સ્ત્રીના હક પર હથોડો

લાડકી

સુરક્ષિત અને કાયદેસર ગર્ભપાતનો અધિકાર પ્રત્યેક મહિલાને મળવો જ જોઈએ. જોકે તાજેતરમાં યુએસએમાં ઘડાયેલો નવો કાયદો મહિલાની મુશ્કેલી વધારનારો સાબિત થઈ શકે છે

ફોકસ -હેમાલી મહેતા

એવું કહેવાય છે કે દુનિયાનું સર્જન કર્યા પછી એના સંચાલન માટે નિ:સ્વાર્થ માતાનું સર્જન કરી ભગવાન નિશ્ર્ચિતં થઈ ગયા. માતૃત્વ એ સ્ત્રીના જીવનનું અમૂલ્ય આભૂષણ છે. અલબત્ત, સ્ત્રીના જીવનમાં એવી વિકટ પળ આવે છે જ્યારે તેણે ગર્ભપાત જેવો હૃદયને પીડા આપતો નિર્ણય લેવો પડે છે. જોકે વંશવેલો આગળ વધે એ માટે પુત્રજન્મના દુરાગ્રહના ઓઠા હેઠળ મહિલાની ઈચ્છા વિરુદ્ધ કરવામાં આવતો ગર્ભપાત એ માનવ જીવનનું કલંક છે. એકવીસમી સદીમાં પુત્રજન્મની ઘેલછામાં ઓટ આવી છે એ હકીકત હોવા છતાં પ્રગતિશીલ રાષ્ટ્રની છાપ ધરાવતા યુએસએમાં અમલમાં આવી રહેલો નવો કાયદો સ્ત્રીના હક પર તરાપ મારવાનો પ્રયાસ હોઈ આ કાયદો ઘડિયાળના કાંટા ઊંધા ફેરવશે એવી દલીલ કરવામાં આવી રહી છે. વાતને સમજવા ઈતિહાસમાં થોડું ડોકિયું કરવું જરૂરી છે.
૧૯૭૦ના દાયકા પહેલાં ગર્ભપાત અંગે અમેરિકામાં કાનૂની અડચણ હતી. એ સમયે જ્યોર્જિયા લો તરીકે ઓળખાતો કાયદો અસ્તિત્વમાં હતો. આ કાયદા અનુસાર બળાત્કાર, ભ્રૂણની વિકટ સમસ્યા અથવા ગર્ભવતી સ્ત્રીને થયેલી ગંભીર-ઘાતક ઈજા જેવા કેસમાં જ એબોર્શન (ગર્ભપાત)ની મંજૂરી આપવામાં આવતી હતી. આ સિવાય પણ કેટલાક પ્રતિબંધ હતા. યુએસએનાં કુલ ૫૦ રાજ્યમાંથી ૩૦ રાજ્યમાં ગર્ભપાત પર સંપૂર્ણ પ્રતિબંધ હતો. કોઈ અપવાદ નહીં. બાકીનાં ૨૦ રાજ્યમાંથી ૧૬માં વિશિષ્ટ પરિસ્થિતિમાં (જેમ કે બળાત્કાર, માતાના આરોગ્ય સામે જોખમ વગેરે) ગર્ભપાતની મંજૂરી આપવામાં આવતી હતી, ત્રણ રાજ્યમાં વિધિસર ગર્ભપાત શક્ય હતો, જ્યારે ન્યુ યોર્કમાં છૂટ હતી. જોકે ૧૯૭૩ના જાન્યુઆરી મહિનામાં અમેરિકાની સુપ્રીમ કોર્ટે આ બધા કાયદા રદ કર્યા હતા અને ગર્ભપાત માટે નવી માર્ગદર્શિકા તૈયાર કરી હતી. અલબત્ત, ૧૨ અઠવાડિયાંના સમય પછી ગર્ભપાત પર પ્રતિબંધ મૂકવા વિશે નિયમ બનાવવા રાજ્યોને છૂટ આપવામાં આવી હતી. આમ કેટલાક નિયમોનું પાલન જરૂરી હતું, પણ ‘ગર્ભપાત એટલે જીવની હત્યા’ જેવી કટ્ટર વિચારસરણી સામે આ છૂટછાટ મોટો પડકાર બની ગઈ.
