ગુજરાતી નાટક
આ યુગના સૌથી વિવાદાસ્પદ રાજકારણી અને પાકિસ્તાનના જનક મહમ્મદ અલી જિન્નાહની પત્ની રતનબાઈ દિનશા પેટીટની વણકહી કથા પર આધારિત નાટક ‘બોમ્બે ફલાવર’નું પ્રીમિયર મુંબઈના એનસીપીએ એક્સપરિમેન્ટલ થિયેટર ખાતે તા. ૨૬મી માર્ચે સાંજે સાત વાગ્યે થઈ રહ્યું છે. અહીં એ નોંધવું અગત્યનું છે કે જિન્નાહના પત્ની રતનબાઈ પારસી હતા.
આઈડિયાઝ અનલિમિટેડ દ્વારા નિર્મિત, મનોજ શાહ દિગ્દર્શિત અને ગીતા માણેક દ્વારા લિખિત આ દ્વિઅંકી નાટક પારસી રંગભૂમિને અર્પણ છે. એ પારસી રંગભૂમિ જેણે ભારતના આધુનિક થિયેટરને જન્મ આપ્યો.
આ નાટક જિન્નાહની પત્ની રતનબાઈ ઉર્ફે રૂટીની વણકહી કથા છે. રૂટી અત્યંત શ્રીમંત પારસી પરિવારમાં જન્મી હતી અને એ સમયના વિખ્યાત બેરિસ્ટર તથા રાજકારણી મહમ્મદ અલી જિન્નાહને પરણી હતી.
આ નાટક આજે પણ સુસંગત છે, કારણ કે આમાં એ સમજવાનો પ્રયાસ છે કે પ્રતિષ્ઠિત અને તમામ પ્રકારનાં સુખ-સગવડ ધરાવતા પરિવારની એક પ્રખર બુદ્ધિશાળી, સંવેદનશીલ છોકરી તેનાથી તદ્દન જુદા સંસ્કાર, પરિવેશમાંથી આવતા વિધર્મી સાથે શા માટે ભાગીને પરણી જાય છે. આ નાટક એ બાબતોના ઊંડાણમાં જવા પ્રયાસ કરે છે કે એ કયાં તત્ત્વો છે જે આજે પણ શિક્ષિત અને સક્ષમ યુવાનોને આવા નિર્ણય લેવા પ્રેરે છે. આ નાટકમાં એ વખતની રાજકીય પરિસ્થિતિ, પાકિસ્તાનના સર્જનનો વિચાર જિન્નાહના મનમાં રોપતા કવિ ઈકબાલની માનસિકતા વગેરે ઐતિહાસિક બાબતોને પણ વણી લેવામાં આવી છે.
મનોજ શાહ દિગ્દર્શિત અને જાણીતા નાટ્યલેખિકા ગીતા માણેક દ્વારા લિખિત બોમ્બે ફલાવરમાં ભામિની ઓઝા-ગાંધી, વિશાલ શાહ, ઋષભ કામદાર અને પૂર્વી દેસાઈ ભૂમિકા નિભાવી રહ્યા છે. આ નાટકનું સંગીત અમિત ભાવસાર, સેટ કબીર ઠાકોર, પ્રકાશ સંયોજન હુસેની દવાવાલા અને કોસ્ચ્યુમ્સ અસ્તિત્ત્વ ભટ્ટના છે.