ગુજરાતનો લઠ્ઠાકાંડ: નેતા-પોલીસના પાપનું પરિણામ

એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ગુજરાતમાં મહાત્મા ગાંધીના નામે ચાલતા દારૂબંધીના તૂત વચ્ચે વધુ એક લઠ્ઠાકાંડ સર્જાઈ ગયો ને ૩૧ લોકો ભરખાઈ ગયાં. બોટાદ જિલ્લાના બરવાળા પાસે સર્જાયેલા આ લઠ્ઠાકાંડમાં બહું લોકોએ દેશી દારૂ ટટકાડેલો. તેમાંથી બીજા પચાસેક લોકો હજુ જુદી જુદી હૉસ્પિટલોમાં સારવાર હેઠળ છે. જેમની હાલત બહું ખરાબ નથી એવા કેટલાક દર્દીઓને સ્થાનિક કક્ષાએ બોટાદ ખાતે દાખલ કરવામાં આવ્યા જ્યારે જેમની હાલત ગંભીર હતી એવા લોકોને ગંભીર હાલતમાં સારવાર માટે ભાવનગરની સર ટી હૉસ્પિટલમાં લઈ જવાયા હતા.
આ દારૂડિયાઓમાંથી ડઝનેક લોકોની હાલત એકદમ ગંભીર થઈ જતાં તેમને અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં લવાયા છે. હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે એ લોકોના જીવ પર ખતરો છે જ કેમ કે પ્રથામિક તપાસમાં તેમણે સીધું જ મિથાઈલ આલ્કાહોલ નામનું ઝેરી કેમિકલ પીધું હોવાનું બહાર આવ્યું છે. આ સંજોગોમાં મૃત્યુઆંક હજુ વધે એવી પૂરી શક્યતા છે. જેમણે પણ દારૂ પીધો એ બધાંએ કાયદાનો ભંગ કર્યો છે તેથી તેમની દયા ખાવા જેવી નથી.
અલબત્ત સામે તેમનો અપરાધ એટલો મોટો પણ નથી કે જેના માટે તેમનો જીવ જતો રહે એ જોતાં સારવાર હેઠળના બધા બચી જાય ને હવે મૃત્યુઆંક ના વધે એવી પ્રાર્થના કરીએ. એ લોકોએ દારૂબંધીના કાયદાનો ભંગ કર્યો છે તો તેને માટે છ-બાર મહિનાની કે વધુમાં વધુ બે-ચાર વરસની જેલની સજા થવી જ જોઈએ પણ તેના માટે જીવ જાય એ ન્યાય નથી તેથી એ બધા બચી જાય તો સારું.
આ લઠ્ઠાકાંડે ગુજરાતની દારૂબંધીની પોલ ફરી ખોલી નાંખી છે. ગુજરાતમાં કહેવા ખાતર દારૂબંધી છે પણ વાસ્તવિકરીતે દારૂબંધી નથી તેનો આ વધુ એક પુરાવો છે. આ પુરાવા રોજેરોજ મળે છે ને સાબિત થાય છે કે, દારૂબંધીનો ખાલી કાગળ પર અમલ થાય, બાકી બધું લોલેલોલ ચાલે છે. કમનસીબી એ છે કે, આ વખતે આ વાત સાબિત થઈ તેમાં ત્રીસ-ચાલીસ લોકોએ પોતાના જીવ ખોયા છે.
ગુજરાતની ભાજપ સરકાર પોતાની નિષ્ફળતા ઢાંકવા ધંધે લાગી છે ને બલિના બકરા શોધીને શૂળીએ ચડાવવાનો ખેલ શરૂ થઈ ગયો છે. સાથેસાથે ઘોડા છૂટી ગયા પછી તબેલાંને તાળાં મારવાનો ધંધો પણ શરૂ કરી દેવાયો છે. તેના ભાગરૂપે સૌથી પહેલાં તો એવું જાહેર કરી દેવાયું છે કે, આ લોકોના મોત દારૂ પીવાથી નહીં પણ કેમિકલ પીવાથી થયું છે. બીજું કામ એ કરાયું કે, બોટાદના ડીવાયએસપીના વડપણ હેઠળ એક સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) બનાવી દેવાઈ. આ એસઆઈટી લઠ્ઠાકાંડની તપાસ કરીને સરકારને રિપોર્ટ સોંપશે.
એસઆઈટીની સાથે સાથે સ્ટેટ મોનિટરિંગ સેલ અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચને પણ લઠ્ઠાકાંડની તપાસ કરવાનો આદેશ અપાયો છે. લઠ્ઠાકાંડના પગલે સફાળી જાગેલી ભૂપેન્દ્ર પટેલની સરકારે આખા રાજ્યમાં દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવા માટે પણ ફરમાન કરી દીધું છે ને તેના પગલે પોલીસે દારૂની ભઠ્ઠીઓ પર તૂટી પડવાનું નાટક શરૂ કર્યું છે.
પાલતુ ટીવી ચેનલોને સાથે લઈને પોલીસ દારૂના અડ્ડાઓ પર પહોંચીને તોડફોડ શરૂ કરાઈ છે કે જેથી લોકોને લાગે કે, પોલીસ હાથ પર હાથ મૂકીને બેઠી નથી પણ દારૂબંધીનો અમલ કરાવવા સક્રિય છે. આ ચેનલોના માધ્યમથી ગુજરાતમાં લઠ્ઠાકાંડ નથી સર્જાયો પણ કેમિકલ કાંડ સર્જાયો છે એવી સાવ બકવાસ વાતો પણ વહેતી કરી દેવાઈ છે. આ બધાં નાટકો હપ્તાખોર રાજકારણીઓ અને પોલીસનાં પાપ ઢાંકવા માટે કરાઈ રહ્યાં છે.
પોલીસનો દાવો છે કે, દારૂ બનાવનારને કેમિકલ આપનાર મુખ્ય આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. તેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, પીપલજ પાસેથી ફેક્ટરીમાંથી મિથેનોલ સપ્લાય કરવામાં આવતું હતું. દારૂ બનાવનાર આરોપીનો સ્વજન જ કેમિકલ સપ્લાય કરતો હતો. દેશી દારૂમાં મિથેનોલ ભેળવાયો તેના કારણે દારૂ વધારે પડતો ઝેરી થઈ ગયો અને ત્રીસેક લોકો ઢબી ગયાં.
