Homeમેટિનીફિલ્મફેઅર ઍવોર્ડમાં ગુજરાતીઓનો દબદબો!

ફિલ્મફેઅર ઍવોર્ડમાં ગુજરાતીઓનો દબદબો!

રંગીન ઝમાને-અભિમન્યુ મોદી

ગુજરાતીઓ માત્ર રૂપિયા જ કમાઇ જાણે તેમને કળા સાથે શું લેવાદેવા? એવી વાહિયાત વાતો કરનારાઓને ફિલ્મફેઅર ઍવોર્ડમાં તમાચો પડ્યો છે. કારણ કે ફિલ્મક્ષેત્રે પ્રતિષ્ઠિત ગણાતા ફિલ્મફેઅર ઍવોર્ડમાં આ વર્ષે ત્રણ ગુજરાતી અને ગુજરાતી કનેકશન ધરાવતી અભિનેત્રી એમ ચાર જણાંને ઍવોર્ડ મળ્યો છે.
૬૮મા ફિલ્મફેઅર ઍવોર્ડમાં ગંગુબાઇ કાઠિયાવાડી માટે દિગ્દર્શક સંજયલીલા ભણશાલી, એ જ ફિલ્મમાં ગુજરાતણ ગંગુબાઇ કાઠિયાવાડીની ભૂમિકા ભજવનાર ગુજરાતી કનેકશન ધરાવતી આલિયા ભટ્ટ, આપણા પોતાના કહી શકાય એવા પટકથા-સંવાદ લેખક પ્રકાશ કાપડીયા અને એ જ ફિલ્મના ગીત ઢોલીડા માટે ગુજરાતી ગાયિકા જહાન્વી શ્રીમાંકરને ફિલ્મ ફેઅર ઍવોર્ડ એનાયત થયો એ નિશ્ર્ચિત જ ગુજરાતીઓ માટે ગર્વ લેવા જેવી બાબત છે.
દર વર્ષે ફિલ્મફેર ઍવોર્ડમાં ઘણા બધા ગુજરાતી કલાકારો ભાગ લે છે. એમાંથી અમુક ગુજરાતીઓને ઍવોર્ડ પણ મળે છે. આપણને આ વાતે ખુશી થાય એ સ્વાભાવિક છે. જો કે એકબીજો પોઇન્ટ ઓફ વ્યૂ એ પણ છે કે ગુજરાતીઓ તો ઍવોર્ડ આપનારી પ્રજા છે. આમ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વધુ પૈસો ગુજરાતીઓનો છે. ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીને પણ ઘણે અંશે ગુજરાતીઓ ચલાવે છે એવું કહેવામાં અતિશયોક્તિ નથી. પૈસા બનાવવા અને પૈસા રોકવા સિવાય ગુજરાતીઓ કળામાં પણ પાછળ નથી. આ વર્ષના ફિલ્મફેર એવોર્ડમાં ચાર ગુજરાતીઓ કે ગુજરાત સાથે કનેક્શન ધરાવતા કલાકારો-કસબીઓને અવોર્ડ મળ્યો છે. આ આપણાં માટે ગર્વની વાત કહેવાય.
આ વર્ષે ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મ ઍવોર્ડ સમારંભમાં ઘણા અંશે છવાઈ ગઈ. આ ફિલ્મના નિર્માણમાં ઘણા ગુજરાતીઓનો હાથ છે. ફિલ્મના મુખ્ય સુકાની એટલે સંજય લીલા ભણશાલી. જેમણે એમની ઘણી ફિલ્મોમાં ગુજરાતી બેકગ્રાઉન્ડ ખૂબ વાપર્યું છે. હમ દિલ દે ચૂકે સનમ હોય કે રામલીલા, ગુજરાતી બેકડ્રોપમાં આ ડિરેક્ટર બહુ કલરફૂલ ફિલ્મો બનાવે છે. લાલ રંગના ચાહક એવા આ સંજયભાઈ ગુજરાતી છે તે જાણીતી વાત છે. પોતાના નામની પાછળ મતાશ્રીનું નામ લગાવીને તેમણે જે તે સમયે નવી પેઢીમાં આશ્ર્ચર્ય ઊભુ કર્યું હતું. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શ્રેષ્ઠ દિગ્દર્શકોમાં તેમની ગણના થાય છે. સંજય ભણસાલી સાથે કામ કરવાનું દરેક એક્ટરનું સપનું હોય છે. અમિતાભ બચ્ચને તેની લાઇફમાં ઉત્તમ પરફોર્મન્સમાંથી એક ભણશાલી સાહેબની ફિલ્મ બ્લેકમા આપેલું.
