ગુજરાતનો જલિયાંવાલા કાંડ-પ્રફુલ શાહ
(૧૯)
‘મેવાડના ગાંધી’ તરીકે ઓળખાતા મોતીલાલ તેજાવતની મેવાડથી ઈડર સુધી આંદોલન યાત્રાની સવિસ્તાર અને સંશોધનપૂર્ણ વિગતો મહાનિબંધ “સાબરકાંઠા જિલ્લાના આદિવાસીઓમાં વિવિધક્ષેત્રે આવેલું પરિવર્તન એક સંશોધનાત્મક અભ્યાસમાં મળે છે. પી.એચ.ડી. માટે ૨૦૧૮ના જાન્યુઆરીમાં રજૂ કરાયેલા આ મહાશોધ નિબંધમાં સમાવાયેલી મહત્ત્વપૂર્ણ ઘટના પર એક દૃષ્ટિપાત કરીએ, એમના ઋણ સ્વીકાર સાથેના મેવાડના કોટડા, માદ્રી અને ઝાડોલ વિસ્તારના ખેડૂતોએ કર આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. દેશી રાજ્યના અમલદારો જ્યારે આ પ્રાંતમાંથી કર ઉઘરાવતા હતા ત્યારે કેટલાક અધિકારીઓ ઉપર ભીલો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તથા અધિકારીઓ દ્વારા જે મહેસૂલ ઉઘરાવવામાં આવ્યું હતું તે આંદોલનકારીઓ પાછું ઉઠાવી ગયા હતા.
ઈસ્વીસન ૧૯૨૧ની નવ ડિસેમ્બરે તેજાવતે માદ્રી નજીક યોજેલી સભામાં લગભગ નવ હજાર ભીલો આવ્યા હતા જેઓ તલવાર, તીરકામઠાં અને બંદૂકોથી સજ્જ હતા. આ ભીલો સિરોહી, દાંતા, મહીકાંઠા, ડુંગરપુર અને મેવાડ જેવા સ્થળેથી આવ્યા હતા.
ઇસ્વીસન ૧૯૨૨ની ૧૫ જાન્યુઆરીએ મોતીલાલ તેજાવત આબુ રોડ પરથી કૂચ કરીને સિરોહી રાજ્ય ભણી ગયા હતા. તેમની સાથે હજારો સમર્થકો હતા. તેજાવતે અહીં ત્રણ દિવસ રોકાણ કર્યું હતું. તેજાવતનો વિરોધ કરવા માટે સિરોહીના દરબાર અને જાગીરદારોએ પણ પોતાના માણસો એકઠા કર્યા હતા.
સિરોહીના સૈનિકોએ તો તેજાવતની ધરપકડના પ્રયાસ સુધ્ધાં કર્યા હતા, પરંતુ તેજાવતના હજારો ટેકેદારોની હાજરીને લીધે એ શક્ય બન્યું નહોતું. આ રોકાણ દરમિયાન જ ગાંધીજીના બે અનુયાયી તેજાવતને મળવા આવ્યા હતા. જોધપુરથી આવેલા આ બે જણાંમાંથી એકનું નામ જયસિંઘ હતું. આ બન્નેએ તેજાવતને શાંતિથી પોતાનું કામ કરવાની સલાહ આપી હતી.
સિરોહીથી નીકળીને તેજાવતે આબુ રોડ પાસેના ખરેડીમાં પડાવ નાખ્યો હતો. ત્યાં પણ સિરોહીના સૈનિકો તેમને પકડવા માટે પહોંચી ગયા હતા. ભીલો અને સૈનિકો વચ્ચે ચકમક થાય એવી તંગદિલી સર્જાઈ હતી, પરંતુ ગાંધીજીના બન્ને અનુયાયીઓએ સિરોહીના દીવાન સાથે ચર્ચા કર્યા બાદ મામલો શાંત પડ્યો હતો.
સિરોહીની સભામાં તેજાવતે ખુલ્લેઆમ ઘોષણા કરી હતી કે કોઈ પણ કર ચુકવવો નહીં અને વેઠ પ્રથાનો વિરોધ કરવો. સભા આટોપીને તેજાવત પાલનપુર જવા નીકળ્યા, પછી ખેડૂતોએ મીલો વેરો ચુકવ્યા વિના તેમનો પાક લણવાનું શરૂ કરી દીધું હતું. આ સાથે અંબાજીના યાત્રીઓને સુરક્ષા આપવાનું બંધ કરીને રાજ્ય સાથે અસહકાર શરૂ કર્યો હતો.
