ઉત્તરાખંડના હલ્દવાનીમાં રેલવેની જમીન પરથી 4000 પરિવારોને હટાવવાના ઉત્તરાખંડ હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ રહેવાસીઓને હાલ રાહત મળી છે. સુનાવણી દરમિયાન ન્યાયાધીશે કહ્યું, “અમે રેલવે અને રાજ્ય સરકારને નોટિસ પાઠવી રહ્યા છીએ. આગળની કાર્યવાહી પર પ્રતિબંધ મૂકવો જોઈએ. હાલમાં અમે હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપી રહ્યા છીએ.”
સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, આગામી સુનાવણી એક મહિના બાદ 7 ફેબ્રુઆરીએ હાથ ધરવામાં આવશે. સુનાવણી દરમિયાન જસ્ટિસ કૌલે પૂછ્યું કે ઉત્તરાખંડ સરકારના વકીલ કોણ છે? રેલ્વેની કેટલી જમીન, રાજ્યની કેટલી? ન્યાયાધીશે વધુમાં કહ્યું કે, “લોકો દાવો કરી રહય છે કે તેઓ વર્ષોથી આ જમીન પર વસવાટ કરી રહ્યા છે.’
અરજીકર્તા પક્ષના વકીલ સિદ્ધાર્થ લુથરાએ કોર્ટને કહ્યું કે પહેલા રેલવેએ 29 એકર જમીન પર દાવો કર્યો, પરંતુ પછી 78 એકર હોવાનું કહેવામાં આવ્યું છે. એએસજીએ કહ્યું કે આ લોકોએ ક્યારેય પુનર્વસન માટે વિનંતી કરી નથી અને તેઓ જમીન પર પોતાનો દાવો કરે છે.
સુનાવણી દરમિયાન જસ્ટિસ ઓકાએ કહ્યું કે, હાઈકોર્ટે આદેશ આપ્યો છે તે ઠીક છે, પરંતુ કોઈ ઓથોરિટીએ આ લોકોની વાત સાંભળવી જોઈએ અને તેનું સમાધાન કરવું જોઈએ.
જસ્ટિસ કૌલે કહ્યું, “2 પ્રકારના લોકો હોઈ શકે છે – એક જેની પાસે જમીનનો દાવો છે, બીજો જેની પાસે કોઈ દાવો નથી. તમને જમીનનો કબજો લેવાનો અને તેનો વિકાસ કરવાનો અધિકાર છે, પરંતુ દરેકની વાત સાંભળીને મધ્યમ માર્ગ શોધવો જોઈએ. ”
રેલવે તરફથી એડવોકેટે કહ્યું કે આ બધું રાતોરાત થયું નથી અને સમગ્ર કાયદાકીય પ્રક્રિયાને અનુસરવામાં આવી છે. તે જ સમયે, જસ્ટિસ કૌલે કહ્યું, “પરંતુ માનવતાના આધારે આ મામલાની તપાસ થવી જોઈએ, ત્યાં સુધી ખાતરી કરો કે વધુ બાંધકામ ન થાય.” ન્યાયાધીશે એમ પણ કહ્યું કે તમે અર્ધલશ્કરી દળની મદદથી એક અઠવાડિયામાં જમીન ખાલી કરાવવા માંગો છો એના વિશે વિચાર કરો.
હલ્દવાની જમીન કેસ: સુપ્રીમ કોર્ટે રહેવાસીઓને આપી રાહત, રાજ્ય સરકાર અને રેલવેને નોટિસ પાઠવી
RELATED ARTICLES