સંજય લીલા ભણશાલી મુંબઈના ભૂલેશ્ર્વરમાં જન્મેલા છે. ભુલેશ્ર્વરમાં ગુજરાતીઓ બહુ રહે છે. તેમના માતુશ્રી સીવણ કામ કરતા. તેઓ ગરબાના ખૂબ સારા નૃત્યકાર પણ હતાં. ભૂલેશ્ર્વર વિસ્તારમાં ચારેબાજુ જુદા જુદા પ્રાંતથી આવેલા અલગ અલગ કિસમના ગુજરાતીઓ રહે છે. એટલે ગુજરાતી ફૂડ, ગુજરાતી સંસ્કૃતિ, ગુજરાતી રહેણીકરણી આ બધાની વચ્ચે જ સંજયભાઈનો ઉછેર થયો છે. તેઓ ખુદ કહે છે કે હું એક લાઉડ ગુજરાતી છું. તેમના ઘરમાં ગુજરાતી ભાષામાં જ વાત થાય છે. યસ, સંજય ભાઈની માતૃભાષા ગુજરાતી છે. તેમને ગુજરાતી આર્કિટેકચર બહુ ગમે છે. તેઓ ઉંધીયું અને ઢોકળાના ફેન છે જેમ દરેક ગુજરાતી હોય છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં કહેલું કે અમદાવાદની અગાશીએ રેસ્ટોરાંમાં કે મુંબઈની ઠાકરમાં જમવા જવા માટે તેઓ હંમેશાં તૈયાર હોય છે.
સંજય ભણસાલીના પ્રોડક્શન નીચે ગુજરાતી ભાષાની મહાન નવલકથા સરસ્વતીચંદ્ર ઉપરથી સિરિયલ પણ બની હતી. તેમણે ગુજરાતી સાહિત્ય ખૂબ વાંચ્યું છે. ગુજરાતી લોકસંગીતના તે મોટા ચાહક છે. નાનપણમાં તેમને ગુજરાતી ગરબા, ગુજરાતી ભજનો, સુગમ સંગીત અને લોકસંગીત ખૂબ સાંભળ્યું છે. ગુજરાતી પહેરવેશના તે ચાહક હોવાથી તેમની ફિલ્મોમાં હિરોઇનો ભવ્ય કપડામાં દેખાય. આજની તારીખે પણ તેઓ એક ગુજરાતી છાપુ અચૂક વાંચે છે. કેતન મેહતા તેમના પસંદીદા ફિલ્મ મેકર છે અને સંજીવ કુમાર ઉર્ફે હરી ભાઈ તેમના ગમતા કલાકાર છે. હમ દિલ દે ચૂકે સનમ જ્યારે રિલીઝ થયેલું ત્યારે ઘણા થીયેટરોમાં એવું થતું કે ચાલુ ફિલ્મે ઓડિયન્સ ઊભું થઈ જતું
અને પ્રોજેક્ટરને ઢોલી તારો ગીત ફરીથી વગાડવાનું કહેતા.