અમેરિકાની ઓળખ એક પ્રગતિશીલ વિચારધારા ધરાવતા દેશની છે. માનવહક્ક માટેની લડત અને ખાસ કરીને સ્ત્રી-પુરુષ સમાનતાને પ્રાધાન્ય આપવું વગેરે બાબત આ દેશની લાક્ષણિકતા રહી છે. અહીંના નાગરિકોએ કરેલા અનેક સંઘર્ષને કારણે અહીંનું સામાજિક જીવન અલગ ઓળખ ધરાવે છે. જોકે તાજેતરમાં લેવાયેલો નિર્ણય અમેરિકાની આ ઈમેજને બટ્ટો લગાડનારો છે એવી પ્રતિક્રિયા ચોમેર ઊઠી છે અને અમેરિકા સહિત અનેક દેશના લોકો ચોંકી ગયા છે. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે આ નિર્ણયને કારણે ગર્ભપાતના મહિલાના મૂળભૂત આરોગ્ય હક પર જ હથોડો લાગ્યો છે. આ નિર્ણયને પગલે અમેરિકન મહિલા પચાસ વર્ષ પહેલાંના સમયમાં ધકેલાઈ જશે એવી તીવ્ર પ્રતિક્રિયાનો પડઘો સાંભળવા મળે છે. અલબત્ત, એક વાત અમુક અંશે રાહત આપનારી એ છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા દરેક રાજ્યને પોતપોતાના સ્વતંત્ર નિયમો બનાવવાની છૂટ આપવામાં આવી છે. જાણવાની અને જાણીને નોંધવાની વાત એ છે કે ૧૩ રાજ્યમાં તો અગાઉ જ આ કાયદાને મંજૂરી મળી ગઈ છે અને હવે એ કાયદાની અમલ બજવણી શરૂ થશે. એક ખાસ નોંધવાની વાત એ છે કે ગર્ભપાતને કાયદેસર માન્યતા આપવી જોઈએ એવો અભિપ્રાય દેશની ૬૧ ટકા જનતાએ વ્યક્ત કર્યો હોવાનું સર્વેક્ષણમાં જાણવા મળ્યું હોવા છતાં આ નિર્ણય સમગ્ર દેશ પર લાદવામાં આવ્યો છે. ૩૫ કરોડ મહિલા ગર્ભપાતના અધિકારથી વંચિત રહેશે એવું તારણ છે.
પ્રગતિશીલ વિચારસરણી ધરાવતા અમેરિકા જેવા દેશમાં આવું કેમ બન્યું એનું આશ્ર્ચર્ય થવું સ્વાભાવિક છે. અલબત્ત, રાજકીય-સામાજિક પરિસ્થિતિના અભ્યાસુઓ યુએસના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનલ્ડ ટ્રમ્પની કારકિર્દીને એના માટે જવાબદાર ગણે છે. ટ્રમ્પની કારકિર્દી દરમિયાન દેશની સર્વોચ્ચ અદાલતમાં રૂઢિવાદી વિચારસરણી ધરાવતા જજની નિમણૂક કરવામાં આવી હતી. એની અસર હવે વર્તાઈ રહી છે એવું તારણ રજૂ કરવામાં આવ્યું છે. ધાર્મિક કટ્ટરપંથીઓના હાથમાં સત્તા આવે ત્યારે એની કિંમત મહિલાઓએ ચૂકવવી પડે એ કડવું સત્ય અમેરિકામાં ઊડીને આંખે વળગી રહ્યું છે. આ તો હજી શરૂઆત છે. હવે પછી સમલિંગી વિવાહ, ગર્ભનિરોધકનો વપરાશ વગેરે બાબતો વિશે સુધ્ધાં ફેરવિચાર કરવાની સૂચના સંબંધિત ન્યાયાધીશો દ્વારા આપવામાં આવી છે. હવે જો પોતાને બિગ બ્રધર તરીકે ઓળખાવતું અમેરિકા જ કટ્ટરપંથીઓ સામે ઝૂકી જશે તો દુનિયાભરના કટ્ટરવાદીઓ ગેલમાં આવી જશે એવી માન્યતા પણ વ્યક્ત થઈ રહી છે.
