Gandhinagar: ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ રખડતા ઢોર મામલે સરકાર દ્વારા કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. ઢોર પકડવાની કામગીરીને કારણે શહેરીજનોને ઢોરની સમસ્યામાંથી આંશિક રાહત મળી છે તો બીજી તરફ માલધારી સમાજમાં નારાજગી વ્યાપી છે. ગુજરાત વિધાનસભામાં ફરી ઢોર નિયંત્રણ કાયદો લાવવા માટે સરકાર વિચાર કરી રહી છે ત્યારે આ મામલે માલધારીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં છે.
આગામી 22 અને 23 સપ્ટેમ્બરના રોજ વિધાનસભાનું સત્ર મળવાની શકયતા છે. આ વિધાનસભા સત્ર દરમિયાન સમગ્ર ગુજરાતમાંથી એક લાખ જેટલા માલધારીઓ ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરવા ઉમટી પડશે. આ વિરોધ પ્રદર્શનની રણનીતિ ઘડવા માટે ગાંધીનગર નજીક આવેલા ટીંટોળા વડવાળા મંદિરમાં ગુરુવારે માલધારી સમાજના આગેવાનોની એક બેઠક યોજાશે.
માલધારી સમાજે ગુજરાત સરકાર પર આરોપ લગાવ્યા છે કે સરકાર ગુજરાત હાઇકોર્ટમાં ખોટા એફિડેવિટ કરે છે. રાજ્ય સરકારની બેધારી નીતિ છે. એક તરફ ગુજરાત સરકારના પ્રતિનિધિઓ સમાજના આગેવાનો સાથે ફોટા પડાવે અને બીજી તરફ પોલીસ અને કોર્પોરેશનની ઢોર પાર્ટી દ્વારા માલધારી સમાજના લોકો સામે કાર્યવાહી કરવામાં આવે છે. ગુજરાત સરકાર માલધારી સમાજની વિરુદ્ધ છે.
આ પહેલા યોજાયેલ માલધારી સમાજના આગેવાનોની મિટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી કે, ભાજપ, કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટી જે માલધારી સમાજના પ્રશ્નોનો ઉકેલ લાવશે તેની સાથે સમાજ ઊભો રહેશે.
એક તરફ હાઈકોર્ટના કડક આદેશ અને બીજી તરફ માલધારી સમાજનો વિરોધ ત્યારે ગુજરાત સરકારની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઇ છે.

Google search engine