ગંગુબાઇ કાઠિયાવાડી ફિલ્મના ડાયલોગ લખવા માટે જે વ્યક્તિને ઍવોર્ડ મળ્યો તે છે પ્રકાશ કાપડિયા. સંજય લીલા ભણશાલી સાથે લાંબા સમયથી જોડાયેલા છે અને તેમની ઘણી ફિલ્મોમાં પડદા પાછળ અને પ્રોડક્શન પહેલા ઘણું કામ કર્યું છે. ભણશાલી સાહેબની મોંઘી ફિલ્મ દેવદાસમાં તેમને સ્ક્રીનપ્લે અને ડાયલોગ લખ્યા હતા. પછી ખૂબ વખણાયેલી બ્લેકના લખાણમાં પણ પ્રકાશભાઈનો જાદુ હતો. સાંવરીયા પણ પ્રકાશભાઈની લખેલી. બાજીરાવ મસ્તાની અને પદમાવત લખવાની ક્રેડિટ પણ પ્રકાશ કાપડિયાને જ જાય. એક મરાઠી ફિલ્મ સુપરહિટ ગયેલી – કત્યાર કાલજાત ઘુસ્લી. એ પણ પ્રકાશ ભાઈની. પ્રકાશ કાપડિયા ગુજરાતી છે. ગુજરાતી ભાષા બોલે છે. ગુજરાતને તેમણે જોયું છે. ખૂબ પ્રતિભાવંત ફિલ્મ લેખક છે. ફિલ્મ લેખનને બહુ જ સારી પેઠે આ ગુજરાતીએ આત્મસાત કર્યું છે. ઇતિહાસ ઉપર તેમની પકડ સારી છે. ભારતીય સૌંદર્ય શાસ્ત્રનું તેમનું જ્ઞાન કાબિલે તારીફ છે.
આ વર્ષના ફિલ્મફેર ઍવોર્ડમાં આલિયા ભટ્ટને પણ બેસ્ટ એક્ટ્રેસનો ઍવોર્ડ મળ્યો. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન થયા ત્યારે મેસેજ ફરતા હતા કે રણબીર તો ગુજરાતનો જમાઈ કહેવાય. કારણ કે આલિયાના પપ્પા મહેશ ભટ્ટ તો ગુજરાતી છે. આલિયાની મમ્મી કાશ્મીરી પંડિત. સોની રાઝદાન તો અડધા જર્મન પણ છે. આલિયાના નાના ગુજરાતી હિન્દુ બ્રાહ્મણ હતા. આલિયાના નાની દાઉદી વ્હોરા સમાજના ગુજરાતી મુસ્લિમ હતા. મહેશ ભટ્ટ અને નાનાભાઈ ભટ્ટ વિશેની વાતો જાણીતી છે. નાનાભાઈ ભટ્ટ પોરબંદરના નાગર હતા. મહેશ ભટ્ટને કાઠિયાવાડી લોહી કહી શકાય. નાનાભાઈ માયથોલોજીકલ ફિલ્મો બનાવતા. પણ તેમનો સ્વભાવ આધુનિક હતો. એ જમાનામાં એક મુસ્લિમ સ્ત્રીના પ્રેમમાં પડેલા જેમનું નામ હતું શીરીન મોહમ્મદ અલી. તે મહેશ ભટ્ટના જન્મદાત્રી થાય. જો કે નાનાભાઈ ક્યારેય શીરીનને પરણ્યા નહીં. આ રીતે આલિયા ભટ્ટનું ગુજરાત સાથે સ્ટ્રોંગ કનેક્શન છે.
આ તો જાણીતા અને સેલિબ્રિટી કહેવાય એ વ્યક્તિઓની વાત થઈ. ફિલ્મોનું પ્રાણતત્ત્વ પૈસો છે. મુંબઈના પાયામાં ગુજરાતીઓ છે. ગુજરાતીઓ શેર માર્કેટ હોય કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખૂબ મોટું ઇન્ફ્લુઅન્સ ધરાવે છે. અભિનય ક્ષેત્રે પણ તેઓ પાછળ નથી. ગુજરાતીઓ ફિલ્મફેર તો શું ઓસ્કાર સુધી પહોંચ્યા છે, દેવ પટેલ એનું એક ઉદાહરણ છે. ગુજરાતીઓ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીને નવી ઊંચાઈએ લઈ જાય એવી અપેક્ષા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -