હાલાજી તારા હાથ વખાણું, કે પટી તારાં પગલાં વખાણું!

મેટિની

બેસ્ટ કોસ્ચ્યુમના એવોર્ડ મેળવવામાં પિરિયડ ફિલ્મો મેદાન મારી જાય છે એમાં વાર્તાની ભવ્યતા સાથે એ સમયની સામગ્રી તૈયાર કરવામાં રાખેલી ચીવટ પણ એટલી જ જવાબદાર છે

કવર સ્ટોરી -હેન્રી શાી

‘મુઘલ – એ – આઝમ’ જોઈને દર્શકોની આંખો અંજાઈ ગઈ. ફિલ્મનાં વિવિધ પાસાના વખાણ થયા, પણ એ ફિલ્મ બનાવવા પાછળ કેવી જહેમત, કેવી ચોકસાઈ – તકેદારી રાખવામાં આવી હતી. એની જાણ ભાગ્યે જ કોઈને હતી. જાણકારી મેળવવાની તાલાવેલી પણ નહોતી. ભાણામાં ઘી ચોપડેલા રોટલાનું મહત્ત્વ સ્વાદ અને ભૂખ ભાંગવા પૂરતું મર્યાદિત બની જાય છે. બાજરો વીણવામાં, એને સરખી રીતે દળવામાં કે એને ઘડવામાં તેમ જ તાવડી પર શેકતી વખતે રાખવી પડતી ચોકસાઈ પાછળ કેટલી ચીવટ અને મહેનત હતી એની જાણ બનાવનાર પૂરતી સીમિત રહી જાય છે. ભાણે બેઠેલો તો સ્વાદના વખાણ કરી જાણે. કેટલાક લાખ રૂપિયામાં તૈયાર થતી ફિલ્મ બનાવવા કે. આસિફે દોઢેક કરોડ ખર્ચી નાખ્યા હતા. પડદા પર નજારો ભવ્ય લાગે એ માટે દિલ્હીથી આવેલા દરજીઓએ કોસ્ચ્યુમ, હૈદરાબાદથી આવેલા સોનીએ આભૂષણ, કોલ્હાપુરના કારીગરોએ તાજ, રાજસ્થાની લુહારોએ તલવાર, ઢાલ, ભાલા, બરછી તૈયાર કર્યા હતા. જરદોશીની એમ્બ્રોઇડરી ભવ્ય દેખાય એ માટે સુરતના કારીગરો હાજર હતા અને પગરખાં ખાસ આગ્રાથી મગાવવામાં આવ્યાં હતાં. પૃથ્વીરાજ કપૂરના એક દૃશ્ય માટે ચાર હજાર રૂપિયા ખર્ચીને ખાસ જૂતાં મગાવ્યાં હતાં. આ વાત જાણ્યા પછી સિનેમેટોગ્રાફર આર. ડી. માથુરે આસિફને સવાલ કર્યો કે ‘આવો ખોટો ખર્ચ કરવાનું કારણ શું? કેમેરામાં તો જૂતાં દેખાવાનાં નથી.’ કે. આસિફનો જવાબ હતો કે ‘માથુર, ઇસ જુતે કી કીમત જબ મેરે અકબર કો પતા ચલેગી તબ ઉસકે ચેહરે પે જો રૂબાબ દિખેગા વો અલગ હી હોગા. તુમ બસ ઉસ રૂબાબ કો કેમેરે મેં કૈદ કર લેના.’ આવી ચીવટ અને મહેનતથી તૈયાર થયેલી ફિલ્મ જોઈને આંખો અંજાઈ ન જાય તો, તો આંખોને પણ શરમ આવી જાય.
