અહમદનગર: મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં H3N2ને કારણે પ્રથમ મૃત્યુની નોંધ કરાઈ છે. છત્રપતિ સંભાજી નગર (ઔરંગાબાદ)થી અહમદનાર આવેલા એક યુવકનું આ નવા વાયરસથી મૃત્યુ થયું હતું. આ ઘટનાને પગલે મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. મહારાષ્ટ્રનો આ પહેલો કેસ છે. 23 વર્ષનો યુવક અહેમદનગરમાં મેડિસિનનો અભ્યાસ કરવા આવ્યો હતો અને થોડા દિવસ પહેલાં જ આ વિદ્યાર્થી કોંકણમાં વેકેશન પરથી પાછો ફર્યો હતો. ત્યારથી જ તે બીમાર હતો અને સારવાર માટે તેને શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.તપાસમાં તે કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું અને આ સાથે સાથે જ તે H3N2 ઈન્ફલ્યુએન્ઝાથી પીડિત હોવાનું પણ જાણવા મળ્યું હતું.
હોસ્પિટલમાં ડોક્ટરો તે મુજબ તેની સારવાર કરી રહ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. મૃતકના બ્લડ સેમ્પલને તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યા હતા. રિપોર્ટ પરથી સ્પષ્ટ થાય છે કે યુવકનું મોત આ H3N2 વાયરસથી થયું છે. આ પહેલા હરિયાણા અને કર્ણાટક, ગુજરાત સહિત આ વાયરસને કારણે બે લોકોના મોત થયા છે. મંગળવારે નાગપુરમાં પણ આ વાયરસને કારણે એક મહિલાનું મોત થયું હતું. મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં પણ H3N2 વાયરસથી એક મહિલાનું મૃત્યુ થયું હતું. નાગપુર નગરપાલિકાની હદમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં મહિલાની સારવાર શરૂ કરવામાં આવી હતી. આ દર્દીને ક્રોનિક અવરોધક પલ્મોનરી ડિસીઝ (COPD) હતો. આ સિવાય આ મહિલા ડાયાબિટીસ, બ્લડપ્રેશર જેવી બીમારીઓથી પણ પીડિત હતી. 9 માર્ચ ગુરુવારે મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. મૃત્યુ પહેલા H3N2 વાયરસથી પીડિત મહિલાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ મામલો બુધવારે ડેથ ઓડિટ રિપોર્ટ કમિટી સમક્ષ આવ્યો હતો. જે બાદ એ માન્યતા મળી કે મૃત્યુ H3N2 વાયરસના કારણે થયું છે.