આ વાત મૂર્ખામીની ચરમસીમા જેવી છે. દેશી દારૂ બનાવાય તેમાં જાત જાતની વસ્તુઓ નંખાય છે. દારૂ પીનારાંને કીક આવે એ માટે દારૂ બનાવનારા એવી એવી વસ્તુઓ નાંખતા હોય છે કે જેની વાતો સાંભળીને ઉબકા આવી જાય. મિથેનોલ એચલે કે મિથાઈલ આલ્કોહોલ તેમાંથી જ એક છે. બીજું એ કે, દેશી દારૂ બનાવાય ત્યારે જે રસાયણિક પ્રક્રિયા થાય છે તેમાં પણ મિથેનોલ તો પેદા થાય જ છે તેથી દેશી દારૂમાં મિથેનોલ તો હોય જ છે.
આ વખતે સીધો નંખાયો તેથી વધારે પ્રમાણમાં પડી ગયો હોય એવું બને પણ સવાલ મિથેનોલ દારૂમાં નંખાયો હતો કે નહીં એ જ છે. સવાલ એ જ છે કે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની ભઠ્ઠીઓ કેમ ધમધમે છે? આ સવાલનો જવાબ પોલીસ આપતી નથી ને બીજી ફાલતુ વાતો કરે છે. બીજું એ કે લઠ્ઠાકાંડ થયો પછી દારૂની ભઠ્ઠીઓ પર તૂટી પડવા ફરમાન કરાયું તો અત્યાર લગી કેમ ઘોરતા હતા?
આ સવાલનો જવાબ એ છે કે ગુજરાતમાં રાજકારણીઓ અને પોલીસની રહેમ નજર હેઠળ જ ગેરકાયદેસરરીતે દારૂનો ધંધો ધમધમે છે. ગુજરાતમાં દારૂનો ધંધો કરનારા બુટલેગરો પોલીસ અને રાજકારણીઓને તગડા હપ્તા આપે છે. મતલબ કે, જે રકમ કરવેરા પેટે સરકારી તિજોરીમાં જવી જોઈએ એ હપ્તા પેટે રાજકારણીઓ અને પોલીસોનાં ઘરોમાં જાય છે. આ હપ્તાના બદલામાં પોલીસ-રાજકારણીઓ બુટલેગરોને છાવરે છે, તેમને રક્ષણ આપે છે. બરવાળા જેવો લઠ્ઠાકાડં સર્જાય ત્યારે લોકોના ધ્યાન પર આ વાત આવે છે, બાકી તો બેરોકટોક આ ગંદો ધંધો ચાલ્યા કરે છે.
રાજકારણીઓ-પોલીસના પાપે ગુજરાતમાં દારૂનું એક સમાંતર અર્થતંત્ર ઊભું થયું છે. આ અર્થતંત્રના કારણે ગુનાખોરીનું બહું મોટું સામ્રાજ્ય ઊભું થયું છે ને એવું વિષચક્ર ઊભું થયું છે કે જેને દારૂબંધી હટાવીને તોડી શકાય પણ રાજકારણીઓ પોતાની દુકાન ચાલે એટલા માટે ગાંધીજીના નામે દારૂબંધીનું તૂત ચલાવ્યા કરે છે તેથી વિષચક્ર ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે.

3 thoughts on “ગુજરાતનો લઠ્ઠાકાંડ: નેતા-પોલીસના પાપનું પરિણામ

  1. Time and again hooch-related death reports come from Gujarat and are shoved under the carpet. The fact that people want prohibition is wishful thinking. Large quantities of alcohol is being smuggled from other states. This has created a vested interest. If you want alcoholics to be weaned away from their addiction, then they need to have medical treatment. By criminalizing it, you are preventing this from happening. Make alcohol sales legal and a myriad of problems will disappear not the least of which is spurious alcohol consumption. In the misguided attempt some of us have been imposing our beliefs/prejudices on others be it alcohol sales, or sale of meat and other non-veg products on certain holidays and closing slaughter houses on those days. This is one section of population imposing its opinion on another section. In a democracy it it is sacrilege.

    1. Government taxes sales of alcohol like any other item, and it is taxed more heavily. By imposing prohibition this source of income is not utilized. In Economics it is called ‘Opportunity Cost’. Instead of government collecting funds all those who aid and abet in its illegal trafficking reap the financial benefits that would have accrued to the government when prohibition lets this transfer to illegal channels.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.