હાફ મૅરેથોન ‘પ્રોમો રન’માં 4,200 નાગરિકો સહભાગી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરાને ચુસ્ત રહેવાનો સંદેશો આપવા મુંબઈ મહાનગરપાલિકાની રવિવારે યોજાયેલી હાફ મૅરેથોન પ્રોમો રનમાં 4,200 લોકો ભાગ લઈને તેને સફળ બનાવી હતી. હવે આગામી 17 ડિસેમ્બર મુંબઈ મહાનગરપાલિકા દ્વારા હાફ મૅરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે, તે માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા રવિવારથી આરંભ કરવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેં ફિટ તો ઈંડિયા ફિટ’ની જાહેરાત સાથે તેમણે ‘ફિટ ઈંડિયા’ અભિયાનની શરૂઆત કરી હતી. આ અભિયાનમાંથી પ્રેરણા લઈને મુંબઈ મહાનગરપાલિકા દ્વારા રવિવારે યોજવામાં આવેલી હાફ મૅરેથોન ‘પ્રોમો રન’માં 12 વર્ષથી 84 વર્ષના સુધીના હજારો લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ‘પ્રોમો રન’ માટે કોઈ પણ જાતનું ઈનામ ન હોવા છતાં ત્રણ કિલોમીટર, પાંચ કિલોમીટર અને 10 કિલોમીટરની એમ ત્રણ અંતર માટે રાખેલી ‘પ્રોમો રન’માં મોટી સંખ્યામાં મુંબઈગરા જોડાયા હતા. રવિવારે લોકોએ આપેલા અદ્ભુત પ્રતિસાદ બાદ આગામી 17 ડિસેમ્બર, 2023ના યોજવામાં આવનારી ‘હાફ મૅરેથોન’ માટે આ પ્રસંગે ઓનલાઈન રજિસ્ટ્રેશન નોંધણીનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આજના ભાગ-દોડવાળા જીવનમાં ખોટી જીવનશૈલી, અયોગ્ય આહાર અને શારીરિક કસરતના અભાવે ડાયાબિટીઝ અને હાઈ બ્લડપ્રેશરની બીમારીઓ વધી રહી છે. મુંબઈ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં ‘વર્લ્ડ હૅલ્થ ઑર્ગનાઈઝેશન’માં તાજેતરમાં કરવામાં આવેલા સર્વે દરમિયાન 18થી 69 વર્ષના લગભગ 18 ટકા લોકોના લોહીમાં સાકરનું પ્રમાણ વધુ જણાયું હતું. તો 2021ની સાલમાં કુલ મૃત્યુ નોંધાયા હતા, તેમાંથી 14 ટકા મૃત્યુુનું કારણ ડાયાબિટીઝ હતું. સર્વેક્ષણ મુજબ મુંબઈમાં 34 ટકા લોકોમાં હાઈ બ્લડપ્રેશર તો 18 ટકા લોકોમાં ડાયાબિટીઝ જણાયું હતુ. આ બાબતને ધ્યાનમાં લેતા શારીરિક સુદ્ઢતા બાબતે જનજાગૃતિ લાવવાનું આવશ્યક હોવાથી ‘મૅરેથોન પ્રોમો રન’નું આયોજન કરવામાં આવ્યું હતું.