ડિપ્રેશનમાં ગુજરાતી યુવાનનું ઘાતકી પગલું :મુલુંડમાં માતાની હત્યા કર્યા બાદ યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

આમચી મુંબઈ

ઘરમાં ચિઠ્ઠી લખી યુવક રેલવે ટ્રેક પર કૂદ્યો

પ્રવાસીઓએ તેને બચાવી રેલવે પોલીસને સોંપ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુલુંડમાં બનેલી આંચકાજનક ઘટનામાં છરી વડે ગળું ચીરી માતાની કથિત હત્યા કર્યા બાદ ગુજરાતી યુવાન આત્મહત્યાને ઇરાદે રેલવે ટ્રેક પર કૂદી પડ્યો હતો. પ્રવાસીઓએ યુવકને બચાવી રેલવે પોલીસને સોંપ્યા બાદ આખી ઘટના પ્રકાશમાં આવી હતી. પોલીસને ઘરેથી મળી આવેલી ચિઠ્ઠીમાં યુવાને માતાની હત્યાનો ઉલ્લેખ કરી પોતે આત્મહત્યા કરવા જઈ રહ્યો હોવાનું નોંધ્યું હતું.
મળતી માહિતી અનુસાર પોલીસને ઘટનાની જાણ શનિવારે સાંજે થઈ હતી. મુલુંડ પશ્ર્ચિમમાં ડૉ. આર. પી. રોડ પર આવેલા વર્ધમાન નગર કૉમ્પ્લેક્સની સી વિંગના બીજા માળે રહેતી છાયા પંચાલ (૪૬)ની હત્યા કરવામાં આવી હતી. છાયા પંચાલની હત્યા તેમના જ પુત્ર જયદીપે (૨૨) કરી હોવાનું પ્રથમદર્શી જણાયું હતું. ઘટના સમયે છાયાના પતિ કારખાને હતા, એવું સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે.
મુલુંડ ડિવિઝનના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર દત્તાત્રય શિંદેએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે સાંજે સાડાપાંચ વાગ્યાની આસપાસ યુવકે મુલુંડ સ્ટેશન પાસે ટ્રેક પર કૂદકો માર્યો હતો. પ્રવાસીઓનું ધ્યાન જતાં તેમણે યુવકને બચાવી લીધો હતો અને રેલવે પોલીસને સોંપ્યો હતો. આ ઘટનામાં યુવકને ઇજા થતાં તેને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો.
દરમિયાન રેલવે પોલીસે યુવકની પ્રાથમિક પૂછપરછ કરતાં હત્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. બીજી બાજુ, પંચાલના ઘરના દરવાજા બહાર લોહીના ડાઘ દેખાતાં પડોશીઓએ પણ પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં મુલુંડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. છાયાનો મૃતદેહ લોહીના ખાબોચિયામાં મળી આવ્યો હતો. પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
પંચાલના ઘરમાંથી પોલીસને એક ચિઠ્ઠી પણ મળી આવી હતી, જે જયદીપે લખી હોવાનું કહેવાય છે. આ ચિઠ્ઠીમાં માતાની હત્યાનો અફસોસ વ્યક્ત કરી પોતે જીવન ટૂંકાવવા જઈ રહ્યો હોવાનો ઉલ્લેખ કરાયો હતો. મેકેનિકલ એન્જિનિયરિંગનું ભણતો જયદીપ છેલ્લા કેટલાક દિવસથી ડિપ્રેશનમાં હતો, એવું તેના પિતાએ પોલીસને કહ્યું હતું. પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.