કૉંગ્રેસ છોડ્યા બાદ ગુલામ નબી આઝાદે રવિવારે જમ્મુના સૈનિક કોલોનીમાં તેમની પ્રથમ રેલી યોજી હતી. આ રેલીમાં તેમને સમર્થન કરનારા નેતાઓનો તેમણે આભાર માન્યો હતો. તેમણે કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતા. આ સાથે તેમણે આજથી પોતાની નવી રાજકીય સફર શરૂ કરી છે.
ગુલામ નબી આઝાદે જનસભામાં કોંગ્રેસના હલ્લા બોલ કાર્યક્રમ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે હવે લોકો બસોમાં જેલમાં જાય છે, તેઓ ડીજીપી, કમિશનરને બોલાવે છે, તેમના નામ લખાવે છે અને એક કલાકમાં જ નીકળી જાય છે. આ જ કારણ છે કે કોંગ્રેસનો વિકાસ થયો નથી.
ગુલામ નબીએ કહ્યું કે તેમણે 50 વર્ષથી પાર્ટી માટે કામ કર્યું છે. તેમણે કહ્યું, ‘આજે હું કંઈ નથી, છતાં મને રાજ્યની જનતાનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. મારા કારણે ઘણા લોકોએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે, મને આટલો પ્રેમ અને સમર્થન આપવા બદલ આપ સૌનો આભાર
કૉંગ્રેસ પાર્ટી પર કટાક્ષ કરતા તેમણે કહ્યું, “અમે અમારા લોહી અને પરસેવાથી કોંગ્રેસની રચના કરી છે. કૉંગ્રેસ કોમ્પ્યુટરથી કે ટ્વિટરથી અને સંદેશાઓથી નથી બની.
રેલીમાં ગુલામ નબી આઝાદે પોતાની નવી પાર્ટીના નામ અને નિશાનની જાહેરાત નહોતી કરી અને જણાવ્યું હતું કે પાર્ટીના સભ્યો સાથે મળીને પક્ષનું નામ અને નિશાન નક્કી કરશે.
નોંધનીય છે કે 73 વર્ષીય ગુલામ નબી આઝાદે 26 ઓગસ્ટે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. તેમણે રાજીનામું આપ્યા બાદ કહ્યું હતું કે તેમને તેમનું ઘર (કોંગ્રેસ) છોડવાની ફરજ પાડવામાં આવી હતી. તેમના રાજીનામા બાદ કોંગ્રેસના નેતાઓના એક પછી એક રાજીનામા આવવા માંડ્યા હતા. J&K ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન, 8 ભૂતપૂર્વ પ્રધાનો, એક ભૂતપૂર્વ સાંસદ, 9 ધારાસભ્યો ઉપરાંત મોટી સંખ્યામાં પંચાયતી રાજ સંસ્થાનના સભ્યોએ પાર્ટી છોડી દીધી હતી.

Google search engine