પોતાની અર્ધાંગિનીના ‘અર્ધાંગ’ બનીને રહેનારા કેટલા?

લાડકી

સંબંધોને પેલે પાર -જાનકી કળથિયા

આપણે ત્યાં લોકોના બે વર્ગ છે. એક વર્ગ એવો છે જે ઘરેથી ઓફિસ જાય છે અને ઓફિસથી ઘરે આવે છે. જ્યારે બીજો વર્ગ પણ ઘરેથી ઓફિસ જાય છે અને ઓફિસથી ઘરે આવે છે, પરંતુ આ બંને વર્ગ વચ્ચે તફાવત એ છે કે પહેલા વર્ગ પાસે ઘરેથી નીકળ્યા પહેલાં અને ઘરે આવ્યા પછી ટીવી, મોબાઈલ, આરામ માટે પુષ્કળ સમય છે, જ્યારે બીજા વર્ગ પાસે ઘરેથી નીકળ્યા પહેલાં અને ઘરે પાછા ફર્યા પછી પણ ‘કામ’ જ હોય છે. આ બે વર્ગ એટલે કયા બે વર્ગ? એમની વચ્ચેનો આ ભેદ ભૂંસાવાની શક્યતા કેટલી?
આજે આપણે વાત કરીશું એવા બે વર્ગની કે જેઓ નોકરી, વ્યવસાય સાથે સરખી રીતે સંકળાયેલા છે. છતાં પણ બંનેની કાર્યભૂમિકામાં ફેર છે. જી બિલકુલ. આપણે વાત કરી રહ્યા છીએ નોકરી-વ્યવસાય સાથે જોડાયેલાં સ્ત્રી અને પુરુષોની, જેમાં અર્થ ઉપાર્જનની જવાબદારી તો બંનેની છે, પણ ઘર સંભાળવાની ભૂમિકા કોઈ એકની છે. સ્ત્રી અને પુરુષ-માણસનાં આવાં બે વિભાજન કુદરત સર્જિત છે, જેથી સૃષ્ટિનું સાતત્ય જળવાઈ રહે, પરંતુ સામાજિક ઢાંચાને આપણે એવી રીતે ગોઠવ્યો કે માત્ર શારીરિક તફાવતોને આધારે, બંધારણમાં સમાન નાગરિકનો દરજ્જો હોવા છતાં કેટલીક જવાબદારીઓ માત્ર સ્ત્રીના માથે આવી.
આપણે બધા સ્ત્રીપુરુષ સમાનતાની વાતો કરીએ છીએ. ‘પુરુષસમોવડી નારી’ના ટેગ લઈને ફરીએ છીએ અને બીજાને આપીએ પણ છીએ. તો શું માત્ર આર્થિક ઉપાર્જન કરવાથી કે થોડાં ઘણાં પુરુષો જેવાં કામ કરવાથી સ્ત્રીપુરુષ સમાનતા આવી ગઈ એવું સમજી લેવાનું? અરે ક્યારેક તો એમ થાય કે સ્ત્રીને બહુ ચાલાકીથી, એનાં વખાણ કરી કરીને એનો ભોગ લેવાય છે. ખરેખર કેટલાક કિસ્સાઓ જોતાં આ વાત સ્પષ્ટ સમજાઈ જાય કે ઘર સંભાળવું, ઘરના તમામ વ્યવહારો સાચવવા અને ઘર બહારની પ્રવૃત્તિઓમાં યોગદાન પણ આપવું વગેરે કામો કરતી સ્ત્રી એટલે સુપર વુમન. જો આ બધું જ એ દિલથી કરતી હોય તો વેલ એન્ડ ગુડ, બટ મોટા ભાગના કિસ્સામાં ઓફિસ વર્ક સાથે ઘર સંભાળવું ત્રાસદાયક હોય જ છે, છતાં પણ એનાં જોરશોરથી વખાણ થાય. એને માઇક અને સ્ટેજ મળે. એની વાહવાહી થાય. દિલ પર હાથ રાખીને પોતાની જાતને પૂછવું જોઈએ કે શું આ સ્થિતિ ખરેખર પ્રાઉડ ફીલ કરવા જેવી છે? જો હા તો ડબલ કે ત્રિપલ ભૂમિકા નિભાવતી સ્ત્રીને મળીને પૂછવું જોઈએ કે શું હકીકતમાં એ પોતાની જાત માટે સમય કાઢી શકે છે? શું એ પોતાના કામમાં અન્યની હેલ્પ ઈચ્છે છે?
‘આજદિન સુધી લસણ પણ નથી ફોલ્યું’ આવું કહેતાં પહેલાં એ વિચારવું જોઈએ કે આ કામ કેટલું ચીવટપૂર્વક કરવું પડે છે. ‘શાકભાજીને હાથ પણ નથી અડાડ્યો’ એવું બોલતાં પહેલાં ઓફિસ સમય બાદ માર્કેટ જતી પત્નીની જગ્યાએ પોતાની જાતને એ શોરબકોરવાળી જગ્યાએ અવશ્ય મૂકી લેવી. ‘બાળકની નેપી સાફ કરવી તો દૂર, એને જોઈ પણ નથી’ આવી ડંફાસ મારતાં પહેલાં નવ મહિના સુધી પેટની અંદર ઊંધા માથે લટકતા બાળકની સંભાળ રાખતી પત્નીએ ઓફિસ અને ઘર એકસાથે કઈ રીતે મેનેજ કર્યાં હશે એની કલ્પના કરી લેવી. ‘રસોઈની વાત તો દૂર, મારે ચાનો કપ બેડ પર આવી જાય’ આ પ્રકારની હવામાં રાચતાં પહેલાં પોતાની પત્ની સવારથી સાંજ ઊભા પગે મંડી પડે છે, જેથી ઘર અને ગાડીનાં ઈન્સ્ટોલમેન્ટ ટાઈમે ભરી શકાય. સામાન્ય તાવ-શરદીમાં પણ ઊભે પગે રાખતી પત્નીના પીરિયડ્સ વખતે થતા દર્દ અને મૂડ સ્વિંગ્સ વચ્ચે પણ એ એની બંને ભૂમિકા નિભાવી જાણે છે એ યાદ રાખવું.
