Gyanvapi Mosque Case: મુસ્લિમ પક્ષની અરજી ફગાવી, હિંદુ પક્ષે લગાવ્યા હર હર મહાદેવના નારા, જજે કહ્યું…

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

વારાણસીમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદ મામલે જિલ્લા કોર્ટે શ્રૃંગાર ગૌરીની પૂજા કરવાના અધિકાર અંગે દાખલ કરવામાં આવેલી અરજીને માન્ય રાખી છે. કોર્ટે મુસ્લિમ પક્ષ દ્વારા કરવામાં આવેલી અરજીને ફગાવીને જણાવ્યું હતું કે આ મામલાની સુનાવણી થવી જોઈએ. મળતી માહિતી અનુસાર આ મામલે 22 સપ્ટેમ્બરે સુનાવણી થશે.

ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં પાંચ મહિલાઓએ શ્રૃંગાર ગૌરીમાં આવેલા દેવી દેવતાઓની પૂજા અને સંરક્ષણ અંગે અરજી દાખલ કરી હતી. આ મામલે સિવિલ જજ સિનિયર ડિવિઝન રવિ કુમાર દિવાકરે કોર્ટ કમિશનરની નિમણૂક કરી જ્ઞાનવાપીના સર્વેનો આદેશ આપ્યો હતો, જે બાદ હિંદુ પક્ષમાં ખુશીનો માહોલ છે. જજે આદેશ આપ્યા બાદ હર હર મહાદેવના નારા લગાવવામાં આવ્યા હતાં. મહત્ત્વની વાત એ છે કે સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષ તરફથી કોઈ ઉપસ્થિત રહ્યું નહોતું.

જજના આદેશ પહેલા મસ્જિદ પરિસરમાં એલર્ટ જારી કરવામાં આવ્યું હતું અને શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી. કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે. હોટલો, ધર્મશાળાઓ અને ગેસ્ટહાઉસોમાં ચેકિંગની સાથે જ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર પણ સતત નજર રાખવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.

હિન્દુ પક્ષ તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે સર્વે દરમિયાન શિવલિંગ મળી આવ્યું છે. જ્યારે મુસ્લિમ પક્ષ તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે આ એક ફુવારો છે. આ પછી હિન્દુ પક્ષે વિવાદાસ્પદ સ્થળને સીલ કરવાની માંગ કરી હતી. સેશન્સ કોર્ટે ત્યારપછી એને સીલ કરવાનો આદેશ આપ્યો હતો. સત્ર ન્યાયાલયના આ નિર્ણય સામે મુસ્લિમ સમુદાયે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રિમ કોર્ટે આ કેસ જિલ્લા જજને ટ્રાન્સફર કરી દીધો હતો. આ સાથે જ સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે વઝુની વ્યવસ્થા કરવામાં આવે. જોકે શિવલિંગનો મળી આવ્યાના સ્થળને સીલ રાખવાનો આદેશ કર્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.