ગુજરાતનું ડેરી માર્કેટ એક લાખ કરોડ પર પહોંચ્યું: મોદી

દેશ વિદેશ

સાબરકાંઠા જિલ્લાના ગઢોડા ખાતે સાબર ડેરી પ્લાન્ટના કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન

અનેક પ્લાન્ટનું લોકાર્પણ: મહિલાઓના સશક્તીકરણ પર ભાર અપાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત સહકારી પ્રવૃત્તિમાં અગ્રેસર રહ્યું છે. રાજ્યનું ડેરી માર્કેટ આજે એક લાખ કરોડ પર પહોંચ્યુ છે તે આવકારદાયક છે. સાથે સાથે ડેરી વ્યવસાયમાં મહિલાઓની ભાગીદારી વધી છે. તત્કાલીન સમયે દૂધનાં નાણાં સીધા મહિલાઓને મળે તેવો નિર્ણય કર્યો હતો. તેનો સીધો લાભ મહિલાઓને મળ્યો છે અને મહિલાઓનું સશક્તીકરણ વધ્યું છે, એવું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ગઢોડા ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સાબર ડેરી પ્લાન્ટની નજીક રૂપિયા ૬૦૦ કરોડના ખર્ચે બનનાર ૩૦ મેટ્રીક ટન પ્રતિદિનની કેપેસિટીના ચીઝ પ્લાન્ટનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જ્યારે રૂપિયા ૧૨૫ કરોડના ખર્ચે નિર્મિત દૈનિક ત્રણ લાખ લિટર કેપેસિટીના અલ્ટ્રા હાઇ ટ્રીટમેન્ટ ટેટ્રાપેક પ્લાન્ટનું લોકાર્પણ તેમ જ રૂપિયા ૩૦૫ કરોડના ખર્ચે બનેલા દૈનિક ૧૨૦ ટન કેપેસિટીના પાવડર પ્લાન્ટનું લોકાર્પણ પણ વડા પ્રધાનને કર્યું હતું.
આ પ્રસંગે વડા પ્રધાને મોદીએ કહ્યું કે દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે ત્યારે સાબરકાંઠાની પાલદઢવાવની ઘટનાને પણ ૧૦૦ વર્ષ થયાં છે. મોતીલાલ તેજાવતના નેતૃત્વમાં એ સમયે આદિવાસી સમાજના યોદ્ધાઓએ અંગ્રેજોના પાયા હચમચાવી નાખ્યા હતા. એ સમયે અંગ્રેજોએ કરેલા હત્યાકાંડને આઝાદી પછી ભુલાવવાનો પ્રયાસ થયો, પરંતુ આદિવાસી સમાજના સ્વાતંત્રવીરોએ આપેલા યોગદાનને અમારી સરકારે ઉજાગર કર્યું.
ખેડૂતો-પશુપાલકોને સંબોધન કરતા કહ્યું હતું કે, કરોડો રૂપિયાના પ્રોજેક્ટ આધુનિક ટૅક્નોલૉજીના ઉપયોગથી કાર્યાન્વિત થનારા પ્રકલ્પોના કારણે સાબર ડેરીની ક્ષમતા અનેક ગણી વધશે.
સાબરકાંઠા જિલ્લાના અગ્રણીઓ-સાથીઓ સાથેનાં સંસ્મરણોને તેમણે યાદ કરતાં મોદીએ કહ્યું હતું કે બે દશક પહેલાં અહીંની સ્થિતિ અલગ હતી, પરંતુ એ સ્થિતિમાં બદલાવ લાવવાનો સંકલ્પ કર્યો હતો અને આજે ખેતી-પશુપાલનની પ્રવૃત્તિને વ્યાપક બનાવી અને ડેરીએ આ વ્યવસ્થાને વધુ પ્રગતિદાયક અને મજબૂત બનાવી તે આનંદની વાત છે.
મોદીએ એવું પણ કહ્યું હતું કે ગુજરાત દેશનું એવું રાજ્ય છે જ્યાં પશુધન માટે હેલ્થકાર્ડ, પશુ આરોગ્ય મેળા યોજ્યા હતા અને પશુઓના મોતિયાના ઓપરેશનની સુવિધાઓ પણ કરી હતી. આ અભિયાન આજે પણ કાર્યરત છે. પશુઓના પેટના ઓપરેશન દરમ્યાન ૧૦-૧૫ કિલો પ્લાસ્ટિક નીકળતું હતું એટલે જ પ્લાસ્ટિક પર પ્રતિબંધની ઝુંબેશ પણ ચલાવી હતી.