આ ભૂમિકા બાંધવાનું તાત્પર્ય એ કે તાજેતરમાં મરાઠા સામ્રાજ્યના સુબેદાર તાનાજી માલુસરેના જીવન પર આધારિત ‘તાન્હાજી: ધ અનસંગ વોરિયર’ ફિલ્મ માટે નચિકેત બર્વે અને મહેશ શેરલાને બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈનરનો નેશનલ એવોર્ડ એનાયત થયો એ નિમિત્તે જે ચર્ચા થઈ એમાં એક રસપ્રદ મુદ્દો એ હતો કે ‘પિરિયડ ડ્રામા’ (એવી ફિલ્મો જેમાં ઈતિહાસના ચોપડે જમા થયેલી બાબત કલ્પનાના રંગો પૂરી દેખાડવામાં આવે)થી જ્યુરીના સભ્યો પ્રભાવિત થઈ જતા હોય છે. અલબત્ત આ પ્રકારની ફિલ્મ સંબંધિત દરેક બાબત દર્શકને જે તે સમયની લાગે એ પાછળની જહેમતનું ‘મુઘલ – એ – આઝમ’ નું એક ઉદાહરણ ઉપર તમે વાંચ્યું. એના સંદર્ભમાં નચિકેત બર્વેએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ’પિરિયડ ડ્રામા માટે કોસ્ચ્યુમ તૈયાર કરવા ભારે જહેમતનું કામ છે અને એને માટે ઘણો સમય પણ આપવો પડે છે. એટલું જ નહીં દરેક વિગત – સંદર્ભ એકઠી કરવા, મેળવવા ઊંડા ઉતરી, દિવસ રાત એક કરી સંશોધન કરવું પડે છે.’ પડદા પર દેખાતું બે મિનિટનું દૃશ્ય પ્રભાવી અને વાસ્તવિક લાગે એ માટે એ પરિણામ લાવવા બેથી બાર મહિનાનો સમય ખર્ચાઈ ગયો હોવાની સંભાવના છે.
પિરિયડ ડ્રામા (જેને ઐતિહાસિક ફિલ્મોનું લેબલ પણ લાગ્યું છે)ની ભવ્યતા દર્શકોની આંખો આંજી નાખે છે, પણ સાથે સાથે સારા – નઠારા ઈતિહાસ અને જે તે સમયના સાંસ્કૃતિક વાતાવરણનો પરિચય પણ કરાવે છે. અલબત્ત આ પ્રકારની ફિલ્મો બનાવવા પાછળ ભૂતકાળની ઘટનાને તટસ્થ પરિપ્રેક્ષ્યમાં રજૂ કરવાનો હેતુ (જેમ કે ૧૮૫૭નો બળવો નહીં પણ ક્રાંતિ હતી – આઝાદીની લડાઈ હતી) હોય કે તો ક્યારેક સત્યને મચડી ચોક્કસ વ્યક્તિ કે વર્ગની માન્યતા મુજબનું ‘સત્ય’ દેખાડવાનો કારસો પણ હોઈ શકે છે. આ લેખનો વિષય એ વિવાદ નથી, પણ પિરિયડ ડ્રામા કેમ મેદાન મારી જાય છે એ છે. ૧૯૯૧માં ‘લેકિન’ માટે ભાનુ અથૈય્યાને બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈનનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. એ સમયે ફિલ્મના અભ્યાસુઓએ નોંધ્યું હતું કે ફિલ્મ ‘લેકિન’ એની મુક્તિ ઝંખતા ભટકતા આત્મા- ભૂતની વાર્તા કે એના બેમિસાલ સંગીત કે ડિમ્પલ કાપડિયાના અદ્ભુત અભિનય માટે જ વખાણી શકાય એવું નથી, ફિલ્મમાં નજરે પડતું વાતાવરણ, એનો મૂડ એ પણ એટલા જ મહત્ત્વના છે. એનું સંપૂર્ણ શ્રેય ભાનુ અથૈય્યાને દેવું જોઈએ કારણ કે પડદા પર નાયિકા રહસ્યમય લાગે એ માટે તેમણે નાયિકાના કોસ્ચ્યુમમાં રાખેલી ચીવટ, એ માટેની જહેમત લાજવાબ છે.’ સાથે એ પણ જાણી લો કે વાર્તાના વાતાવરણને યોગ્ય ઠેરવે એવાં લોકેશન શોધવા દિગ્દર્શક ગુલઝાર રાજસ્થાનનો ૫૦૦૦ કિલોમીટરનો વિસ્તાર ખૂંદી વળ્યા હતા. આ પ્રકારની મહેનતના સરવાળે દર્શક વાર્તાના સમયમાં સરી આનંદ લઈ શકે જ. ભાનુજીને ‘ગાંધી’ માટે ઓસ્કર એવોર્ડ મળ્યો હતો જેમાં તેમની ચીવટ ઊડીને આંખે વળગી હતી.