પાલનપુરમાં હજારો ભીલ અનુયાયીઓ સાથે તેજાવત બે દિવસ રોકાયા હતા. સ્થાનિક ભીલોએ એમનું ભાવભીનું સ્વાગત કર્યું. અમુકે તો નાળિયેર સુધ્ધાં ચડાવ્યા હતા.
પાલનપુરમાં ઓડી મુકામે રોકાણ દરમિયાન દાંતાના મહારાજાએ પત્ર મોકલાવીને તેજાવતને ચેતવ્યા હતા કે દાંતામાં પગ મૂકતા જ નહિ, નહિતર જીવ ગુમાવશો.
જો કે મોતીલાલ તેજાવત ધરાર હજારો ભીલો સાથે દાંતા રાજ્યમાં પ્રવેશીને રહ્યા. તેમણે દાંતાથી ત્રણ કિલોમીટર દૂર છાવણી બનાવી. બરાબર એમની છાવણી સામે દાંતાના રાજકુમારે પડાવ નાખ્યો. એટલું જ નહિ, તેજાવતને દાંતામાંથી જતા રહેવાની ચેતવણી ઉચ્ચારી. આનાથી ભીલો
એકદમ ઉશ્કેરાટમાં આવી ગયા. તેઓ તો દાંતાના રાજકુમારને પકડીને તેજાવત સમક્ષ હાજર કરવા તત્પર થઈ ગયા હતા. પરંતુ તેજાવતે માંડમાંડ તેમને શાંત પાડ્યા હતા.
કુંવારી ગામે પડાવના દિવસે ઢોલ પીટીને અંદાજે આઠેક હજાર ભીલોને એકઠા કરાયા હતા. ફરી ભીલો અને દાંતાના સૈનિકો વચ્ચે ઘર્ષણનાં એંધાણ વર્તાવા માંડ્યાં હતાં, પરંતુ ફરી એકવાર ગાંધીજીના બન્ને અનુયાયીના પ્રતાપે ઘર્ષણ ટળી ગયું હતું.
ગાંધીજીના અનુયાયીઓએ તેજાવતને ગળે પોતાની વાતો ઉતારવાના પ્રયાસ કર્યા કે આવા વર્તનથી તમે બધા માર્યા જશો.
આ સાથે સલાહ આપી કે ભીલો રાજ્યને કર ચુકવવાનું ચાલુ કરી દે અને તમે માત્ર ભીલોની કુરીતિ નાબૂદ કરવાની સામાજિક કામગીરી ચાલુ રાખો, પરંતુ આ વાત કોઈએ કાને ન ધરી.
તેજાવત આણિ મંડળી પછી દાંતાના નાગપાણી ગામ પહોંચ્યા, જ્યાં છ દિવસ રોકાયા.
સાતમા દિવસે તેઓ ખેડબ્રહ્મા જવા રવાના થયા. સાથે હજારો ભીલોની મેદની હોવાના વાવડ ફરી વળ્યા. આ માહિતીને પગલે દાંતાના રાજકુમાર તથા ઈડર અને મહીકાંઠાના પોલિટીકલ એજન્ટ ખેડબ્રહ્મામાં ભેગા થયા. આ ત્રિપુટીએ તેજાવતની ધરપકડ કરવાની તૈયારીઓ આદરી દીધી.
મુસાફરી દરમિયાન પોશીના અને ખેડબ્રહ્મા વચ્ચે આવેલા વાલરણમાં તેજાવતે રોકાણ કર્યું હતું. એ સમયે દોઢસો સૈનિકો કેપ્ટન મરફીના નેતૃત્વમાં તેજાવતને પકડવા નીકળ્યા હતા, પરંતુ જંગલના ઝાડીઝાંખરાને લીધે તેઓ મોતીલાલ તેજાવત સુધી પહોંચી ન શક્યા અને વિલે મોઢે પાછા ફરવું પડ્યું હતું.
મોતીલાલ તેજાવત અને ‘એકી’ આંદોલનના પ્રભાવ વિશે હજી ઘણું જાણવા જેવું છે. (ક્રમશ:)ઉ