ગુરુ દેવો ભવ: આજ ભી, કલ ભી, હંમેશાં હી

ઉત્સવ

મિજાજ મસ્તી -સંજય છેલ

ટાઇટલ્સ: જીવનમાં ટીચર અને ચીટર બેઉને સમજવા બહુ જરૂરી હોય છે. (છેલવાણી)
આપણામાં એક કહેવત છે કે પુત્ર, કુપુત્ર થાય પણ માવતર કમાવતર ન થાય. હવે એક નવી કહેવત બનાવવી જોઈએ કે વિદ્યાર્થી કુવિદ્યાર્થી થાય પણ ગુરુ, કુગુરુ ન થાય તે હંમેશાં કુલગુરુ જ રહે. મારા માતુશ્રી ટીચર રહ્યા છે, મારા જીવનમાં શાળા કે જીવન, જાતજાતનાં અનેક લેવલ પર અગણિત નામી-અનામી ટીચરોનો બહુ મોટો ફાળો છે…
જોકે આપને ત્યાં મહાભારત કાળમાં ગુરૂ દ્રૌણથી લઇને આજ સુધી આપણે ત્યાં શિક્ષણપદ્ધતિ અને બિચારાં શિક્ષકો પર બહુ માછલાં ધોવાયા કરે છે, પણ હમણાં એક અજીબ કિસ્સો સાંભળ્યો ત્યારે આંખ ભીની થઇ ગઇ કે વાહ, લીમડામાં એક ડાળ મીઠી હોય એમ આવા શિક્ષકો પણ હોય છે. હમણાં થોડા મહિના પહેલાં સાઉથ ઇંડિયામાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં કેટલાક વિદ્યાર્થીઓ એક ટીચર સાથે ખરાબ રીતે ઝઘડો કરે છે ને પછી તેમના માથા પર બેરહેમીથી પર કચરાની ટોપલી એમના માથે ઊંધી પહેરાવી દે છે ને મારામારી પણ કરે છે. આખા પ્રસંગ દરમ્યાન વિદ્યાર્થીઓને રોકવાને બદલે બીજા વિદ્યાર્થીઓ બેશર્મીથી વીડિયો બનાવીને મજા લઇ રહ્યા છે. આવા એક નહીં ઘણાં વીડિયો છે જ્યા શિક્ષકોનું અપમાન થાય છે! આ ન્યૂ ઇંડિયા છે જ્યાં બદતમીઝી અદા છે , જ્યાં સડકનો ન્યાય માફ છે. સારું છે કે મોબ લિંચિંગ કરીને ટીચરોને હજી મારી નથી નાખવામાં આવ્યા, નહીં તો ટ્વિટર કે ફેસબૂક પર લોકો એને પણ જાતજાતના લોજિકમ આપીને સમર્થન આપત!
હાં તો, એ ઘટના થોડા મહિના અગાઉ બેંગલોરથી ૨૭૦ કિલોમીટર દૂર આવેલા દાવનગિરી નામના ગામમાં બની ગઇ. ત્યાંની ગવર્મેન્ટ સ્કૂલના હિન્દી શિક્ષક પ્રકાશ બોગર હવે ટૂંક સમયમાં નિવૃત્ત થવાના છે. તેમના પર વિદ્યાર્થીઓએ કચરો ઠાલવ્યો. હિંદી ભાષા-દ્વેશને લીધે હશે? ખબર નથી પણ ઘટના ખૂબ ક્રૂર છે અને ક્ષુબ્ધ કરી મૂકે એવી છે. વળી આ વીડિયો ખૂબ વાયરલ થયો, લોકોએ પેટ ભરીને માણ્યો અને સમાજ-સરકારે પણ અનેક દિવસો સુધી વિરોધ પણ ના કર્યો.
ઇંટરવલ:
સબકુછ સીખા હમને ના સિખી હોંશિયારી
સચ હૈ દુનિયાવાલો કી હમ હૈ અનાડી (શૈલેન્દ્ર)
નવાઇની વાત એ છે કે આખી ઘટનાની પેલા ટીચર, પ્રકાશ બોગરે પણ કોઇ કરતાં કોઇને ફરિયાદ પણ ના કરી! પણ પછી છેવટે એ શાળાના પ્રિન્સિપાલ અને સ્કૂલ મેનેજમેન્ટને ખબર પડી. ગવર્મેન્ટને પણ ખબર પડી. આખી વાત શિક્ષણપ્રધાન સુધી પહોંચી. રહી રહીને વાલીઓ, શાળાના મેનેજમેન્ટ અને સરકારી અફસરોએ નિર્ણય કર્યો કે આ વિદ્યાર્થીઓને શિક્ષા કરવી જોઈએ, એમને સ્કૂલમાંથી કાઢી મૂકવા જોઈએ અને તેમના પર પોલીસ કેસ કરવો જોઈએ.