સામાન્ય રીતે ફિલ્મની વાર્તાના માહોલને અનુસરી ડ્રેસ – જ્વેલરી વગેરે તૈયાર કરવામાં આવતા હોય છે. થોડું આગળ – પાછળ થાય તો વિશેષ ફરક નથી પડતો. જોકે, પિરિયડ ફિલ્મ માટે જે તે સમયની હકીકત કે વાતાવરણ સાથે કોઈ ચેડાં નથી કરી શકાતા. મુઘલ શાસનના સમયની વાત હોય તો કિનખાબ (જરીબુટ્ટાના વણાટનું રેશમી કાપડ)નો ઉપયોગ અનિવાર્ય હોય. પણ એ મળે જ નહીં તો? ગમે તે મટિરિયલ ન દેખાડી શકાય. એ સમયના પેઈન્ટિંગ્સ મેળવી, કુશળ કારીગર ગોતી કિનખાબ જેવું પ્રતીત થાય એવા કોસ્ચ્યુમ્સ અત્યંત ચીવટ રાખી તૈયાર કરવા પડે. ‘તાન્હાજી’ના સંદર્ભમાં નચિકેતે આપેલી માહિતી મુજબ ‘તાનાજીના રંગઢંગમાં ચોકસાઈ જાળવવા અમે રાજવી પરિવારનો સંપર્ક કરી તેમની પાસેથી ૪૦૦ વર્ષ જૂનાં આભૂષણોના ઢાંચા મેળવી ડિઝાઈન તૈયાર કરી હતી. પિરિયડ ફિલ્મના કોસ્ચ્યુમ તૈયાર કરતી વખતે સંશોધન કરી દિમાગમાં જે રૂપરેખા તૈયાર કરી હોય એની સાથે મેળ બેસે એવી વસ્તુઓ (પાઘડી હોય કે શ કે બીજું કંઈ) નવેસરથી તૈયાર કરવી પડે છે. ‘તાન્હાજી’ માટે અમે એ સમયમાં વનસ્પતિ અને ખનિજમાંથી તૈયાર થતા રંગનો ઉપયોગ કર્યો હતો.’ આ હદે તકેદારી અને ચોકસાઈ રખાતા હોય તો જ્યુરીની આંખો પહોળી ન થાય તો જ નવાઈ લાગે. અલબત્ત અન્ય ફિલ્મના કોસ્ચ્યુમ ડિઝાઈનરના પ્રયાસ ઓછા કે ઉતરતા આંકવાનો ઈરાદો નથી. આ તો પિરિયડ ફિલ્મ કયાં કારણસર મેદાન મારી જાય છે એના પર પ્રકાશ પાડ્યો છે.
————–
હોલિવૂડમાં પણ મેદાન માર્યું છે
એકેડેમી એવોર્ડ્સ – ઓસ્કર એવોર્ડ્સમાં પણ કોસ્ચ્યુમ ડિઝાઈનિંગના પારિતોષિક મેળવવામાં સમકાલીન વિષયની ફિલ્મોની સરખામણીએ પિરિયડ, ફેન્ટસી કે પછી સાયન્સ ફિક્શન ફિલ્મો મેદાન મારી ગઈ છે.
આ એવોર્ડ સૌપ્રથમ ૧૯૪૮માં બનેલી ફિલ્મો માટે ૧૯૪૯માં એનાયત થયા હતા. શરૂઆતમાં બ્લેક એન્ડ વ્હાઇટ અને કલર ફિલ્મ માટે અલગ અલગ એવોર્ડ અપાતા હતા. ૧૯૬૭માં આ બંને વિભાગ એક કર્યા પછી કોસ્ચ્યુમ ડિઝાઈનિંગના એવોર્ડ સમકાલીન વિષય પર બનેલી ફિલ્મોને ભાગ્યે જ મળી રહ્યા છે. ૧૯૪૯થી ૧૯૬૬ દરમિયાન બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મના કોસ્ચ્યુમ ડિઝાઈન એવોર્ડ સમકાલીન વિષયની ફિલ્મ લઈ જતી હતી, જ્યારે રંગીન ફિલ્મોના એવોર્ડ એપિક, ફેન્ટસી અને મ્યુઝિકલ ફિલ્મોને મળતા હતા. ૧૯૬૭માં એક જ વિભાગ બનવાથી છેલ્લા પંચાવન વર્ષમાં સમકાલીન વિષયની માત્ર ત્રણ જ ફિલ્મોTravels With My Aunt, All That Jazz and The Adventures of Priscilla, Queen of the Desert)આ એવોર્ડ મેળવવામાં સફળ રહી હતી. એવોર્ડ મેળવનાર બાકીની બધી ફિલ્મો પિરિયડ, ફેન્ટસી કે સાયન્સ ફિક્શન ફિલ્મો હતી.Romeo and Juliet, Anna Karenina, Chariots of Fire, Marie Antoinette, Star Wars વગેરે એના વિશિષ્ટ ઉદાહરણ છે.આ ફિલ્મોમાં જાણવા જેવી વાત એ છે કે એડિથ હેડ નામની કોસ્ચ્યુમ ડિઝાઈનર ૧૯૪૯થી ૧૯૭૩ દરમિયાન ૩૫ નોમિનેશન મેળવી ૮ એવોર્ડ જીતવામાં સફળ રહી હતી જે એક વિક્રમ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.