મેં ઘણા બધા પુરુષોને જોયા છે કે જે એના ફ્રેન્ડ સર્કલમાં કે પબ્લિક પ્લેસમાં ‘પુરુષ’ હોવાનો રોફ જતાવતા હોય છે. વળી એની જ પત્નીઓ ફાઈનાન્સિયલ ટેકો બહુ જ ઈમોશનલી આપતી હોય છે. ત્યારે આવા પુરુષો પર ગુસ્સો નહીં પણ રીતસરની દયા આવે છે. આપણા કહેવાતા અલ્ટ્રા મોડર્ન સમાજની સ્ત્રીપુરુષ સંદર્ભે નોખી વિચારસરણી એ બીજું કાંઈ નહિ, પણ ખોખલી માનસિકતાનું ઉત્તમ ઉદાહરણ છે.
ઘર અને ઓફિસ બંને જગ્યાનું કામ કરતી સ્ત્રીઓને જોઈને તથા માત્ર ઓફિસ સંભાળતા પુરુષોને જોઈને એ કપલ્સ પર ગર્વ કરતાં પહેલાં તમામ એંગલથી વિચારવું જોઈએ. મેં એવાં ઘણાંય ફેમિલી જોયાં છે જ્યાં પત્ની જોબ કરતી હોય અને પતિ ઘર તથા બાળક સંભાળતો હોય. એવાંય ફેમિલી છે જ્યાં પતિ-પત્ની બંને જોબ કરતાં હોય અને પતિ જરૂર મુજબ મદદ કરતો હોય. એવા પુરુષો પણ છે જે વહેલા ઊઠીને પોતાની માટે તેમ જ પોતાની પત્ની માટે ચા રેડી કરે છે. પીરિયડ્સ વખતે પત્નીનું મોટા ભાગનું કામ પતિ મેનેજ કરી લે છે, પણ આવા કિસ્સાઓ કેટલા ટકા?
ખરેખર આપણે હવે એવા સમયમાં છીએ કે જ્યાં દીકરા-દીકરીને એકસમાન રીતે પગભર બનાવી તમામ કામો શીખવવાં પડશે. કોઈ પણ પ્રકારના જેન્ડર ડિફરન્સમાં પડ્યા વિના, સમાન ધોરણે બંનેનું સમાજીકરણ સરખી ઢબે કરવું પડશે, જેથી લગ્ન બાદ બંને ખૂબ અંડરસ્ટેન્ડિંગથી લાઈફને માણી શકે અથવા તો દીકરી-દીકરાનો પહેલાંની જેમ ઉછેર કરી બંનેને પરંપરાગત ભૂમિકા શીખવી, એકને ઘરકામ માટે તૈયાર કરી અન્યને ઘર બહારની ભૂમિકા માટે સક્ષમ બનાવવાં પડશે. બાકી બેવડાં ધોરણો કે ચાવવાના જુદા ને દેખાડવાના પણ જુદા એ પ્રકારનું સોશિયલ એટમોસ્ફિયર ક્રિએટ કરી દેવાથી પરિસ્થિતિ વણસશે જ એ પાકું છે.
પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ એક સમય બાદ એ મેચ્યોરિટી લેવલ પર પહોંચે છે જ્યાં ‘આઈ લવ યુ’ જેવા થ્રી મેજિકલ વર્ડથી કામ નથી બનતું. ઘરની બહાર નીકળતી વખતે ટાઈટ હગ કે લિપલોક એ પ્રેમની અભિવ્યક્તિ માટે કદાચ ટોપ ફાઇવના લિસ્ટમાં પણ નહીં આવે. અહીં જરૂર પડશે એવી હૂંફની જ્યાં સ્ત્રી ભરઉનાળે બપોરના ૧૨ વાગ્યે પરસેવાથી લથબથ રોટલી કરતી હોય ને એનો અહેસાસ પતિને સારી પેઠે હોય. સવારે કિચન પતાવીને ઓફિસે ગયેલી પત્ની જ્યારે સાંજના સમયે આવે ત્યારે કલાક પહેલાં આવેલા પતિએ મસ્ત ચા બનાવીને નાસ્તાની ડિશ ટેબલ પર તૈયાર રાખી હોય. રાતના ડિનરની ઓલમોસ્ટ તૈયારી પણ થઈ ગયેલી હોય.પત્ની પોતાની અર્ધાંગિની છે એ પહેલાં પોતે ‘અર્ધાંગ’ છે એ વાતનો ખરા હૃદયે સ્વીકાર થયેલો હોવો જોઈએ.
——–
ક્લાઇમેક્સ
‘તું ઓફિસમાં શાંતિથી તારું કામ પતાવજે, હું કલાક વહેલો આવી ઘર મેનેજ કરી લઈશ.’ પતિના મોઢે નીકળતું આ વાક્ય પેલા થ્રી મેજિકલ વર્ડથી ઇન્ફિનિટ ટાઈમ ચડિયાતું છે…!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.