પણ ગુરુ આખરે ગુરુ હોય છે. ટીચર પ્રકાશ બોગરે કહ્યું: એ બાળકો નાની ઉંમરના છે. હું તો આવતા વર્ષે નિવૃત્ત થઈ જઈશ, પણ એ બાળકો પાસે ઉજ્જવળ ભવિષ્ય છે. મારે એ બગાડવું નથી. મારે તેમની પર કોઈ કેસ કરવો નથી. કોઈ પગલાં લેવા નથી. આ જ મારો બદલો છે!
પ્રકાશ બોગરે આખી જિંદગી શિક્ષક તરીકે વિતાવી છે અને છેલ્લા ૧૮ મહિનાથી દાવનગિરી ગવર્મેન્ટ સ્કૂલમાં ભણાવે છે. અરે, આટલી ઇજા થવા છતાં પોતાના ઘરે પણ જણાવ્યું નહોતું અને હંમેશની જેમ ચૂપચાપ સ્કૂલે આવવાનું ને ભણાવવાનું ચાલુ રાખ્યું હતું. ટીચરનો દીકરો બેંગ્લોર રહે છે. તે આ વીડિયો જોઈને ખૂબ અપસેટ થઈ ગયો. તેને ચિંતા થઇ કે પપ્પાને કંઈ થાય તો નહીં જાય ને ? કારણકે થોડા સમય પહેલાં જ તેમનું હાર્ટનુ ઓપરેશન કરવામાં આવ્યું હતું!
પછી આ વાર્તામાં ટ્વિસ્ટ આવે છે, બીજા એક વીડિયોમાં આ તોફાન કરનાર વિદ્યાર્થીઓ રડી રહ્યા છે, અને માફી પણ માગી રહ્યા છે! અહિ સવાલ સજા થશે કે નહીં, એ નથી. સવાલ એ છે નવી પેઢી કેવી રીતે વર્તે છે. નવી પેઢીની આછકલાઈ અને તોછડાઈ અને ઘમંડ ઊડીને આંખે વળગે એવા છે. તો સામે પછી જૂની પેઢી એટલી જ સહિષ્ણુ છે કે ઉદાર અને ક્ષમાવાન છે. આજે ચારે તરફ સમાજમાં સોશિયલ મીડિયામાં હિંસા, નફરત અને ધૃણાનું વાતાવરણ છે, ત્યારે પ્રકાશ બોગર સર જેવાની આગળ આપણું મસ્તક માનથી ઝૂકી જાય છે.
થોડાં વરસો પહેલાં કચ્છમાં પણ સુરેશભાઇ નામના એક કેમિસ્ટ્રીના પ્રોફેસર ઉપર શાહી નાખવામાં આવી હતી અને એમને રંજાડેલા. આ બતાવે છે કે આપણી એજ્યુકેશન સિસ્ટમમાં ક્યાંક કેટલી મોટી ખામી રહી ગઈ છે. આપણે બાળકોને ફક્ત માર્ક્સ લેતા કરી મૂકીએ છીએ પણ સંસ્કારી નથી બનાવી શકતા. તેમની સામે યોગ્ય રોલ મોડેલ નથી મૂકી શકતા, કારણ કે સામે સમાજ પણ આવો જ હિંસક મોબ લિંચિંગ પર આંખ આડા કાન કરતો ને નિંભર છે. બધાને હિંસાના વાયરલ વીડિયો જોઇને બે ઘડી થ્રિલ માણવી છે આ નિષ્ફળતા આખા સમાજની છે. સંસ્કારોના અભાવની છે. ગુજરાતીના મહાન લેખક-કવિ ઉમાશંકર જોષીના એક એકાંકીમાં બાળકો રમત રમતમાં મા-બાપની નકલ કરે છે અને તેમાં આસપાસનો સમાજ દેખાઇ આવે છે. નાટકનું નામ હતું: ‘પડઘા’!
પેલા ટીચર સાથે જે થયું થયું એ આપણા ક્રૂર ને નફ્ફટ સમાજ અને એમાંથી આવતી સરકારોનો ‘પડઘો’ જ છે!
એંડ ટાઇટલ્સ:
આદમ: તું શું ભણી છો?
ઇવ: દિલની વાતો, હવે બોલ!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.