રાજ્ય-રાષ્ટ્રના વિકાસમાં વીજળીની મહત્તનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં ૨૪ કલાક વીજળી આપતી જ્યોતિ ગ્રામ યોજનાના પગલે રાજ્યના લોકોના જીવનમાં બદલાવ પણ આવ્યો છે. દેશમાં આજે ૧૦ હજાર કિસાન ઉત્પાદક સંઘના નિર્માણનું કામ ચાલુ છે. ખાદી-ગ્રામોદ્યોગનું ટર્નઓવર રૂપિયા એક લાખ કરોડથી વધુ છે તેના લીધે ગામડાઓમાં દોઢ કરોડ લોકોને રોજગારી મળી છે.
કેન્દ્ર સરકારે છેલ્લાં બે વર્ષમાં ૩ કરોડથી વધુ કિસાનોને કિસાન ક્રેડિક કાર્ડ આપ્યાનો ઉલ્લેખ કરી મોદીએ કહ્યું હતું કે ખેતીની લાગત ઘટાડવા પણ સરકાર કાર્યરત છે. કેન્દ્ર સરકારે નેનો ફર્ટિલાઇઝરની દિશામાં કામ હાથ ધર્યું છે અને સાથે-સાથે કૃષિ માટે જરૂરી ખાતર ઉપલબ્ધ કરવા કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે. ખેતીમાં ખાતર તરીકે વપરાતા યુરિયાનો ભાવ વધ્યો છે, પરંતુ તેનું ભારણ ખેડૂતો પર આવવા દીધું નથી. રૂપિયા ૩૫૦૦ ભાવે યુરિયા સરકારે ખરીદીને ખેડૂતોને માત્ર રૂપિયા ૩૦૦માં આપે છે. આજ રીતે ડી.એ.પી. પ્રતિ ૫૦ કિલોએ રૂપિયાનો ૨૫૦૦નો બોજ સરકાર ઉઠાવે છે.
વિકાસના પાયામાં કનેક્ટિવિટી અને માળખાગત સુવિધાઓની ભૂમિકાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે ફોર લેન રોડ મારફતે શામળાજી દક્ષિણ ગુજરાત – મધ્ય ગુજરાત સાથે જોડાઇ જશે. હિંમતનગર-ખેડબ્રહ્મા બ્રોડગેજ રેલવે લાઇનનું કામ ઝડપી ચાલી રહ્યું છે. હિંમતનગરથી અંબાજી ફોર લેન રસ્તો મુસાફરી માટે વધુ ઉપયોગી બન્યો છે, તો ૧૩૦૦ કરોડના ખર્ચે અમદાવાદ શામળાજીનો ૬ માર્ગીય રસ્તો પણ વિકાસની ધરોહર બનશે.
મોદીએ ઉમેર્યું હતું કે આઝાદીના આ મહત્ત્વપૂર્ણ પડાવ પર અનુસૂચિત જનજાતિના દ્રૌપદી મુર્મૂ રાષ્ટ્રપતિના સર્વોચ્ય પદે બિરાજમાન થયાં છે એ ભારત માટે ગૌરવાન્વિત ઘડી છે. અમારી સરકારે ૧૫ નવેમ્બરને ભગવાન બિરસામૂંડાના જન્મદિને જનજાતિ ગૌરવ દિવસ તરીકે જાહેર કર્યો છે. એટલું જ નહીં, મારી સરકાર દેશભરમાં આદિવાસી સ્વતંત્રતા સગ્રામ સેનાનીઓની યાદમાં એક વિશેષ સંગ્રહાલય ઊભું કરવા જઇ રહી છે એમ તેમણે ઉમેર્યું હતું.
મોદીએ આહ્વાન કરતાં જણાવ્યું હતું કે આગામી સમયમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા સાબરકાંઠા-અરવલ્લી ઉપરાંત સમગ્ર રાજ્ય અગ્રેસર ભૂમિકા ભજવે.
આ પ્રસંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે દેશને સહકારથી સમૃદ્ધિનો માર્ગ ચિંધનારા ગુજરાતની ધરા ઉપર દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સાબરકાંઠા-અરવલ્લીના પશુપાલકોની જીવાદોરી સમાન સાબર ડેરીના રૂ. ૧૦૩૦ કરોડના વિવિધ પ્લાન્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત એ દૂધની ધારા અવિરત વહેતી રાખવાના પ્રકલ્પો પૂરવાર થનારા છે. સાબરકાંઠા, અરવલ્લી અને ઉત્તર ગુજરાત માટે આ ભેટ શ્વેત ક્રાંતિનો અમૃતકાળ બનશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.