અલબત્ત, કેટલાંક રાજ્યોમાં ગર્ભપાતને કાયદેસર માન્યતા હશે એ પરિસ્થિતિમાં મહિલાઓ અન્ય રાજ્યમાં જઈ આ સગવડનો લાભ મેળવી શકે છે. જોકે આ બાબત આર્થિક
રીતે બધાને પરવડે એવી નથી. આવી રીતે ગર્ભપાત કરાવવો પોસાય નહીં એવો મોટો વર્ગ અમેરિકામાં છે. છેવટે આવી મહિલાઓ સમક્ષ બે વિકલ્પ ઉપલબ્ધ રહેશે. કાં તો નથી જોઈતું એ બાળકને જન્મ આપવો અથવા ગેરકાયદે અને અસુરક્ષિત રસ્તે ગર્ભપાત કરાવવો એ પર્યાય જ રહે છે. કેટલાંક રાજ્યોમાં ગર્ભપાત માટે અન્ય રાજ્યમાં જવા પર પ્રતિબંધ છે. અન્ય પણ કેટલાક નિયમો છે. આ સમગ્ર પરિસ્થિતિમાં ગર્ભપાતના મૂળભૂત અધિકાર માટે અમેરિકન મહિલાઓએ નવેસરથી લડત ચલાવવી પડશે એવાં ચિહ્નો છે. એક વાત એ પણ નોંધવી જોઈએ કે વિશ્ર્વ આરોગ્ય સંસ્થા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર દર વર્ષે ત્રેવીસ હજાર મહિલા અસુરક્ષિત ગર્ભપાતને કારણે જીવ ગુમાવે છે અને હજારો મહિલાઓ આરોગ્ય અંગેની વિષમતાનો સામનો કરે છે. વળી અસુરક્ષિત પ્રયત્નોને કારણે મહિલાના જીવ સામે જોખમ ઊભું થાય છે. સ્ત્રીનું આરોગ્ય કથળે છે અને મૃત્યુ થવાની
પણ સંભાવના હોય છે.
આ પરિસ્થિતિમાં યુએસ પ્રેસિડેન્ટ જો બાયડેનની પ્રતિક્રિયા અને એમનું વલણ શું છે એ જાણવું જરૂરી છે. અલબત્ત, એમના અભિપ્રાયને પણ રાજકીય રંગ વત્તાઓછા અંશે તો લાગવાનો જ, કારણ કે ડેમોક્રેટિક પક્ષના બાયડેન રિપબ્લિકન ટ્રમ્પની વિરુદ્ધ છાવણીમાં છે અને બંનેની વિચારસરણીમાં પણ ખાસ્સો તફાવત છે. ડેમોક્રેટિક ગવર્નરો સાથેની તાજેતરની એક મીટિંગમાં બાયડેને ગર્ભપાત અંગેના ચુકાદાને ‘દુ:ખદ’ ગણાવ્યો છે અને તેમણે ચેતવણી વ્યક્ત કરી છે કે જો કોંગ્રેસ પર રિપબ્લિકનો કબજો મેળવશે તો ગર્ભપાત પર સમગ્ર દેશમાં પ્રતિબંધ લાદવાનો કાયદો લાવવાની કોશિશ જરૂર કરશે. ગર્ભપાત કરાવવા અન્ય રાજ્યમાં જવા માગતી મહિલાઓના હિતની રક્ષા ફેડરલ ગવર્નમેન્ટ કરશે એવી બાંયધરી તેમણે આપી છે. સાથે ડેમોક્રેટોને વધુ સેનેટર ચૂંટી કાઢવા વિનંતી કરી છે, જેથી તેમની સંખ્યા વધે અને ગર્ભપાત અંગેના નવા કાયદા સામે લડવા પૂરતું સંખ્યાબળ ઉપલબ્ધ થાય. આમ માનવહકને રાજકીય રંગ લાગ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.