો અભ્યાસ કરતાં જીવવિજ્ઞાનીઓ કહે છે કે અડેલી પેંગ્વિન માટે ઉજજડ ધરતી પર દરિયાકાંઠે તણાઇ આવેલા પથ્થરાઓ હીરા કરતાં પણ મૂલ્યવાન છે. તેથી તેઓ આવા પથ્થરાઓનો સંગ્રહ કરીને તેનું બીજા પેંગ્વિન સામે રક્ષણ પણ કરે છે અને ઘણી વાર કોઈ જબઔ પેંગ્વિન બીજા પેંગ્વિનના પથ્થરા ચોરવા પ્રયાસ કરે તો ભયાનક યુદ્ધ પણ છેડાઈ જતાં હોય છે.
પોતાની પ્રિયતમાને રીઝવવાના અન્ય પક્ષીઓના તરીકાઓમાં અડેલી પેંગ્વિનને એક નવી રીત સ્થાપિત કરી છે. કોઈ લગ્નોત્સુક પેંગ્વિન જ્યારે કોઈ માદાને રીઝવાના પ્રયાસોમાં પાછો પડે ત્યારે તે અંતિમ દાવ તરીકે પોતાના પથ્થરોના ખજાનામાંથી એક પથ્થર માદા પેંગ્વિનને સપ્રેમ અર્પણ કરે છે અને યાહૂહૂ… એનું ઘર મંડાઈ જાય છે. અને બન્ને ભાવિ બચ્ચાઓનાં સપનાં જોતાં જોતાં નર પેંગ્વિનના પથ્થરોમાંથી એક સુંદર આશિયાના બનાવવાની શરૂઆત કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular